વાવાઝોડાની વચ્ચે વરસાદ પડતા ઠેર ઠેર ઝાડો, દીવાલો અને લોકોના ઘરોના છાપરાના પતરા ઉડી ગયા, વીજળી પડવાના બનાવો પણ બન્યા
દાહોદ તા.૧૪
દાહોદ પંથકમાં આજરોજ સમી સાંજના સમયે અચાનક વાતાવરણ પલટાતા ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા અને ધડાકા સાથે વાવાઝોડાની વચ્ચે વરસાદ પડતા ઠેર ઠેર ઝાડો, દીવાલો અને લોકોના ઘરોના છાપરા ના પતરા ઉડી ગયા હતા વીજળી પડવાના બનાવો પણ બન્યા હતા. સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેર સહિત જિલ્લામાં અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ત્યારે આજરોજ સમી સાંજના ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એક સાથે વીજળીના કડાકા અને ધડાકાની વચ્ચે અને સાથે સાથે વાવાઝોડાની વચ્ચે વરસાદ પડ્યો હતો. ભારે કડાકા ધડાકા સાથે વરસાદ થયો હતો. વચ્ચે ઘણા સ્થળોએ વૃક્ષો ધરાશાય થઈ જવાના બનાવો પણ બન્યા હતા. તો બીજી તરફ એક બે જગ્યાએ વીજળી પણ પડી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેને પગલે લોકોને ગરમી તેમજ બફારાથી રાહત મળી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. એકાએક વીજળીના કડાકા અને ધડાકા સાથે વરસાદ પડતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.
ગોડિરોડ વિસ્તારમાં દાળ મીલ ના શેડના છાપરા અને લગભગ 40 ફૂટ લાંબી દીવાલ પડી ગઈ હતી. લિટલ ફ્લાવર શાળાની પણ દીવાલ પડી ગઇ હતી. કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી.
