કોર્ટના વોરંટની બજવણી કરવા જતા પોલીસ જવાન જોડે ગેરવર્તણુંક
વોરંટ મેળવનાર શખ્સના માતા વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ ઊભી કરતા પોલીસ ફરિયાદ
વડોદરા: પાદરા નજીક આવેલા વડું પોલીસ મથક વિસ્તારમાં સિવિલ કોર્ટનો નોન બેલેબલ વોરંટ ઇશ્યુ કરવા જતા પોલીસ જવાન જોડે ગેરવર્તણુંકની ઘટના સામે આવી છે. જેમાં માથાભારે મહિલાએ જાહેરમાં અપશબ્દો બોલીને પોતાના કપડા જાતે ફાડી નાંખીને હોબાળો મચાવતા ચકચાર મચી ગઈ હતી.
વડું પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ પદે ફરજ બજાવતા પ્રવિણકુમાર ગીરજાશંકરે નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતું કે તેઓ માસરરોડ આઉટ પોસ્ટમાં ફરજ બજાવે છે. તેઓ વોરંટ બજવણીના કામે સાંપલા ગામે જયેશભાઇ દિનેશભાઇ પાટણવાડિયા (રહે. સાંપલા, મોટું ફળિયું, પાદરા, વડોદરા) વિરૂદ્ધ સિવિલ કોર્ટના એન. આઇ. એક્ટ 138 મુજબનું નોન બેલેબલ વોરંટ બજાવવા ગયા હતા. તેમના ઘરમાં મહિલા અને પુરૂષ હાજર હતા. તેમની ઓળખ પુછતા તેણે જયેશનો સગો ભાઇ અને મહિલા તેની માતા ચંપાબેન હોવાની ઓળખ આપી હતી.આરોપી જયેશ પાટણવાડિયા અંગે પુછતા જ માતા પુત્ર ગુસ્સામાં આવી ગયા હતા. એકાએક શોરબકોર મચાવતા સ્થાનિક ટોળા એકત્ર થઇ ગયા હતા. અને ટોળા વચ્ચે ચંપાબેને પોતાના કપડા જાતે જ ફાડીને પોલીસ કર્મીને બેફામ અશ્લીલ ગાળો આપી હતી. તેમજ આવેશમાં આવીને પોલીસના હાથમાંથી વોરંટનો કાગળ ઝૂંટવી લઇને ડૂચો વાળી દીધો હતો. મામલો કાબુ બહાર જાય તે પહેલા અન્ય પોલીસ જવાનોને મદદ અર્થે બોલાવી લેવાતા સમજાવટ બાદ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ઉપરોક્ત કાર્યવાહીમાં પોતાના કપડા ફાડનાર મહિલા ચંપાબેન દિનેશભાઇ પાટણવાડિયા અને તેમના પુત્ર નરેન્દ્રભાઇ દિનેશભાઇ પાટણવાડિયાની અટકાયત કરીને પોલીસ મથક લાવવામાં આવ્યા હતા. રાજ્ય સેવકની ફરજમાં રૂકાવટ ઉભી કરવા બદલ ચંપાબેન દિનેશભાઇ પાટણવાડિયા વિરૂદ્ધ વડું પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
