Business

ચંદ્રની હોડી મને લેવા આવશે ?

મણીલાલ હ. પટેલ

વિશાળ સૃષ્ટિની સમ્મુખ એકલા એકલા બેસી રહેવાનું મન થાય છે. એની ઋતુલીલાને બસ જોયા જ કરીએ, કૂંપળ પછી પાંદડાં પછી ફૂલ અને ફળ… પછી પાછું ખરી જવાનું. જો કે આ ઘટનાઓ ભારે સંકુલ છે. એ તો સતત ચાલતી ક્રિયાઓ છે. આવી સાતત્યપૂર્ણ પ્ર-ક્રિયા વિના સર્જન શક્ય નથી. એનાં અનેક સ્તરો તથા ગૂઢ રહસ્યને જાણવા અહર્નિશ પ્રકૃતિની સામે- સાથે બેસી રહેવાનું ગમે છે. એનો સર્જનસંચાર આપણને કળાતો નથી. સૂરજચાંદાનાં તેજ પહેરનારી વનશ્રી અંધકારનાં પડખાં સેવીને ક્યારે પુખ્ત- પુષ્ટ બની જાય છે તેની ખબર પડતી નથી. સમુદ્રની ભરતીઓટની જેમ કે સૂર્ય-ચંદ્રના ઉદય-અસ્તની જેમ એ નરી આંખે નીરખાતું નથી. એ અંદરની ક્રિયાઓને ઓળખવી છે. જીવતરને જેમ સર્જક શબ્દસંરચનાથી ઉજાગર કરે છે એમ આ સૃષ્ટિને પણ તાગવા મથામણ કરવાનું ગમે છે પણ જાણું છું કે દરેક માણસનું આ ગજુ નથી. એ મહાભારત કાર્ય છે.
સૃષ્ટિ વધારે આકર્ષક અને શિસ્તબદ્ધ એટલા માટે લાગે છે કે ત્યાં દરેક ચેતના પોતાની શક્તિ-મર્યાદા પ્રમાણે સક્રિય છે અને વળી કોઈ પોતાની સીમાને ભાગ્યે જ લોપે છે. માનવ સમાજોમાં આવું નથી બનતું ત્યારે વિસંવાદો કે વિષમતાઓ ઊભરાઈ આવે છે. પ્રકૃતિની સામે ભક્તિભાવથી કે સમગ્ર ઋતુલીલાને હાથ જોડીને મુગ્ધભાવથી જોયા કરવાનું ગમતું હોવા છતાં એટલું જ આપણું કર્તવ્ય નથી. મારે મારાં પોતાનાં કાર્યો કરવાનાં છે. નિત્યકર્મોની નિયમિતતા પણ મારે મન એક પ્રકારની ‘લીલારૂપ વ્યવસ્થા’ છે. મને તો એ વિના મારી જાત સાથે મળવાનો યોગ થતો નથી. આવી પ્રવૃત્તિઓ મારી સાથે મારા મેળાપનો સેતુ રચી આપે છે. મારી શક્તિઅશક્તિના હિસાબો પણ મને ત્યાંથી મળે આવે છે. આ સંદર્ભમાં જ પ્રવૃત્તિને જીવનનો પ્રાણ કહી હશે ને ! પ્રત્યેક પ્રવૃત્તિ આ અર્થમાં સંચેતનાની સાક્ષી છે. મારે માત્ર મારા એકલાના યોગક્ષેમની ચિંતા કરવાની હોય તો તો હું સૃષ્ટિ સાથે વધારે વખત ગાળી શકું. મારી બહુ મોટી અભિપ્સાઓ નથી. સાધુ મુનિવરોની જેમ મને કંદમૂળથી ને વલ્કલથી ચાલી જશે એમ કહેવાનો નર્યો દંભ હું નહીં કરું. १०
સભ્યતાઓની પરંપરાના આ છેડે ઊભેલો હું જીવનમાં થોડીક સુખ- સગવડો ચાહું છું ને મને થોડાઘણા મોજશોખ પણ છે. બીજાંઓની જવાબદારી પણ મારે માથે હતી. હવે વળી મારાં પોતાનાં જણ્યાં જનોની ચિંતાઓ છે. પ્રવૃત્તિઓની પાછળનાં આ પણ પરિબળો છે તો વળી માનવ તરીકેની મૂળભૂત વૃત્તિઓથી પણ હું ઉપર નથી. આ બધાં મારાં બંધનો છે. એ મને સમાજ અને સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. મારો સ્વભાવ તો બને એટલાં બંધનોથી મુક્ત રહીને આ વિશાળ, સમૃદ્ધ અને સ્વ—રત પ્રકૃતિની સાથે હંમેશા હળી- મળી-ભળી જવાનો છે. પણ અફસોસ છે કે એટલી તકો મળતી નથી.
વારેવારે વતનની દિશામાં ભાગી છૂટવાનું મન થાય છે. મહીસાગરનો શિશુકાલીન સાદ હજી સંભળાય છે. પેલી ઊંચીનીચી ગોળમટોળ ટેકરીઓ… ચોમાસે ઘાસ છાઈ ને ઉનાળે ઉઘાડી. પગને એના ચઢાવ-ઉતારના આંક હજી યાદ છે. માઈલો સુધી પથરાયેલી સીમ… ક્યારેક ડાંગરથી તો ક્યારેક મકાઈ- બાજરીથી ભરપૂર કલકલતી સીમ, ક્યારેક કાળે ઉનાળે કપાઈને કોરી ધાકોર પડેલી ! એ હંમેશા ગંધ અને રંગની ભાષામાં બોલતી. નાક-કાન-આંખને એના ઓળાધુમાડા પુનઃ પામવા છે. જીભને કોઠાંનો સ્વાદ… ડોડાને દાણે દાણે દીઠેલાં સ્મિત…! જીવન અહીં સોરાય છે. સભ્યતાના આક્રમણથી સહજતા નંદવાઈ ગઈ છે. આ શહેરીજનોની વચાળે બચી છે માત્ર વાચાળતા. ઋતુઓને અહીં બીબાંઓમાં ઢાળી દેવાઈ છે. અમે શરદની ચાંદની રાતોમાં વગડાની વાવે એક-બે મિત્રો બેસી રહેતા એની યાદ અહીંની સિન્થેટિક નવરાત્રિના દિવસોમાં ક્યારેક બેચેન કરી દે છે. નવખંડ ધરતી ફરવાના મનસૂબા સેવનારના પગમાં બેડી પડી છે. હવે કોઈનોય સાદ સાંભળીને નીકળી પડાતું નથી, વનવગડાની વાત તો આઘી રહી, અહીં ઓરડાઓ વચ્ચે જવાઆવવાના વ્યવહારોમાં ચૂક થાય તો સ્વજનોને ગમતું નથી. બધાંએ પોતપોતાનું એક સાંકડું (મનો) જગત સરજી લીધું છે. હક્કો જતાવનારાંએ હજી જવાબદારીઓની નીચે પોતાની સહી કરી નથી. જીવતર ભારરૂપ ન લાગે એની પેરવી કરવામાં અને હળવાશની ભીતરમાં મારી સંવેદનાઓને સંતાડી રાખવામાં સમય જાય છે. આવી સંકડામણ વચ્ચેય ચાંદા-સૂરજ-તારા-તરુવરો, આભ, મેઘ, મહાસાગર, આંધી, તડકા… સીમ ડુંગર, ખડ-ખેતરો.. નદી નિર્ઝરો વનવાસીજનો અને ઘાસછાયાં ઘરોને, એમના અનેકાનેક સંદર્ભો સાથે મારી અંદર જીવવા-જીરવવાની તક ચૂકતો નથી. પ્રકૃતિ મારો પ્રાણ છે.

Most Popular

To Top