SURAT

ડિંડોલીમાં પત્નીને ચા બનાવવામાં મોડું થતા પતિએ જીવન ટૂંકાવ્યું

સુરત : ડિંડોલી (Dindoli) વિસ્તારમાં રહેતા 65 વર્ષિય આધેડે પત્નીને (Wife) ચા (Tea) બનાવવાનું કહ્યા બાદ ચા બનાવતા મોડુ થયું હતું. જેને પગલે પતિ (Husband) પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિએ માઠું લગાડી ફાંસો ખાઇ લીધો હતો.

  • પત્ની પતિ વચ્ચે ચા બનાવવાની બાબતે ઝઘડો થયો હતો
  • 65 વર્ષીય આધેડે ચા નાસ્તામાં મોડું થતા અંતિમ પગલું ભર્યું
  • ચા નાસ્તામાં મોડુ થતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી

ડિંડોલીમાં ચા બનાવવાના મુદ્દે પતિ પત્ની વચ્ચે બોલાચાલી બાદ પતિએ અંતિમ પગલુ ભરી લીધુ. પ્રાપ્ત વિગતો અનુસાર ડિંડોલી માધવ કોમ્પલેક્ષ પાસે આવેલી શ્રધ્ધા સોસાયટીમાં રહેતા અને મુળ મહારાષ્ટ્રના વતની બંસીલાલ આનંદભાઇ સોનવણે (ઉ.વ.65)એ ગઇકાલે મોડી સાંજે ફાંસો ખાધો હતો. બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, બંસીલાલે તેમના પત્ની મંગલાબેનને ચા બનાવવાનું કહ્યું હતું. જોકે ચા બનતા થોડુ મોડુ થતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને પગલે બંસીલાલે અંતિમ પગલું ભરી લીધું હતું. વધુમાં બંસીલાલ સોનવણે સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. તેમને બે પુત્રો છે. બંને પુત્રો હીરાનું કામ કરે છે. બનાવ અંગે ડિંડોલી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગણદેવીમાં ગર્ભવતી મહિલાનો ગળે ફાંસો ખાઈ આપઘાત
નવસારી : ગણદેવીમાં ગર્ભવતી મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મૂળ એમ.પી. અલીરાજપુર જિલ્લાના સોંડવા તાલુકાના બીછોલી ગામે જામની ફળીયામાં અને હાલ ગણદેવી ફાયર સ્ટેશનના ધાબા ઉપર ભુના ડુંગરસિંહ કનેશ (ઉ.વ. 21) તેના પતિ સાથે રહેતી હતી. ભુનાબેનને બે મહિનાનો ગર્ભ હતો અને તેણીની તબિયત સારી રહેતી ન હતી. જેથી ભુનાબેને તેના પતિ ડુંગરસિંહને વતન અલીરાજપુર જવા માટે કહ્યું હતું. ત્યારે તેના પતિ ડુંગરસિંહે સાંજે વતન લઈ જવા માટે કહેતા ભુનાબેનને ખોટું લાગી આવ્યું હતું. જેના કારણે ભુનાબેને તેના ઘરની બારીના ગ્રીલને ગમછો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ગણદેવી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે મૃતકના પતિ ડુંગરસિંહની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. જી.એસ. પટેલે હાથ ધરી છે.

Most Popular

To Top