વડોદરામાં સ્મશાનોનું ખાનગીકરણ વિરોધના ઘેરામા
મફતમાં મળી રહેલી સેવાના દસ કરોડ ખર્ચ કરવાના નિર્ણય બાદ વિવાદ સર્જાયો
વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયથી ચાલતી સ્મશાન વ્યવસ્થાને લઇને નવા વિવાદની શરૂઆત થઈ છે. વર્ષોથી શહેરના 31 સ્મશાનોમાં મફતમાં સેવા આપતું જલારામ સેવા ટ્રસ્ટ હવે સંકટમાં મૂકાયું છે. આ સેવાને વડોદરા મહાનગર પાલિકા હવે ખાનગી ઈજારદારોના હવાલે કરવા જઈ રહી છે, જેને લઈ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાણકારી અનુસાર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં શહેરના તમામ 31 સ્મશાનોનું સંચાલન આઉટસોર્સિંગ પદ્ધતિથી એજન્સીઓને સોંપવામાં આવશે. નવી યોજનાના હેઠળ લાકડા, ઘાસ (પુડા), છાણા, ગેસ બિલ, લાઈટ બિલ અને કર્મચારીઓનો પગાર સંબંધિત ટ્રસ્ટ આપશે અને પછી તેનો બાકી ખર્ચ કોર્પોરેશન ચૂકવશે. આ નિર્ણય સામે નાગરિકો તેમજ વિપક્ષ કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, વર્ષોથી જ્યાં સુધી શહેરના સ્મશાનો પર કોર્પોરેશનનો એક પણ રૂપિયા ખર્ચાતા નહોતા અને તમામ કામગીરી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા મફતમાં ચલાવવામાં આવતી હતી, ત્યાં હવે લગભગ દસ કરોડ રૂપિયાનું બોજું શા માટે સરકારી તિજોરી પર મૂકવામાં આવી રહ્યું છે?
જલારામ સેવા ટ્રસ્ટના સેવાકાર્ય અંગે સ્થાનિક લોકો કહે છે કે, તેઓ છેલ્લા ઘણાં વર્ષોથી પોતાનું દાન મેળવીને સ્મશાન સંચાલન કરી રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા કર્મચારીઓ માટે રહેવાનું, જમવાનું, પગાર, તમામ સુવિધાઓ આપવામાં આવે છે અને કોર્પોરેશનને કોઈ ખર્ચ નહીં થાય એવો વ્યવસ્થિત મોડલ અમલમાં છે. ટ્રસ્ટના દાવા અનુસાર, અગાઉ મરણ અંગે પાવતી કોર્પોરેશન જ આપતું હતું, પણ છેલ્લા બે વર્ષથી પાવતી જલારામ ટ્રસ્ટ જ આપે છે. જોકે, નાગરિકોના આરોપ અનુસાર, કોર્પોરેશન હાલમાં પાવતી વ્યવસ્થાનું યોગ્ય નિર્માણ પણ કરી શકતું નથી, જે ચિંતા જનક બાબત છે.
ખાનગી એજન્સીઓના હવાલે વડોદરાના 31 સ્મશાનો
પાલિકાના આરોગ્ય અમલદાર ડૉ. દેવેશ પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ખાનગીકરણ કર્યા બાદ મૃતકના પરિવાર પાસે કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવશે નહીં. વધુમાં તેમણે જણાવ્યું કે, શહેરના 31 સ્મશાનોમાં કુલ 300 જેટલા કર્મીઓ પણ કામ કરશે. પરંતુ કયા સ્મશાનમાં કેટલા કર્મીઓ કામ કરશે અને શું કામ કરશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી તેમણે આપી નહોતી. ઉલ્લેખનીય છે કે, સ્મશાનના ખાનગીકરણ બાદ ત્રણ એજન્સીઓને સ્મશાન સંચાલનની કામગીરી સોંપવામાં આવી છે. જેનો કુલ ખર્ચ દસ કરોડ જેટલો થવાનો છે.
