Business

પ્રાચીન અલભ્ય વારસો આપણે પાછો મેળવી રહ્યા છીએ…

હાલમાં કાશીના વિશ્વનાથ મંદિરમાં અન્નપૂર્ણા મૂર્તિની વિધિવત્ રીતે સ્થાપના થઈ. આ વિધિને ધર્મ સાથે સાંકળીને જોવાય પણ તે માત્ર ધર્મની બાબત નથી. ખરેખર તો તે વિશેષ કરીને પુરાતત્ત્વની બાબત છે. સો એક વર્ષ પહેલાં અન્નપૂર્ણાદેવીની આ મૂર્તિની ચોરી થઈ હતી. આ મૂર્તિ અઢારમી સદીની છે અને તેનું માપ 17x9x7 સેન્ટીમીટર એમ કાઢવામાં આવ્યું છે. અન્નપૂર્ણા મૂર્તિના એક હાથમાં ખીરનો બાઉલ છે અને બીજા હાથમાં ચમચી. અન્નપૂર્ણા માનું માહાત્મ્ય હિંદુ ધર્મમાં અન્નની દેવીથી જાણીતું છે પણ વારાણસીમાં તેનું આગવું મહત્ત્વ છે. તેઓને માત્ર અન્નના દેવી તરીકે નથી પૂજવામાં આવતાં બલકે તેમની આરાધના શિવના અર્ધાંગિની તરીકે પણ થાય છે અને એટલે જ વારાણસીમાં તેમનું એક અલાયદું મંદિર છે.

1913માં આ મૂર્તિ કેનેડાના એક એડવોકેટ નોર્મન મેકેન્ઝી ભારતમાંથી ગેરરીતિથી કેનેડા લઈ ગયા હતા. તે સમયે આ મૂર્તિ ગંગા કિનારે આવેલા એક મંદિરમાં સ્થાપિત હતી. આ પછી મેકેન્ઝીની પુરાતત્ત્વની સંપત્તિ જેમાં અન્નપૂર્ણાદેવીની આ મૂર્તિ પણ હતી, તે કેનેડાની ‘યુનિવર્સિટી ઓફ રેગિના’ દ્વારા સ્થપાયેલા નોર્મન મેકેન્ઝી આર્ટ ગેલેરીમાં મૂકવામાં આવી. નોર્મને જ્યારે અન્નપૂર્ણા મૂર્તિ વિશે સાંભળ્યું ત્યારે તેને મેળવવાની તાલાવેલી લાગી અને તેની ચોરી કરાવવામાં આવી. હવે તે સંપત્તિ ભારતને ફરી મળી ચૂકી છે.

એ જાણીતું છે કે ભારતનું મબલખ આર્ટવર્ક અમેરિકા, યુરોપના દેશોના મ્યુઝિયમને શોભાવી રહ્યું છે. તેમાં અનેક આર્ટ વર્ક ગેરરીતિથી ત્યાં પહોંચ્યા છે. અંગ્રેજોના શાસન દરમિયાન પુરાતત્ત્વની દૃષ્ટિએ મહામૂલા આર્ટવર્ક ભારતમાંથી લઈ જવામાં આવ્યા અને તે પછીના કાળમાં પણ ભારતીયોનું આર્ટવર્ક કાયદેસર કે ગેરકાયદેસર રીતે વિદેશોમાં પહોંચતું રહ્યું છે. આ બાબતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંભીરતાથી ધ્યાને લીધી છે અને તે આર્ટવર્કને સ્વદેશમાં લાવવાની કવાયત આદરી છે. અત્યારે અન્નપૂર્ણાદેવીની મૂર્તિ પાછી લાવવામાં આવી એ રીતે અમેરિકાએ પણ ભારતની 248 અલભ્ય પ્રાચીન વસ્તુઓ પાછી આપી છે. આમ તો તે બધી અલભ્ય છે પણ તેમાં બારમી સદીની શિવ નટરાજની પણ છે, જેની કિંમત માર્કેટ પ્રમાણે 15 મિલિયન ડોલર આંકવામાં આવે છે.

આ જે પ્રાચીન વસ્તુઓ ભારતમાં પાછી ફરી છે તેને વિદેશ પહોંચડનારા તરીકે આર્ટ ડિલર સુભાષ કપૂરનું નામ ખૂલ્યું છે. સુભાષ કપૂર ભારતની આવી અસંખ્ય મૂલ્યવાન વસ્તુઓને ગેરરીતિથી વિદેશ પહોંચાડતો રહ્યો છે. સુભાષ કપૂર આવું કામ કરનારો એક માત્ર નથી, આ ચીજવસ્તુઓની ટ્રાફીકિંગ માટે ઇન્ટરનેશનલ સ્તરે નેટવર્ક ગોઠવાયેલું છે. વિદેશમાંથી મૂળ ભારતનું આર્ટવર્ક મેળવવું તે મોટી સફળતા છે કારણ કે આ પૂરી કવાયત કરવામાં વર્ષોનો સમય જાય છે અને તેના ઠોસ પુરાવા જે-તે દેશોને આપવા પડે છે. જે વસ્તુ મૂળ ભારતની જ છે તે માહિતી મળવા છતાં તેને આપવામાં ગલ્લાંતલ્લાં થાય છે પરંતુ આ વખતે આ પૂરી પ્રક્રિયા પછી ભારત સારી એવી એન્ટિક વસ્તુઓ પાછી મેળવી શક્યું છે.

ભારત અને તેના પાડોશી દેશો પુરાતત્ત્વની રીતે સમૃદ્ધિ ધરાવે છે. દેશના ખૂણેખૂણે આપણને હજારો વર્ષો પુરાના મંદિરો મળે છે. તેમાં પણ અનેક મંદિરો કે સ્થાપત્યો એવાં છે જેની નોંધ સરકારી ચોપડે નથી. નોંધ ન હોય તો તેનું મહત્ત્વ કે મૂલ્ય તો ક્યાંથી અંકાયું હોય? નોંધ નથી તેનું કેટલું મોટું નુકસાન ભોગવવું પડે છે તે એક દાખલા પરથી સમજી શકાય. આપણે ત્યાં ‘હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોરર્વમેન્ટ’ નામની સરકારી સંસ્થાએ 2018ના વર્ષમાં એક અભ્યાસ કર્યો અને તેમાં આ રીતે ચોરી થયેલી મૂર્તિઓનો એક અંદાજ કાઢવામાં આવ્યો. આ અભ્યાસ મુજબ માત્ર તમિલનાડુમાંથી 1992થી 2017 સુધીમાં 1200 પ્રાચીન મૂર્તિઓની ચોરી થઈ છે અને આ ગાળા દરમિયાન પૂરા ભારતમાંથી 3676 સંરક્ષિત ક્ષેત્રમાંથી ચાર હજારથી વધુ પ્રાચીન વસ્તુઓ ચોરાઈ છે. આ ચોરાયેલી વસ્તુઓમાંથી પોલીસ માત્ર 1,493 પાછી મેળવી શકી છે, જ્યારે અન્ય 2913 પ્રાચીન વસ્તુઓની કશી ભાળ મળી નથી અથવા તો દુનિયાની અલગ અલગ જગ્યાએથી તેના ઓક્શનની માહિતી મળી છે.

પોતાના વારસાને સુરક્ષિત રાખવા અર્થે ભારતમાં કાયદા પણ સખ્ત નથી અને તે માટે કોઈ ડેડિકેટીવ તપાસ એજન્સી નથી અને આ કારણે આ વેપાર ખૂબ ફૂલ્યોફાલ્યો છે. આ ગેરકાયદેસર વેપારમાં ભારતના જ સુભાષ કપૂરનું નામ અવ્વલ આવે છે. તેઓ અમેરિકામાં આ બિઝનેસ ફેલાવીને બેઠા છે. સુભાષ કપૂરની જેમ અન્ય આર્ટ ક્રિમિનલનો બેઝ ન્યૂયોર્ક છે, અહીંયાથી જ વિશ્વનું આર્ટ ક્રાઇમ મેનેજ થાય છે. આ દિશામાં વર્ષોથી કામ કરનારા આર્કિયોલોજિસ્ટ અને કાયદાના અભ્યાસી ટીસ ડેવિસ છે. આ માટે ટીસ ડેવિસે ‘એન્ટીક્વાટીસ કોઅલિઝન’ નામની સંસ્થા પણ બનાવી છે.

તેમના મતે માત્ર ગત દાયકામાં ભારતમાંથી અમેરિકા ગેરમાર્ગે આવેલાં આર્ટની કિંમત સાતસો મિલિયન ડોલર છે. ટીસ એવું પણ માને છે કે એ શક્યતા વધુ છે કે આનાથી પણ અનેકગણું આર્ટ ભારતમાંથી આવ્યું હોય. ટીસ ડેવિસ આંતરરાષ્ટ્રિય સ્તરે કળા ક્ષેત્રે થઈ રહેલાં ગુના સંદર્ભે જોરશોરથી લડત ચલાવી રહી છે અને તેમનું કહેવું છે કે વધુ ચિંતાની વાત તો એ છે કે ઘણા દેશોમાં સરકારી મ્યુઝિયમ જ સ્મગલર પાસેથી આર્ટ વર્ક ખરીદીને પોતાની ગેલેરીમાં ડિસપ્લે કરે છે. આ પ્રેક્ટિસ અનેક દેશો કરી રહ્યાં છે. સાથે સાથે ટીસ ડેવિસનું એવું પણ માનવું છે કે આ બિઝનેસ દ્વારા ખૂબ મોટા પાયે આતંકવાદી પ્રવૃત્તિને નાણાં મળે છે. મૂળે આખો ધંધો કરોડો રૂપિયાના બિઝનેસનો છે અને તેમાં ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સામેલ છે. બીજું કે આર્ટનો આ બિઝનેસ આંતરરાષ્ટ્રિય સ્તરે જ થઈ શકે છે. તેથી પણ તેના તાર આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાય છે.

ભવિષ્યમાં ભારતનો આ વારસો સહીસલામત રહે અને ચોરી કે અન્ય ગેરરીતિથી તે વિદેશોમાં ન પહોંચે તે માટે દિલ્હી સ્થિત આર્કિયોલોજિસ્ટ ડૉ. કિરીટ મંકોડી પાયાનું સૂચન કરે છે. તેઓ જણાવે છે કે સૌથી પહેલાં દેશની તમામ આવી વસ્તુઓનું કેટલોગિંગ થવું જોઈએ અને આ પ્રકારની વસ્તુઓનું પદ્ધતિસરનું એક ડોક્યુમેન્ટેશન થવું જોઈએ. ઇતિહાસકારો પણ એમ કહે છે કે આપણા દેશનો વારસો સુરક્ષિત રાખવાની જેમની જવાબદારી છે તે ‘આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા’ દ્વારા પણ દરેક મંદિરો સહિત અન્ય સ્થાપત્યોની એક રાષ્ટ્ર સ્તરે યાદી બનવી જોઈએ. આમ નહીં થાય તો દેશમાંથી ક્યારે શું બહાર જાય છે તેની ઠોસ માહિતી મેળવી નહીં શકાય.

જો કે છેલ્લાં વર્ષોમાં દેશની અલભ્ય પ્રાચીન વસ્તુઓને પાછી મેળવવામાં સારી સફળતા મળી છે. મિનિસ્ટ્રી ઑફ કલ્ચરની યાદી મુજબ 1976થી 1921 સુધી મહામૂલી 54 મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ પાછી મેળવી શકાઈ છે. જ્યાંથી આ મૂર્તિઓ-વસ્તુઓ પાછી મળી છે, તેમાં જે દેશો દર્શાવવામાં આવે છે તેમાં મુખ્યત્વે બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા છે. વસ્તુઓ પાછી મેળવવાની બાબતને રાજકીય રીતે પણ જોવામાં આવે છે. એ રીતે જોઈએ 1976થી આ વર્ષ સુધી કુલ 55 મૂર્તિઓ પાછી મેળવવામાં આવી છે. તેમાં 1976થી 2014 સુધીની સંખ્યા 14 હતી જ્યારે તે પછી વર્તમાન સરકારના કાળમાં 30 આવી અલભ્ય મૂર્તિઓ પાછી મેળવી શકાઈ છે.

તેમાં તમિલનાડુમાંથી લઈ જવામાં આવેલી પાર્વતી, ચક્રવથવલવાર, પ્રત્યંગીરા, દુર્ગા, નટરાજ, દ્વારપાલ, રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ છે. તમિલનાડુ, મધ્ય ભારત, બિહારમાંથી મહદંશે આ મૂર્તિઓ વિદેશમાં પહોંચી છે. જો કે હજુ પણ  વિદેશમાંથી ભારતની પ્રાચીન વસ્તુઓ લાવવાની બાકી છે તેમાં શિવાજીની તલવાર છે. આ તલવાર હાલ લંડનમાં આવેલા બકિંગહામ પેલેસમાં છે. એ જ પ્રમાણે ટીપુ સુલતાનનો વાઘ પણ લંડનના વિક્ટોરિયા મ્યુઝિયમમાં છે. લાકડાનો આ વાઘ એક બ્રિટિશ સૈનિક પર હુમલો કરતો દર્શાવાયો છે. આ વાઘ અઢારમી સદીના અંતમાં બ્રિટન લઈ જવામાં આવ્યો હતો, જે પછી પાછો મળ્યો નથી. ટીપુ સુલતાનની વીંટી, મધ્યપ્રદેશની અંબિકાની મૂર્તિ, શાહજહાનનો વાઇન કપ, સુલ્તાનગંજના બુદ્ધ, આંધ્રપ્રદેશના અમરાવતીના નક્શીકામ કરેલાં પથ્થરો પણ મહામૂલો વારસો છે, જે હજુય વિદેશોના મ્યુઝિયમમાં છે.

Most Popular

To Top