Business

આ છે આજની મોડર્ન સુરતી લેડી… કરિયર-બાળક વચ્ચેના બેલેન્સ માટે રેડી

સ્ત્રી દીકરી, બહેન, પત્ની, અને માતા સિવાય લગ્ન બાદ અનેક સંબંધોમાં ગૂંથાય છે અને આ સંબંધોને બખૂબી નિભાવે પણ છે. જો કે, આ તમામ સંબંધોમાં માતા તરીકેની એની વિશેષ જવાબદારી રહેલી હોય છે. એક નવા જીવને દુનિયામાં લાવવા માત્રથી તેની જ્વાબદારી પૂરી કરીને તે સંતોષ નથી માનતી, પણ આખી જિંદગી પોતાના બાળકને પોતાની લાગણીનું તેનું સીંચણ કરી પાલન-પોષણ કરે છે. જો કે આજની નારી પોતાને એક દાયરામાં કેદ કરીને ન રાખતાં પરિવાર અને બાળકની સંભાળની સાથે-સાથે જોબ પણ સંભાળે છે. તો 8th માર્ચ વીમેન્સ ડે નિમિત્તે આજે મળીએ આપણે આવી જ કેટલીક સુપર વર્કિંગ મોમ્સ કે જેણે ડિલિવરીના થોડાં જ સમયમાં પોતાના વહાલસોયા સંતાનને પરિવાર કે અન્યના ભરોસે મૂકી જોબ શરૂ કરી દીધી હોય અને તેમ છતાં જરૂર પડ્યે કામ પર સાથે રાખીને તે આ બંને જવાબદારીઓ બખૂબી નિભાવી રહી હોય.

પરિવાર અને જોબને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરું છુ: પરીતા પટેલ
મેડિકલ ઓફિસર તરીકે સેવા આપતી ડો. પરીતા પટેલ જણાવે છે કે, ‘મારું બાળક હાલમાં સાત માહિનાનું છે અને મારી મેટેરનીટી લીવ પૂરી થઈ ગઈ હોવાથી મારે બાળકને ઘરે મૂકીને જોબ માટે આવવું પડે છે. જો કે, મારા સાસુ અને મમ્મી વારાફરતી મારા બાળકનું ધ્યાન સારી રીતે રાખે છે પરંતુ બાળક નાનું હોવાથી મારું ધ્યાન સતત બાળક તરફ જ રહે છે, એટ્લે હું સમયાંતરે ઘરે ફોન કરીને બાળકના હાલ ચાલ મેળવતી રહું છુ.’ કોરોના કાળની વાત કરતાં પરીતા કહે છે કે ‘એ સમય દરમિયાન મારે બાળકને ઘણી વાર મારી સાથે હોસ્પીટલમાં લઈને જવું પડ્યું હતું, આ દરમિયાન તેને સતત માસ્ક પહેરાવવા છતાં ડર લાગી રહ્યો હતો, પણ મેડિકલ લાઇનમાં અને સરકારી જોબ હોવાના કારણે એ સમયે જોબ કરવી જરૂરી હતી અને સ્ટાફ પણ સપોર્ટિવ હોવાને કારણે હું બંને તરફ બેલેન્સ જાળવી રાખવાનો પ્રયત્ન કરું છુ. જો કે મારા પતિ પણ આ બાબતમાં મને પૂરતો સપોર્ટ કરે છે.’

જોબ અને દીકરીને પૂરતો સમય આપું છુ : દિપીકા પટેલ
કોર્પોરેશનમાં
જોબ કરતાં દિપીકા બહેન જણાવે છે કે ‘આજે મોંઘવારીના કારણે જોબ કરવી ખૂબ જ જરૂરી છે તેથી અમે પતિ- પત્ની બંને જોબ કરીએ છીએ, જો કે મારી 1 વર્ષની દીકરી હોવાથી જોબ દરમિયાન હું મારી દીકરીને બેબી સિટિંગમાં મૂકીને ઓફિસ જાઉં છુ. જો કે ઘણીવાર એવું બને છે કે દીકરી બીમાર હોય અને સાથે આવવાની જીદ કરે ત્યારે હું ઓફિસમાં પણ તેને સાથે લઈને જાઉં છું અને સ્ટાફનો સપોર્ટ સારો હોવાથી વાંધો નથી આવતો. જો કે આજે દીકરીઓ પર વધી રહેલા કિસ્સા જોતાં મે એવા બેબી સિટિંગમાં દીકરીને મૂકી છે જે મારી ઓફિસની નજીક છે જેથી હું ગમે ત્યારે તેને મળવા માટે જઇ શકું છુ.’ વધુમાં તેઓ જણાવે છે કે, ‘કયારેક મન થાય કે દીકરીને મારી જરૂર છે અને મારે ઘરે તેની સાથે રહીને તેને સમય આપવો જોઈએ, જેથી હું જ્યારે ઘરે હોઉ ત્યારે તેને પૂરતો સમય આપવાનો પ્રયત્ન કરું છુ’

આજની નારી ઘર પરિવાર સાથે જોબ પણ સંભાળી લે છે : નિકિતા પટેલ
રાંદેર
વિસ્તારમાં રહેતાં ફિઝિયોથેરાપિસ્ટ નિકિતા કહે છે કે, ‘આજની નારી ભણેલી ગણેલી હોવાના કારણે ઘર પરિવાર અને બાળકો સાથે જોબ પણ સંભાળી જાણે છે. હું ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરું છુ અને સાથે સાથે મારી દોઢ વર્ષની દીકરીને ઘરે મૂકીને જાઉં છુ, પરંતુ જે સમયે ઘરે હોઉ એ દરમિયાન કામ કરતાં કરતાં પણ એની સાથે સમય વિતાવતી રહું છુ અને ઘરે આવ્યા બાદ અને રવિવારનો સમય સંપૂર્ણ એની સાથે રહું છુ. જો કે બાળક નાનું હોય એવા કરતાં જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તે સાથે આવવાની જીદ પણ કરે છે પણ મારો પરિવાર એને ઘણી સારી રીતે સાચવી લે છે જેથી હું નિશ્ચિંત છુ.’ કોરોના દરમિયાનની વાત કરતાં નિકિતા કહે છે કે,’ આ દરમિયાન મારા ફેમિલી મેમ્બર્સને કોઈ સોશ્યલ ફંકશનમાં જવાનું થતું તો મારે તેને સાથે લઈને જવી પડતી હતી અને એ દરમિયાન હું મારી કેબિન સેનિટાઇઝ કરીને તેનું ધ્યાન રાખતી હતી.’

પરિવાર અને સ્ટાફનો સપોર્ટ તો જોઈએ જ: જહાન્વી શેઠના
7 માસના
દીકરાની માતા અને સાયકિયાટ્રિસ્ટ કાઉન્સેલર જહાન્વી શેઠના જણાવે છે કે, ‘હું મારા દીકરાને મારા સાસુ પાસે મૂકીને જોબ કરવા માટે જાઉં છુ. જો કે બાળક નાનું હોય એટ્લે એને સાચવવામાં તકલીફ તો પડે જ, પણ મારા સાસુ અને હસબન્ડ મારી ગેરહાજરીમાં તેને ઘણું સારું રીતે સંભાળી લે છે. મારો દીકરો 3 માસનો થયો ત્યાર પછી મે જોબ શરૂ કરી હતી જેથી મે દીકરાને તકલીફ ન પડે એ મારે જોબનો સમય ઘટાડી દીધો છે અને દીકરાના કારણે ઓફિસ આવવા-જવામાં વહેલું-મોડું થાય તો સ્ટાફનો પૂરો સપોર્ટ મળે છે એટ્લે તકલીફ પડતી નથી. જો કે પરિવાર અને સ્ટાફનો સપોર્ટ ન હોત તો હું આટલી હળવાશથી મારી જોબને પ્રાધાન્ય આપી શકી ન હોત. જો કે અન્ય પરિવારજન સાથે હોવા છતાં બાળક માતાની હુંફ માટે રાહ તો જોતું જ હોય.’

બાળક નાનુ હોય એટલે ટાઇમ તો આપવો જ પડે : રોશની પારેખ
રાંદેર
વિસ્તારમાં રહેતી રોશની પારેખનો દીકરો આજે 7 વર્ષનો છે. રોશની જણાવે છે કે, જ્યારે તે 8માસનો હતો ત્યારે જ તેણે જોબ શરૂ કરી દીધી હતી. જોકે ઘરમાં તેના સાસુ હતા પરંતુ તે પણ જોબ કરતા હોવાથી રોશનીએ ઘણા સમય સુધી દીકરાને જોબમાં સાથે લઇને જવો પડતો હતો. બાળક નાનુ હોવાથી તેમને ખાસ્સી એવી તકલીફ પડી હતી. રોશની જણાવે છે કે, જ્યારે જોબ દરમિયાન તેમનો દીકરો રડતો ત્યારે તેમણે ફીડીંગ પણ કરાવવું પડતું હતુ઼ં. એટલુંં  નહીં પારણુ પણ સાથે લઇને ગયા હતા.

Most Popular

To Top