Columns

‘પટિયાલા નેકલેસ’ : અદૃશ્ય થઈને ફરી મળવાની કહાની…

દેશમાં હવે રાજાઓ નથી રહ્યા, તેમ છતાં તેમનું નામ ભૂંસાયું નથી. આજેય દેશમાં રાજાઓનું નામ ચલણમાં છે. ઔરંગઝેબ, ટીપુ સુલતાન, અકબર કે પછી મહારાણા પ્રતાપ. આ બધાયે રાજાઓના નામ કોઈને કોઈ સંદર્ભે આપણી સમક્ષ આવે છે. તેમની સ્મૃતિઓ હજુ આપણા વર્તમાન પર દસ્તક દે છે. આવું એક નામ અત્યારે ચર્ચામાં છે – તે પટિયાલાના રાજા ભૂપિન્દર સિંઘનું. એક સદી અગાઉ થઈ ગયેલા પટિયાલાના રાજા ભૂપિન્દર સિંઘ તેમના મોંઘેરા નેકલેસના કારણે અત્યારે ન્યૂઝ જગતમાં છવાયા છે. ‘પટિયાલા નેકલેસ’ નામે ઓળખાતી આ જ્વેલરી અત્યાર સુધી વિશ્વમાં ઘડામણ થયેલી સૌથી મોંઘેરી જ્વેલરીમાંની એક છે! આ નેકલેસ ચર્ચામાં આવ્યું તે અમેરિકાના યુટ્યૂબર એમ્મા ચેમ્બરલિનના કારણે, જેણે નેકલેસનો એક ભાગ આ વર્ષના ન્યૂયોર્કમાં થતા આર્ટક્ષેત્રના કાર્યક્રમ ‘મેટગાલા’માં પહેર્યો હતો.

આ નેકલેસની કહાની શરૂ થાય છે 1928થી, જ્યારે પટિયાલાના તત્કાલિન રાજા ભૂપિન્દર સિંઘે તેને તૈયાર કરાવ્યો. નેકલેસ ફ્રાન્સની કંપની ‘કાર્ટિઅર’ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ‘કાર્ટિઅર’ ફ્રાન્સની જ્વેલરીની અગ્રગણ્ય કંપની છે અને 175 વર્ષથી આ રીતે દુનિયાભરના શ્રીમંતો અર્થે અદભુત જ્વેલરી તૈયાર કરે છે. પટિયાલા નેકલેસની કિંમત આજે 200 કરોડ અંદાજવામાં આવે છે. તેના ઘડામણ પછી 1948માં ભેદી રીતે તે નેકલેસ ગુમ થયો અને પછી તેની ભાળ 3 દાયકા પછી મળી.
‘પટિયાલા નેકલેસ’ 5 પ્લેટિનિયમ ચેનથી નિર્મિત થયો છે અને તેના પર 2930 મોંઘેરા હીરા જડવામાં આવ્યા છે. ‘ડિ બીઅર્સ’ નામનો સૌથી મોંઘો અને મોટો ડાયમન્ડ પણ તેમાં છે, જે તેના મધ્યમાં છે.

‘પટિયાલા નેકલેસ’ની જે પ્રચલિત તસવીર છે, તેમાં તેને ધારણ કરનાર મહારાજ ભૂપિંદર સિંઘ નહીં બલકે તેમના દીકરા યાદવિન્દ્ર સિંઘ છે. યાદવિન્દ્ર સિંઘ પટિયાલાના અંતિમ રાજા હતા. તે પછી આઝાદ ભારતમાં પટિયાલા રાજ્ય ભળી ગયુ. આ નેકલેસમાં 5 પ્લેટિનિયમ ચેઇન ઉપરાંત ગળામાં ફીટ આવતો એક હીરાજડીત પટ્ટો પણ છે, જેને અંગ્રેજીમાં ‘ચોકર’ કહે છે. દેશમાં ભળ્યા પછી રાજ્યની ટ્રેઝરીમાંથી આ નેકલેસ ચોરાઈ ગયો અથવા તો રહસ્ય રીતે ગાયબ થયો તેમ કહેવાય છે. 3 દાયકા પછી ‘કાર્ટિઅર’ કંપનીએ જ આ નેકલેસને કોઈક રીતે ખરીદીને મેળવ્યો. જો કે જ્યારે તે મેળવ્યો ત્યારે તેમાંથી અનેક હીરા ગાયબ હતા. ‘કાર્ટિઅર’ કંપનીએ તે ડાયમન્ડ ફરી જડ્યા અને તેને તૈયાર કર્યો.

‘પટિયાલા નેકલેસ’ની સૌ પ્રથમ વાર ઘડામણ થઈ ત્યારે તેની કિંમત અને સુંદર દેખાવના કારણે ચર્ચામાં હતો. તે પછી નેકલેસ ગુમ થયો ત્યારે પણ તેની ચર્ચા થઈ. પરંતુ તેની ભાળ ન તો પટિયાલા રાજાના વંશજોને મળી કે ન તો સરકારે. ફરી તે વિશે ખબરો ત્યારે પ્રસરી જ્યારે તે હાર મળ્યો અને તેને ‘કાર્ટિઅર’ કંપનીએ ફરી તૈયાર કર્યો. હવે તેની ચર્ચા એ માટે થઈ રહી છે, કારણ કે અમેરિકાના ન્યૂયોર્કમાં થતાં ‘મેટગાલા’ કાર્યક્રમમાં અમેરિકન સેલિબ્રિટી એમ્મા ચેમ્બરલેઇને તેનો એક ભાગ પહેરીને આવી. નેકલેસના ગળામાં ફીટ રહેતા હિસ્સાની અદ્દલ પ્રતિકૃતિ એમ્માએ પહેરી હતી.

બસ પછી તો પટિયાલાના રાજાઓની આ નેકલેસ સાથેના ફોટો અને એમ્માએ હાલમાં ધારણ કરેલા હારની ચર્ચા સોશ્યલ મીડિયા પર શરૂ થઈ. કેટલાક ઠેકાણે એય સવાલ ઊઠ્યા કે ભારતમાંથી ચોરાયેલી વસ્તુ કેવી રીતે પશ્ચિમના દેશોમાં પહોંચે અને કોઈ મ્યુઝિયમમાં તેની જગ્યા હોવી જોઈએ. તેના બદલે કોઈ સેલિબ્રિટી આ રીતે તેને જાહેરમાં પહેરીને આવે. એમ્મા હારની આ હકીકતથી અજાણ હતી. તેણે આ હાર માટે કાર્ટિઅર કંપનીનો જ આભાર વ્યક્ત કરતી પોસ્ટ કરી. મતલબ, આ હાર પટિલાયાના રાજાનો હતો તે પણ એમ્માને ખબર નહોતી.
‘પટિયાલા નેકલેસ’ કેટલો મોંઘો છે તે તો તેની બજાર કિંમત પરથી ખ્યાલ આવી શકે પરંતુ તેના મહત્ત્વ વિશે જાણવું હોય તો ‘કાર્ટિઅર’ કંપનીના જ માલિક કાર્ટિઅર પરિવારમાંથી જે પુસ્તક 2019માં પ્રકાશિત થયું, તેના કન્ટેન્ટ તરફ નજર દોડાવવી રહી. આ પુસ્તકનું નામ છે ‘અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ ફેમિલિ બિહાઇન્ડ ધ જ્વેલેરી એમ્પાયર – ધ કાર્ટિઅર’. આ પુસ્તકમાં એક પ્રકરણ પટિયાલા નેકલસનું છે અને તેમાં તેની બનાવટ કેવી રીતે થઈ હતી તે પૂરી વિગત મૂકવામાં આવી છે. આ વિગતમાં લખ્યું છે કે 1925ના અરસામાં કાર્ટિઅર કંપનીને પટિયાલાના રાજા ભૂપિન્દર સિંઘ દ્વારા જ મહામૂલી જ્વેલરી બનાવવાનું કામ મળ્યું. તેમની ઇચ્છા હતી કે એવી જ્વેલરી બનાવવી કે તેમના વિરાસતમાં ચાર ચાંદ લાગે અને દેશના અન્ય સમકાલીન રાજાઓથી તેઓ સર્વોપરી દેખાય. મહારાજા ભૂપિન્દર સિંઘ તે વખતના સૌથી વધુ સંપત્તિ ધરાવનારા રાજાઓમાંના એક હતા. તેમને 5 પત્નીઓ હતી અને તેઓ દુનિયાભરની સગવડ ભોગવતા હતા. તેમાં રોલ્સરોય હતી, એરક્રાફ્ટ હતા અને સાથે અનેક એવાં શોખ હતા જે તે વખતે અંગ્રેજ શાસકો પણ ભોગવી શકતા નહોતા. એક વાર મોંઘેરી જ્વેલેરી બનાવવાની નિશ્ચય કર્યો પછી કાર્ટિઅર કંપની તેમના સેલ્સમેન M. મુફ્ફતને મહારાજા ભૂપિન્દર સિંઘને મળવા હોટલ કાર્ડિજ ઓફ પેરિસમાં મોકલ્યા હતા. અહીં તેમને જુદાં જુદાં પ્રકારના ડાયમન્ડ બતાવવામાં આવે છે. જો કે ત્યારે મહારાજા ભૂપિન્દર સિંઘે સેલ્સમેન મુફ્ફતને કહ્યું કે તેઓ અદ્વિતિય ડાયમન્ડની શોધમાં છે, જે મોર્ડન લાગવો જોઈએ અને રાજા પર તે શોભવો પણ જોઈએ. આ કાર્ય સરળ નહોતું તેવું ખુદ રાજા ભૂપિન્દર માનતા હતા. પુસ્તકમાં લખ્યા પ્રમાણે તે પછી 3 વર્ષ સુધી પટિયાલાના નેકલેસનું કામ થયું. આ એક નેકલેસ બનાવવા માટે અંદાજે 200 હીરાઓને તરાશવામાં આવ્યા. અંતે, નેકલેસ તૈયાર થયો. આ રીતે નેકલેસ તૈયાર કરીને ભારત લાવવામાં આવ્યો અને તે પટિયાલા રાજાની શોભા બન્યો. બે દાયકા સુધી પટિયાલાના નેકલેસની બોલબાલા દેશ – દુનિયામાં રહી. પરંતુ 1948માં ભેદી રીતે તે નેકલેસ રાજાના નિવાસમાંથી જ ગાયબ થયો. પછી તેના વિશે 30 વર્ષ સુધી કોઈ વાત સાંભળવા ન મળી. 1982માં નેકલેસ સિવાય ‘ડિ બીઅર્સ’ નામનો ડાયમન્ડ ફરી દેખા દીધો અને હવે તેની હરાજી થનાર હતી. અંતે, તે 3 મિલિયન ડોલરમાં વેચાયો. તે પછી 16 વર્ષ પછી આ નેકલેસનો એક અન્ય હિસ્સો લંડનની એક નાનકડી દુકાનમાં દેખા દે છે. અહીંથી કાર્ટિઅર કંપની તેને ખરીદે છે અને તે નેકલેસમાં ‘રેપ્લિકા’ હીરા જડીને તેને ફરી સુંદર બનાવે છે.
પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંઘ યાદવિન્દ્રના જ દીકરા છે. તેઓને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ નાના હતા ત્યારે પિતાએ નેકલેસ ધારણ કર્યાનું સ્મૃતિમાં છે. જો કે તેઓ માને છે કે નેકલેસ ક્યારેય ચોરાયો નહોતો. બલકે તેમના દાદા ભૂપિન્દર સિંઘના 54 દીકરાઓ વચ્ચે તે નેકલેસ મિલકતની જેમ વહેંચાયો હશે. અમરિન્દર સિંઘના બીજા ભાઈ માલવિન્દર સિંઘ અમરિંદરની આ થિયરીને નકારે છે.
પતિયાલા નેકલેસની આસપાસની વાતો ફંફોસ્યા પછી પણ હજુ તેની ભાળ મળતી નથી. આ નેકલેસને કોણ, કેવી રીતે લઈ ગયું તેનો તાળો મળતો નથી. આ ઉપરાંત, પણ ભારતના રાજાઓ પાસે મહામૂલી જ્વેલરી હતી. તેમાંથી એક પટિયાલાની જ મહારાણીનું રુબી ચોકર છે. ગળામાં ફીટ આવે એ રીતે છાતી સુધી પ્રસરેલો આ હાર પ્લેટેનિયમથી અને અન્ય ડાયમન્ડથી બનેલો છે. મહારાજા કપૂરથાલાનો ડાયમન્ડ ક્રાઉન પણ છે. બરોડાના મહારાની સિતાદેવીનો ડાયમન્ડ નેકલેસ પણ મોંઘેરો છે અને તેની પણ છેલ્લી માલિકી કાર્ટીઅર કંપની પાસે છે. બનારસના મહારાજા પ્રભુનારાયણ સિંઘ પણ કુંદનનો હાર એ રીતે જ તૈયાર કરાવ્યો હતો. આ બધી જ જ્વેલરીની કિંમત આજે બજાર અબજો રૂપિયામાં આંકે છે. બજારની શોભા કરતા આજે આ જ્વેલરી દેશની ઓળખ વધુ બન્યા છે. દેશના પૂર્વ રાજાઓના શોખ, સિધ્ધિઓ એ રીતે અદ્વિતિય લાગે તેવી છે પણ તેનાથી પ્રજાની સુખાકારીનો પ્રશ્ન હલ થયો નહોતો. એ રીતે આજની અને ત્યારની સ્થિતિમાં ઘણા અંશે સામ્ય છે.

Most Popular

To Top