Gujarat

ગુજરાત સચિવાલયમાં જૂન મહિનામાં નિવૃત્તિની લહેર, સુરત મોડલને રાષ્ટ્રીય સ્તરે મળી રહી પ્રશંસા

ગુજરાતના સચિવાલયમાં આ દિવસોમાં વહીવટી ગતિવિધિઓ તેજ બની છે. એક તરફ રાજ્યના અનેક વરિષ્ઠ IAS અધિકારીઓ નિવૃત્તિની તૈયારીમાં છે, તો બીજી તરફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકાયેલા નવા વહીવટી મોડલે સમગ્ર દેશમાં ધ્યાન ખેંચ્યું છે. ગાંધીનગરના સચિવાલયમાં હાલમાં પ્રશાસનિક ફેરફારો અને મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને ચર્ચાઓનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂન મહિનામાં 8 IAS અધિકારીઓ નિવૃત્ત થશે
માહિતી મુજબ ગુજરાત કેડરના કુલ આઠ પ્રમોટેડ IAS અધિકારીઓ જૂન મહિનામાં નિવૃત્ત થવાના છે. તેમાં તુષાર ધોળકિયા, પી.જી. પાલસાણા, કે.એસ. વસાવા, સી.બી. બલાત, આર.એમ. ડામોર, બી.એમ. પ્રજાપતિ, બી.જે. પટેલ અને એ.બી. પાંડોર જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. અધિકારીઓ 2012થી 2017 વચ્ચેની બેચ સાથે જોડાયેલા રહ્યા છે.

આ સિવાય એસ.કે. મોદી જુલાઈમાં, કે.ડી. લખાણી ઓગસ્ટમાં, વી.એન. શાહ સપ્ટેમ્બરમાં અને કેયુર સી. સંપત ડિસેમ્બરમાં નિવૃત્ત થવાના છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ પણ વર્ષના અંતિમ મહિનામાં નિવૃત્ત થશે. વર્ષ 2026 દરમિયાન કુલ 23 અધિકારીઓ નિવૃત્ત થવાના હતા, જેમાંથી અત્યાર સુધી 10 અધિકારીઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે અને બાકીના 13 અધિકારીઓ આગામી મહિનાઓમાં નિવૃત્ત થશે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મળ્યા અનુભવી અધિકારી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)માં પણ મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ દીપાલી ટાંકને GPCBના મેમ્બર સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ બોર્ડમાં સિનિયર એન્વાયરમેન્ટલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.

દીપાલી ટાંક પાસે પર્યાવરણ નિયમન, વાયુ અને જળ પ્રદૂષણ નિયંત્રણ તેમજ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે લગભગ 30 વર્ષનો અનુભવ છે. તેઓ ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીમાં ડિરેક્ટર (એન્વાયરમેન્ટ) અને મેમ્બર સેક્રેટરી તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ અને ડિજિટલ કોમ્પ્લાયન્સ પ્લેટફોર્મ જેવી પહેલોમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

સુરત મોડલને દેશભરમાં મળી રહી નોંધ
સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા અમલમાં મૂકાયેલું એક નવું વહીવટી મોડલ હાલ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે. સુરત મહાનગરપાલિકામાં કર્મચારીઓની બેદરકારી, ગેરહાજરી અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવ્યું છે.

આ SOP હેઠળ કર્મચારીઓ સામે સમયમર્યાદામાં કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં શો-કોઝ નોટિસ, મેમો, ચાર્જશીટ અને આર્થિક નુકસાનની વસૂલાત જેવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી ચાલુ રાખવાની વ્યવસ્થા કરાઈ છે. આ મોડલને ભ્રષ્ટાચાર નિયંત્રણ માટે અસરકારક ગણાવીને અન્ય શહેરો પણ તેનો અભ્યાસ કરી રહ્યા છે.

મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને આપ્યો સંદેશ
તાજેતરમાં યોજાયેલા રેવન્યુ વિભાગના ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે સામાન્ય લોકોની સમસ્યાઓ જિલ્લા સ્તરે જ ઉકેલવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કલેક્ટરનું પદ સૌથી જવાબદાર પદોમાંનું એક છે અને લોકોની ફરિયાદો માટે તેમને ગાંધીનગર સુધી આવવું ન પડે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઘણી વખત જિલ્લા સ્તરે થતી બેદરકારી સરકારના સારા કામ પર પાણી ફેરવી દે છે. તેમણે અધિકારીઓને લોકો સાથે સંવેદનશીલતા અને સ્મિત સાથે કામ કરવાની પણ સલાહ આપી હતી.

ગુજરાત કેડરના અધિકારીને કેન્દ્રમાં મોટી જવાબદારી: ગુજરાત કેડરના 1997 બેચના IAS અધિકારી મનીષ ભારદ્વાજને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં તેઓ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)માં સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હવે તેમને ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટર-સ્ટેટ કાઉન્સિલ સેક્રેટરીયેટમાં એડિશનલ સેક્રેટરીના દરજ્જા સાથે એડવાઈઝર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

વહીવટી તંત્રમાં આ નિમણૂકને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં આ વિભાગ મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાત કેડરના અધિકારીઓને સતત કેન્દ્રમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ મળતા રાજ્યના વહીવટી વર્તુળોમાં પણ ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

Most Popular

To Top