૧૯૪૭ માં આઝાદ થયેલા ભારતને ૧૯૨૭માં ૮૦ વર્ષ થશે. ભારત અત્યારે જ વિશ્વની ઊંચી રાષ્ટ્રીય આવક ધરાવતા મુખ્ય દેશોમાં છે. સરકાર ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમીમાં જવાના રસ્તા બનાવી રહી છે અને આ બધાની વચ્ચે દેશના વિકસિત રાજ્ય તરીકે, મોડેલ રાજ્ય તરીકે જેની ચર્ચા હતી તે ગુજરાતનાં મહાનગરોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી. એક તરફ આજે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં સામાન્ય દિવસોમાં નળમાં પાણી નથી આવતું અને વરસાદ થાય ત્યારે ઘરમાં પાણી આવે છે જે જતું નથી.
વરસોથી સાંભળવા મળે છે કે ભારતમાં “પાણીની સમસ્યા નથી પાણીના વ્યવસ્થાપનની સમસ્યા છે”. આટલી બધી નદીઓનો દેશ હોય અને લોકોને વરસમાં આઠ મહિના પાણી વગર તરસવું પડે! આજની તારીખે નર્મદા જિલ્લામાં નદીથી થોડે જ દૂર રહેતાં ગરીબ આદિવાસી કુટુંબોની સ્ત્રીઓ માથે બેડાં ઊંચકી પાણી ભરવા જાય છે અને નર્મદામાં પૂર આવે ત્યારે કાદવકીચડમાં ફસાય છે.
દેશમાં સર્જાયેલા પૂરે વ્યવસ્થાપનની ખામીઓ ફરી ઉઘાડી પાડી દીધી. ફરી એ જ વાત સાબિત થઇ કે આપણે વિદેશથી નવી ટેકનોલોજી અને નવી નવી વસ્તુઓ લાવી શકીએ છીએ પણ જાહેર વ્યવસ્થા લાવી શકતા નથી. કાયદાનું શાસન લાવી શકતા નથી. વળી કાયદાના શાસનનો અર્થ આપણે સંકુચિત કરી નાખ્યો છે. માત્ર ગુંડાઓ કાબૂમાં રાખવા,રાષ્ટ્રવિરોધી તત્ત્વો જેર કરવા એ જ કાયદાનું શાસન નથી. સોસાયટી બંધાય ત્યારે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થાય. આખા શહેરની વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા મુજબ જ બધા બાંધકામ થાય અને સોસાયટીઓ, બંગલાઓ, બિલ્ડરોના બંધાય કે નેતાઓના નિયમ તો બધાએ પાળવા પડે તે પણ કાયદાના શાસનનો ભાગ છે.
છેલ્લાં વર્ષોમાં આપણા નેતાઓ અને અધિકારીઓ વાર તહેવારે પ્રજાના પૈસે વિદેશ, ખાસ તો વિકસિત દેશોમાં પહોંચી જાય છે. શું તેઓ નહીં જોતા હોય કે આ યુરોપના દેશો કે પશ્ચિમના વિકસિત દેશોમાં રોજ બપોરે વરસાદ પડે છે. ભારે વાવાઝોડાં આવે છે પણ પાણી ભરાતાં નથી. એક જ દિવસમાં બધું હતું એમનું એમ હોય છે, કોઈ ચમરબંધી જાહેર બાંધકામના નિયમો તોડી બાંધકામ કરી શકતો નથી. લાઈટ, વીજળી, પાણી, ગેસ અંગેના જાહેર નિયમો પળાયા બાદ જ બાંધકામ થઇ શકે છે. યુરોપ, અમેરિકા જેવા દેશોના ફોટા જોઈએ કે ફિલ્મો જોઈએ તો દેખાય છે કે જાહેર માર્ગની બન્ને બાજુએ બંધાયેલાં મકાનોની ડીઝાઈન એક જ સરખી હોય છે. બારી બારણાં એક જ સરખાં એક જ લાઈનમાં ગોઠવાયેલાં હોય છે.
શું ધનિક કે શું ગરીબ, હારબંધ ઊભેલાં મકાનો જોઈએ તો ઓળખી જ ના શકીએ કે આ ઘર ધનિકનું હશે અને આ મધ્યમ વર્ગનું, શું ત્યાં પ્રજા નહીં ઈચ્છતી હોય પોતાને જુદા પડવાનું? ના, ઈચ્છે તો છે, પણ તે કરી નથી શકતી. તમારે નગરપાલિકાના પ્લાન મુજબ જ ઘર બનાવવું પડે છે. આમ તો સાદો નિયમ એ છે કે જે શહેરમાંથી નદી પસાર થતી હોય ત્યાં પાણી ન ભરાય. હા, નદીમાં પૂર આવે તો જ શહેરમાં પાણી આવે બાકી શહેરનાં પાણીનો નદીમાં કાયમી નિકાલ થાય. હવે ગુજરાતમાં હાલત એ છે કે અમદાવાદમાં સાદા વરસાદમાં રીવરફ્રન્ટમાં પાણી ભરાય છે જ્યાં બાજુમાં જ સાબરમતી છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના બન્ને કિનારા દબાણથી ભરી દેવાયા છે અને પાણી જવાનો માર્ગ જ નથી તો પાણી સોસાયટીમાં જ ભરાવાના. આજે ગુજરાતનાં મહાનગરોમાં શહેર બહાર મોટા બંગલા અને લક્ઝુરીયસ ફ્લેટના બાંધકામો થાય છે. જરા જાતે જઈને જુવો તો સમજાશે કે આ તો ખેતરોમાં ઘાસ ઊગી નીકળે એમ બિલ્ડીંગો ઊગી નીકળી છે. આમાં ક્યાંય વરસાદી પાણીનો નિકાલ નથી. અરે, જમીન પર પથરાતા પેવર બ્લોકે શહેરોને પથ્થરોનું જંગલ બનાવ્યું છે, જ્યાં પાણી જમીનમાં ઊતરવાનો રસ્તો પણ નથી. સોસાયટીના ખુદના પાણીનો નિકાલ જોવા નહી મળે.
એટલે નદીઓના દેશમાં જ ગરમીના દિવસોમાં પાણીની તંગી અને ખેતરોમાં પાણીના અભાવે સુકાતા પાકની ફરિયાદ અને વરસાદના બે મહિનામાં શહેરમાં ભરાતાં પાણી અને નિકાલની સમસ્યા આવ્યા જ કરે છે. એમાં અધૂરામાં પૂરું પ્લાસ્ટીકનો બેફામ ફેંકાતો કચરો. આ પ્લાસ્ટિક જાહેર ગટરને ચોકઅપ કરી દે છે અને પ્લાસ્ટિક પાણીની સામે દીવાલ બની જાય છે. આ વાત સૌ જાણે છે પણ કોઈ જાહેરમાં પ્લાસ્ટિક ફેંકવાનું બંધ કરતું નથી. સત્તાવાળા પણ આમાં કાંઈ કરતા નથી પરિણામે શહેરના પાણીનો નિકાલ એ જાણે સફાઈ કામદારોની જવાબદારી હોય એમ એ લોકો ગટર સાફ કરે. પાણી સામેની આડશો સાફ કરે ત્યારે પાણી ખસે છે. છેલ્લે એક વાત સ્પષ્ટ છે કે પાણી જ્યાં પોલ છે ત્યાં ઘૂસે છે અને પોલ ખોલે છે. વરસાદી પાણીએ છેલ્લાં દસ વર્ષમાં ઓછામાં ઓછી દસ વખત તંત્રની પોલ ખોલી છે પણ પાણી મતદાતાઓના મગજની પોલ ખોલી શકતું નથી માટે પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. ગટર હોય કે મગજ જામી ગયેલો કચરો જ પાણી ભરાવાનું મૂળ કારણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે