વડીલો કહેતા: ‘છોકરો ૪ પૈસા કમાશે તો ઘર ચાલશે.’ સવાલ એ કે ૪ જ કેમ?! કારણ કે જીવનની ૪ જ મોટી જવાબદારી છે! પહેલો પૈસો કૂવામાં: એટલે ઘરનું ગુજરાન, રાશન-પાણી, બાળકોની ફી. વર્તમાન નિભાવવો એ પહેલી ફરજ! બીજો પૈસો પાછલું દેવું: મા-બાપે આપણને મોટા કર્યા, એમની સેવા કરવી. એ ઋણ ચૂકવ્યા વિના બરકત ન આવે! ત્રીજો પૈસો આગલું દેવું: સંતાનોને ભણાવવા, ગણાવવા, લાયક બનાવવા. ભવિષ્યની પેઢીનું ઘડતર કરવું! ચોથો પૈસો આગળ જમા: કટોકટી માટે બચત, દાન-પુણ્ય, ધર્મ-સેવા. આ પૈસો આત્માની કમાણી છે!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
માણસ મને હૈયાસરસો લાગે
સારો લાગે ક્યારેક નરસો લાગે તોયે માણસ મને હૈયાસરસો લાગે દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે સારું ને બૂરું બોલે એવા બે હોઠ છે એને ઓળખતા વરસોનાં વરસો લાગે તોયે માણસ મને હૈયાસરસો લાગે ઘડીક સાચો લાગે ઘડીક જૂઠ્ઠો લાગે ઘડીક લાગણીભર્યો ઘડીક બુઠ્ઠો લાગે ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે તોયે માણસ મને હૈયાસરસો લાગે ક્યારેક ભૂલો પડે ને ક્યારેક ભાંગી પડે ક્યારેક ચપટીક ધૂળની પણ આંધી ચડે ક્યારેક માણસભૂખ્યો લોહીતરસ્યો લાગે તોયે માણસ મને હૈયાસરસો લાગે કોણે લખ્યુ છે ખબર નથી પણ જેમણે પણ લખ્યુ છે તેમણે નરી વાસ્તવિકતાનું વર્ણન કર્યુ છે.
સુરત – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.