દરરોજના 1800 થી 2000 દર્દીઓ સાથે ઓપીડીમાં વધારો
શનિવારે સાત જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસો નોંધાયા

(પ્રતિનિધિ) વડોદરા તા. 05
ચોમાસાની ઋતુમાં શહેરના એસ.એસ.જી. હોસ્પિટલના મેડિકલ કોલેજ ના દસ રેસિડેન્ટ તબીબો સહિત ગત સપ્તાહે કુલ 13 લોકોના ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે જ્યારે શનિવારે વધુ 7 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ જણાયા છે જેના કારણે આરોગ્ય વિભાગ અને પાલિકાના તંત્ર દ્વારા સંયુક્ત રીતે એસ.એસ.જી. હોસ્પિટલમાં યુધ્ધના ધોરણે સફાઇ, ફોગીંગ,દવા છંટકાવ સહિતના પગલાં લેવામાં આવ્યાં છે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ કે જ્યાં ગુજરાત રાજ્ય સિવાય મધ્યપ્રદેશ, રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યના જરુરિયાતમંદ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે સાથે જ અહીં મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન તબીબો,રેસિડેન્ટ ડોક્ટર્સ પણ રહે છે જેઓ દર્દીઓની સારવાર કરે છે પરંતુ હાલમાં ચોમાસાની ઋતુમાં દર્દીઓને સારવાર આપતા એસ.એસ.જી.હોસ્પિટલના જ દસ જેટલા દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા જેમાંથી એક રેસિડેન્ટ તબીબ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે બીજા રેસિડેન્ટ તબીબો પોતાના વતનમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે અન્ય ત્રણ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે શનિવારે વધુ સાત જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસો આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલમાં ચોમાસાની ઋતુમાં એસ.એસ.જી.હોસ્પિટલમા ઓપીડી દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે દરરોજના અઢાળસો થી બે હજાર દર્દીઓ ઓપીડીમા નોધાઇ રહ્યા છે.

હોસ્પિટલ નું આરોગ્ય વિભાગ તથા પાલિકા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે
ગત સપ્તાહે એસ.એસ.જી.હોસ્પિટલના 10 રેસિડેન્ટ તબીબો સહિત કુલ 13 લોકોના ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા છે જ્યારે શનિવારે સાત જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસો નોંધાયા છે. એસ.એસ.જી.હોસ્પિટલમા નવી કંસ્ટ્રકશન સાઇટ તથા બિલ્ડિગની આસપાસ વરસાદી પાણી સહિત અન્ય કારણોસર મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા તંત્ર સાથે હોસ્પિટલના આરોગ્ય તંત્ર દ્વારા દવાનો છંટકાવ, સ્વચ્છતા, ફોગીંગ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે અને જ્યાં પણ પાણી ભરાઇ રહેતા હોવાની શક્યતા, સ્વચ્છતા વિગેરેની જરુરિયાત હશે ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
-ડો.હિતેન્દ્ર ચૌહાણ,આર.એમ.ઓ., એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા
