Vadodara

વડોદરા પાલિકામાં ‘ડિજિટલ શિસ્ત’: હવે માત્ર હાજર રહેવું પૂરતું નથી, AI અને જિયો-ફેન્સિંગથી ‘લોકેશન’ પર જ પૂરાશે હાજરી​​

વહીવટી તંત્રમાં લેટ-લતીફી રોકવા અને કાર્યક્ષમતા વધારવા IT વિભાગનો નવો પ્રયાસ; અધિકારીઓથી લઈને સફાઈ સેવકો સુધી તમામે મોબાઈલ એપ દ્વારા ફરજિયાત એટેન્ડન્સ ભરવી પડશે

વડોદરા મહાનગરપાલિકા માં કાર્યક્ષમતા વધારવા અને શિસ્તબદ્ધ વાતાવરણ ઊભું કરવાના હેતુથી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. પાલિકાના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી ‘Geo-fencing Artificial Intelligence Based Mobile Attendance System’ હવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ફરજિયાત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી માત્ર અમુક કર્મચારીઓ પૂરતા મર્યાદિત રહેલા નિયમો હવે ઉચ્ચ અધિકારીઓને પણ લાગુ પડશે.
પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, કચેરીના કામકાજમાં ઝડપ આવે અને તમામ કર્મચારીઓ નિર્ધારિત સમયે પોતાની ફરજ પર હાજર થાય તે માટે આ આધુનિક સિસ્ટમ અમલમાં મૂકાઈ છે. આ સિસ્ટમ હેઠળ દરેક અધિકારી અને કર્મચારીએ પોતાની કચેરીના લોકેશન પર પહોંચીને જ મોબાઈલ એપ દ્વારા હાજરી પૂરવાની રહેશે. આ માટે આઈ.ટી. વિભાગ દ્વારા તમામ કર્મચારીઓનું રજીસ્ટ્રેશન સંબંધિત કચેરીઓ મારફતે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
નવી વ્યવસ્થા મુજબ, વર્ગ-1 થી 4 ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ (વોર્ડના સેનેટરી અને એન્જિનિયરિંગ વિભાગના સફાઈ સેવકો સિવાય) ફરજ પર હાજર થતી વખતે અને ફરજ પૂર્ણ કરી કચેરી છોડતી વખતે ફરજ પરના લોકેશન પરથી જ ઓનલાઈન હાજરી નોંધાવવી પડશે.
​જ્યારે વર્ગ-4 ના સેનેટરી અને એન્જિનિયરિંગ વિભાગના સફાઈ સેવકો માટે હાલમાં માત્ર સવારના સમયે ફરજ પર હાજર થતી વખતે કચેરીના લોકેશન પરથી હાજરી પૂરવાનો નિયમ રાખવામાં આવ્યો છે. આ સિસ્ટમને કારણે હવે કોઈપણ કર્મચારી પોતાની ઓફિસના નિર્ધારિત વિસ્તાર (Geo-fence) ની બહાર રહીને હાજરી પૂરી શકશે નહીં, જેનાથી લેટ-લતીફ કર્મચારીઓ પર લગામ કસાશે અને વહીવટી તંત્રમાં વધુ પારદર્શિતા આવશે.

Most Popular

To Top