Comments

સંસ્થાકીય વિશ્વસનીયતા અને સી.જે.પી. આંદોલનનું મહત્ત્વ

છેલ્લા અઢાર દિવસથી કોકરોચ જનતા પાર્ટીના (CJP) સભ્યો અને સમર્થકો દિલ્હીના જંતરમંતર ખાતે શાંતિપૂર્ણ ધરણાં કરી રહ્યાં છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર થતા પેપર લીક અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ સાથે શરૂ થયેલું આ આંદોલન હવે માત્ર વિદ્યાર્થીઓનો પ્રશ્ન રહ્યું નથી. છેલ્લા દસ દિવસથી સોનમ વાંગચુક પણ એમની સાથે અનિશ્ચિત મુદતના ઉપવાસ પર છે, જેના કારણે આ આંદોલનને નવી નૈતિક શક્તિ મળી છે. હજારો વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકો જંતરમંતર પહોંચી પોતાનો ટેકો વ્યક્ત કરી રહ્યા છે.

સોશ્યલ મીડિયામાં પણ આંદોલનને વ્યાપક સમર્થન મળ્યું છે. હવે, દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સી.જે.પી. નું X એકાઉન્ટ ફરી શરૂ થયું છે, જેના કારણે આંદોલન ફરી સીધું પોતાના સમર્થકો સુધી પહોંચી શક્યું છે. આમ તો આ માત્ર ભ્રષ્ટાચાર સામેનું એક વધુ આંદોલન જ છે. ભલે એના પ્રણેતાઓ ઉંમરમાં નાના હોય, સમજણમાં કાચા હોય અને અનુભવે બાલિશ હોય પણ આ આંદોલનનું મહત્ત્વ છે કારણકે, તેમણે માંડેલી લડાઈ ભ્રષ્ટાચાર કરતાં પણ વધુ આપણી સંસ્થાઓની વિશ્વસનીયતાની બની ગઈ છે.

ભારતમાં શિક્ષણ દરેક પરિવારનું સૌથી મોટું રોકાણ છે. વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરે છે. પરિવારો લાખો રૂપિયા કોચિંગ, હોસ્ટેલ, પુસ્તકો અને મુસાફરી પાછળ ખર્ચે છે. પૈસા ઉપરાંત જીવનનાં સૌથી કિંમતી વર્ષોનું રોકાણ થાય છે. કોઈ પણ વ્યક્તિ નાણાં કે સમયનું રોકાણ ત્યારે જ કરે જ્યારે એને વિશ્વાસ હોય કે મહેનતનું યોગ્ય મૂલ્ય મળશે. જેમ હર્ષદ મહેતા, કેતન પારેખ કે રામલીન્ગા રાજુ શેર બજારમાં કરેલા રોકાણની ધૂળધાણી કરી શકે છે એમ જ વારંવાર લીક થતાં પેપર, પરીક્ષાઓનું રદ થવું તેમજ વર્ષો સુધી અટકી રહેતી સરકારી નોકરીની ભરતીની પ્રક્રિયા વિદ્યાર્થીઓએ કરેલા સમય અને મૂડીરોકાણને ધોઈ નાખે છે, જેનો બોજો આર્થિક તેમજ માનસિક બંને પ્રકારનો હોય છે.

વ્યક્તિગત નુકસાનની સાથે વિશ્વાસનું ધોવાણ એ સમાજ માટે મોટું નુકસાન છે. અર્થવ્યવસ્થાની પ્રગતિ માત્ર કારખાનાં કે રસ્તાઓ પર જ નિર્ભર નથી, પણ સંસ્થાઓની વિશ્વસનીયતા પણ એટલી જ મહત્ત્વની છે. જ્યારે વિદ્યાર્થી વિચારવા લાગે કે આગામી પરીક્ષા પણ કદાચ રદ થશે, મહેનતનું ખરેખર મૂલ્ય મળશે કે નહીં, ભરતી ક્યારેય થશે કે નહીં, ત્યારે સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા તૂટવા લાગે છે.

યુવાનો મહેનતનું મૂલ્ય ગુમાવતા જાય, વાલીઓનો વિશ્વાસ તૂટે અને સમાજમાં એવી માન્યતા ઘર કરી જાય છે કે સફળતા માટે પ્રતિભા કરતાં પ્રભાવ વધુ જરૂરી છે તો યુવાનોનો ઉત્સાહ ઘટે છે, પ્રતિભા દેશ છોડવા લાગે છે અને સમગ્ર અર્થવ્યવસ્થામાં ઉત્પાદકતા તથા વિશ્વાસ બંનેનો ઘટાડો થાય. આ અરાજકતા તરફનું પગલું છે જે સ્થિતિ કોઈ પણ દેશ માટે ખતરનાક છે. આવી પરિસ્થિતિ ન સર્જાય એ જોવાનું દાયિત્વ કોનું? કોની જવાબદારી? વ્યવસ્થાગત પ્રશ્નો બે-ચાર અધિકારીઓની ધરપકડ કે બદલીથી અટકતા નથી અને એટલે સર્વોચ્ચ સ્થાને બેઠેલા મંત્રીએ જવાબદારી સ્વીકારવી પડે એટલે જ સી.જે.પી.નું આંદોલન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની માંગ કરી રહ્યું છે.

દુર્ભાગ્યની વાત એ છે કે ૨૦ જૂનથી દિલ્હીના જંતરમંતર પર આંદોલન ચાલતું હોવા છતાં સરકારનો કોઈ પ્રતિસાદ આપી નથી રહી. અઠવાડિયાંઓથી વિદ્યાર્થીઓ રસ્તા પર છે. સોનમ વાંગચુક જેવા વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી ઉપવાસ કરી રહ્યા છે. એમની સાથે બીજા વિદ્યાર્થી નેતાઓ પણ ઉપવાસ કરી રહ્યા છે. હજારો લોકો આ આંદોલનને ટેકો કરી રહ્યા છે, છતાં સત્તાધીશો જાણે કંઈ બનતું જ નથી તેવી રીતે વર્તી રહ્યા છે. મોટા ભાગના મુખ્ય ધારાના મીડિયા પણ ખાસ મહત્ત્વ આપી નથી રહ્યા. હાલમાં તો સોશયલ મીડિયા જ આંદોલનનો મુખ્ય અવાજ બની ગયું છે.

પરિણામે દેખાઈ એવું રહ્યું છે કે જે પ્રતિસાદ સી.જે.પી.ને શરૂઆતમાં મળ્યો, જે ગતિએ સોશ્યલ મીડિયા પર ફોલોઈંગ વધ્યું એટલી ભાગીદારી અત્યારે દેખાતી નથી. જોકે, દરેક આંદોલનમાં ‘ફ્રી રાઈડર’ હોય છે એટલે કે એવા લોકો જે વૈચારિક રીતે આંદોલનના હેતુ સાથે સંમત હોય પણ એવું વિચારતા હોય કે ‘બીજા લોકો લડી રહ્યા છે. જો આંદોલન સફળ થશે તો તેનો લાભ માત્ર જંતર-મંતર પર બેઠેલા લોકોને જ નહીં પણ બધા વિદ્યાર્થીને મળશે એટલે મને પણ મળશે.’ આજે જ્યારે મોટા ભાગના લોક આંદોલનો સરકાર ચાલવા નથી દેતી, એમાં ભાગ લેનાર સામે દેશદ્રોહના કે આતંકવાદ સુધીના ગુના નોંધીને વર્ષો સુધી કેસ ચાલવા નથી દેતી ત્યારે ડરના માર્યા પણ આંદોલનના ‘ફ્રી રાઈડર’વધી જવાના.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે કે ના આપે. આ આંદોલન લાંબુ ચાલે કે ના ચાલે… એટલી વાત તો બિરદાવવી પડે કે આજે જ્યારે વિરોધ પક્ષ તૂટી રહ્યા છે – તોડવામાં આવી રહ્યા છે ત્યારે શિક્ષણવ્યવસ્થામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવવાનું કામ આ યુવાનો કરી રહ્યા છે. એમને ટેકો કરવાની જવાબદારી એ તમામ નાગરિકની છે જે એવા ભારતનું સપનું જુએ છે જ્યાં સંસ્થાકીય ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top