આજવા રોડ દત્તનગરના મકાનમાંથી 94 બોટલ પ્રતિબંધિત સીરપનો જથ્થો કબજે, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરાના આજવા રોડ, સયાજીપાર્ક પાસે દત્તનગરમાંથી ગેરકાયદેસર નશાકારક પદાર્થોના વેચાણ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નશાકારક કોડીન સીરપનું વેચાણ કરતી એક સિકલીગર મહિલા ઝડપાઈ હતી.
એસઓજીની ટીમ દ્વારા દત્તનગર સ્થિત એક રહેણાંક મકાનમાં રેડ કરતા કુલ 94 બોટલ કોડીન ફોસ્ફેટ એન્ડ ટ્રીપ્રોલડાઈન હાઇડ્રોક્લોરાઇડ સીરપ રેક્સલી-ટી મળી આવતા તેને કબજે કરવામાં આવી હતી. જેની કિંમત આશરે 16920 રૂપિયા થાય છે. સાથે એક મોબાઈલ મળી કુલ 22,020 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ કેસમાં સ્થળ પરથી અમરતકૌર સતનામસિંહ સિકલીગર નામની મહિલા આરોપીની અટકાયત કરવામાં આવી છે. રહે. મકાન નં. 422/423, દત્તનગર, સયાજીપાર્ક, આજવા રોડ, વડોદરા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહિલા આરોપીએ આર્થિક લાભ માટે વગર પાસ-પરમીટ કે લાયસન્સે પ્રતિબંધિત સીરપ ખરીદીને પોતાના મકાનમાં સંતાડી રાખી હતી અને ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરતી હતી. પૂછપરછ દરમિયાન એ પણ ખુલ્યું કે અમરતકૌરે આજવા રોડ પર આવેલ મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી આ નશાકારક સીરપનો જથ્થો ખરીદ્યો હતો. આ સંબંધમાં મેડિકલ સ્ટોરનો સંચાલક હાલ વોન્ટેડ છે અને તેને પકડવા માટે એસઓજી દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની કલમ 8C, 20, 29 મુજબ ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.