તાત્કાલિક રસ્તો બંધ કરી આગને કાબુમાં લેવા ખેડા અને નડિયાદના ફાયર ફાયટરો કામે લાગ્યાં
ખેડા:
ખેડા શહેરની વચોવચ મુખ્ય બજારમાં આવેલી રાઇસ મીલમાં શુક્રવારના રોજ એકાએક ભયાનક આગ લાગી હતી. આ આગના કારણે થોડા સમય માટે ભાગદોડ મચી હતી. જોકે, તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો બંધ કરી આગને કાબુમાં લેવા ખેડા અને નડિયાદ ફાયર ફાયટરની મદદ લીધી હતી.
ખેડા શહેરના બસ સ્ટેન્ડની સામે જ આવેલી રાઇસ મિલમાં શુક્રવારના રોજ બપોરના સુમારે આગ લાગી હતી. આ આગે જોત જોતના વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, આ વિસ્તારમાં મુખ્ય બજાર હોવાથી તંત્ર પણ સાબદુ બન્યું હતું અને પોલીસની મદદથી તાત્કાલિક વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો.

આગને કાબુમાં લેવા ખેડા અને નડિયાદના ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ બનાવની ગંભીરતાના પગલે ખેડા પ્રાંત અધિકારી, મામલતદાર ખેડા, ટાઉન પોલીસ, માતરના ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.
