અલ્પેશ મજુમદારે લાજ બચાવા પીગળેલા ડામર પર રેતી છાંટી!
વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી સમસ્યા અને અન્ય કામકાજ અંગે સ્થળ મુલાકાતે નીકળ્યા હતા. તેઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ માટે ગયા ત્યારે રસ્તા પર થયેલી બેદરકાર કામગીરીની સાક્ષાત અનુભૂતિ થઇ. કમિશનર જ્યારે સમા બ્રિજ પાસે વિશ્વામિત્રી પ્રોજેક્ટની નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે પાલિકા દ્વારા નવા બનાવાયેલા ડામર રોડ પર તેઓએ પગ મૂક્યો, પણ પગ મૂકતાંજ તેમનો પગ ડામર પર ચોંટી ગયો. આ દ્રશ્ય જોઈ કમિશનર અકળાઈ ગયા અને હાજર અધિકારીઓ પર ગુસ્સે થયા. તેમણે હાજર અધિકારીઓને કહ્યું, “રોડ તો રાજસ્થાનમાં પણ બને છે, ખબર છે ને?” આટલું બોલતાંજ આસપાસના અધિકારીઓ સ્થિર થઈ ગયા.
આ સમગ્ર ઘટનાની લાજ બચાવવા માટે હાજર સિટી ઇજનેર અલ્પેશ મજુમદારે બાજુમાં પડેલી રેતી લાવીને પીગળેલા ડામર પર છાંટવાનું નાટક કર્યું. નોંધનીય છે કે, સિટી ઇજનેર અલ્પેશ મજુમદારને અગાઉ પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી પહોંચાડવાના મુદ્દે સસ્પેન્ડ કરાયા હતા.
શહેરમાં અવારનવાર ડામર રોડ પીગળવાના બનાવ સામે આવતા રહે છે. ત્યારે રોડ શાખાના અધિકારીઓ કહે છે કે, “ડામર ત્યારે જ પીગળે જ્યારે કામ સારું થયેલું હોય.” પણ હવે જ્યારે કમિશનર પોતે જ આવી સ્થિતિનો ભોગ બન્યા છે, ત્યારે હવે આગળ શું નિર્ણય લેવાય છે તે જોવું રહેશે.
