Madhya Gujarat

ઘાઘરપુરામાં 70 વર્ષીય આદિવાસી વૃદ્ધનું મોત નીપજતા એક કપિરાજ તેઓની મૈયતમાં છેલ્લે સુધી રહ્યા

બોડેલી તાલુકાના ઘાઘરપુરા ગામે 70 વર્ષના આદિવાસી વૃદ્ધનું મોત નીપજતા એક કપિરાજ તેઓની મૈયત સાથે વહેલી સવારથી મોડી રાત સુધી વિવિધ વિધિઓમાં જોડાયેલો રહ્યો હતો. સ્વ.ચતુરભાઈ વીરાભાઇ રાઠવાની અંત્યેષ્ટિ વેળા સ્મશાન યાત્રામાં પણ આ વાંદરો સાથે સાથે ચાલતો રહ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં કૌતુક સર્જ્યું હતું. આ બનાવ આદિવાસી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ઘાઘરપુરા ગામના ચતુરભાઈ વીરાભાઇ રાઠવા મળસ્કે ચાર વાગે મોતને ભેટ્યા હતા. ગામ અને ઘરમાં પરિવારના મોભી સમાન વ્યક્તિનું મોત નીપજતા શોકનો માહોલ સર્જાયો હતો. મૈયત વાળા ઘરે ખરખરો કરવા ગામના તેમજ આજુબાજુના વિસ્તારમાંથી લોકોની વહેલી સવારથી જ અવર-જવર શરૂ થઈ ગઈ હતી. દરમિયાન સવારે 9:00 વાગે ચતુરભાઈના ઘર આગળ એક કપિરાજ આવી પહોંચ્યો હતો. ઘાઘરપુરા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં વર્ષોથી અહીં એક પણ વાંદર રહેતા જ નથી. આડે દહાડે પણ એક પણ વાંદરુ જોવા મળતું નથી અચાનક આ વાંદરો આવી ચડતા પ્રારંભે લોકોએ તેને હાંકી કાઢવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે વાનર શિસ્તબદ્ધ રીતે એક સ્થળ પર બેસી રહ્યો હતો.
મૈયત વાળા ઘર આગળ બનાવેલ મંડપ પાસે ગામના લોકો આવીને બેસતા હતા તે વચ્ચે જઈને પણ ત્યાં એ બેસી ગયો હતો. કલાકો સુધી તેની આ પ્રકારે હાજરીની નોંધ લોકોએ લીધી હતી. દરમ્યાન બપોરે અઢી વાગે સ્મશાન યાત્રા નીકળી ત્યારે પણ વાનર સ્મશાન યાત્રામાં સાથે સાથે ચાલતો રહ્યો હતો. ત્યાંથી બધી વિધિઓ પૂરી કરી પરત ઘરે આવ્યા ત્યારે પણ આ વાંદરો ત્યાંથી ઘરે પણ આવ્યો હતો. સાંજે 4:00 વાગે સૂતક માટેની વિધિ કરવામાં આવી હતી. વાંદરો સુતક વિધિમાં પણ હાજર રહ્યો હતો. સુતક પતાવીને ઘરે પણ બધા પહોંચ્યા ત્યારે આ વાનર બધાની સાથે ઘરે પણ આવ્યો હતો. રાત્રે બધા ઘરેથી જ્યારે વિખેરાયા ત્યારે આ વાંદરો જતો રહ્યો હતો. મૈયત પ્રસંગે રહસ્યમય સંજોગોમાં વાંદરો આવી અને આખો દિવસ વિવિધ વિધિઓમાં હાજર રહી રાત્રે પરત જતો રહ્યો તે ઘટનાએ ઘાઘરપુરા ગામ તેમજ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ભારે ચર્ચા ચગાવી હતી.

Most Popular

To Top