Madhya Gujarat

સોજિત્રાના શ્રેમકલ્યાણી માતા મંદિર નજીક દિપડાના સગડ મળતાં ફફડાટ

આણંદ : સોજિત્રાના ક્ષેમકલ્યાણી માતાના મંદિર નજીક દિપડાના પંજાના નિશાન મળતાં આસપાસના રહિશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. અગાઉ બોરસદના કહાનવાડી ગામે દિપડાના સગડ મળ્યાં હતાં, બાદમાં સોજિત્રામાં જોવા મળતાં વન વિભાગે મામલો ગંભીરતાથી લઇ જુદા જુદા સ્થળે પાંજરા ગોઠવી દિપડાને પુરવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યાં છે. જોકે, આ એક જ દીપડો વિચરણ કર્યો છે કે અન્ય દીપડો તે અંગે વન વિભાગ હજુ અવઢવમાં છે. પરંતુ એક માન્યતા મુજબ દીપડો રાત્રિના 60થી 80 કિલોમીટર દુર જઇ શકે છે. સોજીત્રા ક્ષેમ કલ્યાણી માતાજી મંદિર નજીક રહેતા ગોસ્વામી પરિવારને મંગળવારની મોડી રાત્રે અજાણ્યા બિહામણા પ્રાણીનો અવાજ સંભળાયો હતો. આથી, તેઓ માતા મંદિર પર ચડી અને બેટર મારી ઉપર જોતા દિપડા જેવા બે જાનવર દેખાયાં હતાં. આથી, તુરંત જ બેટરી અને લાકડી સાથે તે તરફ જતા દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. પરંતુ લાકડીઓ પછાડતા તે ખેતર વિસ્તારથી ભાગી છુટ્યો હતો. આ અંગેની જાણ સોજિત્રા વન વિભાગને કરવામાં આવતાં તુરંત ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને દિપડાના પગલાંના નિશાન મેળવી તેની ઉંમર સહિતની માહિતીનો તાગ કાઢ્યો હતો. આ અંગે વન વિભાગના અધિકારી ડી. કે. મકવાણાએ જણાવ્યું હતું કે, કહાનવાડીમાં દિપડો દેખાયાના ત્રણ દિવસ થઇ ગયાં છે. અહીં ત્રણ દિવસ પહેલા કુતરાનું મારણ કર્યું હતું. જોકે, બાદમાં કોઇ ગતિવિધિ જોવા મળી નથી. સામાન્ય રીતે દીપડો રાત્રિના 60થી 80 કિલોમીટર દુર જઇ શકે છે. આથી, સોજિત્રામાં ફુટ પ્રિન્ટ મળી તે હોય શકે છે. પરંતુ જ્યાં સુધી ટ્રેસ ન થાય ત્યાં સુધી કંઇ કહી શકાય નહીં.

Most Popular

To Top