એક સમયે બંગાળમાં ડાબેરીઓનો સુરજ મધ્યાહ્ને તપતો હતો. એનો અસ્ત કરી મમતા બેનરજીએ ઈતિહાસ રચી દીધો અને હવે એમની ત્રણ ટર્મ બાદ ભાજપે એમને હરાવી ઈતિહાસ રચી દીધો છે. મમતાના જ એક વેળાના સાથી સુવેંદુ અધિકારી મુખ્યમંત્રી બન્યા છે પણ સવાલ એ છે કે, હારી ગયેલાં મમતા હવે શું કરશે?તેમણે રાજીનામું આપવાની ના પાડી એ તેમની રાજકીય ભૂલ ગણાય છે પણ મમતા મમત છોડે એવાં નેતા નથી. એ માયાવતી નથી કે, એના સાવ વળતાં પાણી થઇ જાય. એ લડાયક નેતા છે. અત્યારે તો એમના માટે વિષમ સ્થિતિ પેદા થઇ છે. એમના રાજમાં ઘણું બધું થયું અને એનો જનતાએ જવાબ આપ્યો છે.
અલબત્ત એસઆઈઆરનો મુદો્ હજુ સુપ્રીમ કોર્ટમાં છે. એના ચુકાદાની અસર બંગાળ પર કેવી પડશે? એનો જવાબ મળવો બાકી છે. બીજું કે, ટીએમસી સંખ્યાબળ ઓછું છે અને મમતા પોતે હાર્યાં છે એટલે વિધાનસભામાં ભાજપને ટીએમસી ભીડવી શકશે કે કેમ? એ સવાલ છે. ઉપરાંત ભાજપે જબ્બર બહુમતી મેળવી છે અને એ કારણે ટીએમસીમાં ભંગાણ પડશે કે કેમ એ જોવાનું છે અને સૌથી મોટો પડકાર મમતા સામે પક્ષને ટકાવી રાખવાનો છે. જો કે, મમતા બેનરજીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ હવે વિરોધપક્ષના નેતા તરીકે રસ્તા પર ઊતરીને લડત આપશે. જે રીતે તેમણે ૨૦૧૧ પહેલાં ડાબેરી શાસન વિરુદ્ધ આંદોલનો કર્યાં હતાં તેવી જ રીતે હવે તેઓ ભાજપ સરકારની નીતિઓ સામે આક્રમક વલણ અપનાવશે. તેમણે પોતાને ‘ફ્રી બર્ડ’ (મુક્ત પક્ષી) ગણાવીને સંઘર્ષ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
ચૂંટણીમાં હાર માટે મમતા બેનરજીએ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર ‘વોટની લૂંટ’ અને ‘ષડયંત્ર’ના આક્ષેપો કર્યા છે. તેમણે પોતાનાં ધારાસભ્યોને સૂચના આપી છે કે પક્ષની લીગલ ટીમને મજબૂત બનાવવી પડશે, કારણ કે આગામી સમયમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસનો સામનો વધુ તેજ બની શકે છે. ચૂંટણી બાદ TMCમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. અભિષેક બેનરજી દ્વારા લાવવામાં આવેલા નવા ફેરફારો અને આઈપેકની ભૂમિકા સામે પક્ષના જૂના નેતાઓએ સવાલો ઉઠાવ્યા છે. મમતા બેનર્જી માટે હવે પક્ષને વિખરાતો અટકાવવો અને મમતા વિરુદ્ધ અભિષેક જૂથની ખેંચતાણને શાંત કરવી એ સૌથી મોટો પડકાર રહેશે.
બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનરજી રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી એકતામાં વધુ સક્રિય ભૂમિકા ભજવી શકે છે. બંગાળમાં હાર છતાં લોકસભા અને રાજ્યસભામાં ટીએમસી પાસે નોંધપાત્ર સંખ્યામાં સાંસદો છે, જેના આધારે તેઓ દિલ્હીના રાજકારણમાં પોતાની પકડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. હવે તેમનું લક્ષ્ય ૨૦૨૭ની નગરપાલિકા અને ૨૦૨૮ની પંચાયત ચૂંટણીઓ હશે. ભાજપ સરકાર જો વહીવટમાં કોઈ ભૂલ કરે તો તેને મુદ્દો બનાવીને જનતા વચ્ચે જવું એ તેમની વ્યૂહરચનાનો ભાગ હશે. જોઈએ એ કેટલાં સફળ થાય છે.
તામિલનાડુમાં ભાજપ- કોંગ્રેસ માટે કેવી તક છે?
તમિળનાડુમાં ટીવીકે સત્તા પર છે, વિજય મુખ્યમંત્રી બન્યા છે અને એને કોંગ્રેસનો ટેકો તો મળ્યો પણ અન્નાડીએમકેનાં ૨૫ ધારાસભ્યોનો ટેકો મળ્યો એ તામિલનાડુમાં બદલાયેલા રાજકારણના સંકેત આપે છે. અન્નાડીએમકે ફરી એક વેળા ભાંગી જવાની સ્થિતિમાં છે. આ સંજોગોમાં કોંગ્રેસ અને ભાજપ માટે કોઈ તક ખરી?
ભાજપની વાત કરીએ તો તમિળનાડુમાં ભાજપ લાંબા સમયથી અન્નાડીએમકેના જુનિયર પાર્ટનર તરીકે રહી છે. જો અન્નાડીએમકે નબળી પડે અથવા ભાંગે, તો વિરોધ પક્ષ તરીકેની જગ્યા ખાલી પડે છે. એવું થાય તો ભાજપને કોઈ ફાયદો થાય ખરો? ભાજપ માટે આ એક ‘ગોલ્ડન ચાન્સ’ હોઈ શકે છે. અલબત્ત એની પાસે એક જ સભ્ય છે અને લોકસભા કરતાં આ ચૂંટણીમાં એમનો વોટ-શેર પણ ઘટ્યો છે. હવે જો અન્નાડીએમકે નબળો પડે, તો રાષ્ટ્રીય સ્તરે (લોકસભામાં) ભાજપનો ‘બાર્ગેનિંગ પાવર’ વધશે. ભાજપ હવે પોતાની શરતોથી તામિલનાડુમાં આગળ વધી શકે ખરો?
ઉપરાંત ભવિષ્યમાં વિજયની સરકારને કેન્દ્રના સહયોગની જરૂર પડે, તો ભાજપ ત્યાં કિંગમેકર અથવા મહત્ત્વના સાથીની ભૂમિકામાં આવી શકે છે. સૂત્રો મુજબ વિજય અને ભાજપ વચ્ચેના સંબંધો ‘સોફ્ટ’ હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે, જે ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે. પણ ભાજપ પાસે તમિલનાડુમાં પોતાનું સંગઠન હજી એટલું મજબૂત નથી કે તે એકલે હાથે ચૂંટણી જીતી શકે. અન્નાડીએમકેમાં ભંગાણ ભાજપ માટે જોખમ કરતાં તક વધુ છે. જો ભાજપ આ ખાલી પડેલી જગ્યામાં આક્રમક રીતે આગળ વધે, તો તે દ્રવિડિયન રાજકારણના દાયકાઓ જૂના ગઢમાં ગાબડું પાડી શકે છે. પણ દિલ્હી હજુ દૂર છે!
આ જ રીતે વિધાનસભા ચૂંટણી બાદ સર્જાયેલી આ સ્થિતિમાં કોંગ્રેસ માટેના ફાયદા અને નુકસાન બંને હોઈ શકે છે. ડીએમકે સાથેના ગઠબંધનમાં કોંગ્રેસ લાંબા સમયથી માત્ર એક જુનિયર પાર્ટનર [ભાજપની જેમ જ] તરીકે રહી હતી. ટીવીકેને સમર્થન આપીને કોંગ્રેસ નવી સરકારમાં વધુ પ્રભુત્વ અને મંત્રીપદ મેળવી શકે છે. વિજયની લોકપ્રિયતાના સહારે, તેમની સાથે જોડાવાથી કોંગ્રેસને યુવા મતદારો સુધી પહોંચવામાં મદદ મળી શકે છે અને ટીવીકે સરકાર સફળ રહે, તો કોંગ્રેસ રાજ્યમાં પોતાનું ખોવાયેલું મેદાન પાછું મેળવી શકે છે અને ડીએમકે-એઆઈડીએમકેના દાયકાઓ જૂના વર્ચસ્વ સામે નવો વિકલ્પ બની શકે છે.
બીજી બાજુ એ છે કે, ડીએમકે સાથેનો ૨૦ વર્ષ જૂનો સાથ અચાનક છોડવાથી કોંગ્રેસ પર “તકવાદી” હોવાનો આક્ષેપ લાગ્યો છે. ડીએમકે સત્તાવાર રીતે લોકસભામાં કોન્ગ્રેસની બાજુમાં બેસવાની વ્યવસ્થા બદલાવવા સ્પીકરને કહી દીધું છે. સ્ટાલિન જેવા મજબૂત સાથીને ગુમાવવો એ રાષ્ટ્રીય સ્તરે પણ નુકસાનકારક સાબિત થઈ શકે અને ભવિષ્યમાં વિજયની લોકપ્રિયતા ઘટે અથવા તેમની રાજકીય વ્યૂહરચના નિષ્ફળ જાય, તો કોંગ્રેસ પાસે તમિલનાડુમાં કોઈ મજબૂત આધાર બાકી રહેશે નહીં.
ટૂંકા ગાળે કોંગ્રેસ માટે આજની સ્થિતિ ફાયદાકારક છે કારણ કે તેઓ સત્તાધારી પક્ષનો હિસ્સો બન્યા છે પરંતુ લાંબા ગાળે આ એક મોટું જોખમ છે. જો વિજયની સરકાર અપેક્ષા મુજબ કામ નહીં કરી શકે, તો કોંગ્રેસે ફરી શૂન્યથી શરૂઆત કરવી પડી શકે છે. હવે ૨૦૨૯ની લોકસભામાં કેવાં સમીકરણો રચાય છે એના પર ભાજપ અને કોંગ્રેસનાં જોખમો અને તકનો અંદાજ આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.