Columns

તું પરફેક્ટ જ છે

સાહિલ અને સૌમ્યાના ભવ્ય રીતે લગ્ન થયાં. દરેક જણ તેમને જોઈને કહી શકતું હતું કે તેમનો પ્રેમ સાચો છે.બધાં જ બહુ ખુશ હતાં. થોડાક મહિનાઓ પ્રેમભરેલા વીત્યા બાદ, સૌમ્યાએ પતિ સાહિલ સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો “મેં થોડાક સમય પહેલાં એક મેગેઝિનમાં વાંચ્યું કે આપણે લગ્નજીવન કેવી રીતે મજબૂત કરી શકીએ. આપણે બંને એકબીજા પ્રત્યેની અણગમતી ટેવોની યાદી બનાવીશું, ત્યાર બાદ આપણે સાથે મળીને એ કુટેવોને સુધારવાનો પ્રયાસ કરીશું, જેથી આપણે લગ્નજીવન વધુ સારી રીતે જીવી શકીએ.”

સાહિલે વાત માની અને બંને જણા ઘરના અલગ અલગ રૂમમાં જઇ યાદી બનાવવા લાગ્યાં. તેઓ બાકીનો પૂરો દિવસ તેના પર વિચાર કરીને કાગળમાં લખવા લાગ્યાં.બીજી સવારે બંને નાસ્તો કરતી વખતે નક્કી કર્યું કે હવે આપણે બંનેની યાદી જોઈએ. સૌમ્યા બનાવેલ યાદી પૂરાં ત્રણ પાનાંઓથી ભરાઈ ગઈ હતી.તેણે કહ્યું, ‘પહેલાં હું વાંચું છું.’અને તેણે યાદી વાંચવાનું શરૂ કર્યું. એક પાનું વાંચ્યા પછી તેનું ધ્યાન ગયું કે તેના પતિ સાહિલની આંખમાંથી આંસુ નીકળતા હતા. એટલે તેણે પૂછ્યું કે “શું થયું”. એમાં સાહિલે જવાબ આપ્યો કે “કંઈ નથી થયું, તું વાંચવાનું ચાલુ રાખ. “ એટલે સૌમ્યાએ વાંચવાનું આગળ વધારી ત્રણેય પાનાં વાંચી નાખ્યાં અને યાદી ટેબલ પર મૂકી દીધી. સૌમ્યા બોલી, ‘હવે તમે તમારી બનાવેલી મારી અણગમતી ટેવોની યાદી વાંચો, પછી આપણે ચર્ચા કરીશું. પતિએ એકદમ શાંત થઈને કહ્યું, “ આ ડાયરીમાં મેં બધું લખ્યું છે.”સૌમ્યા હસી કે, ‘આખી ડાયરી ભરીને મારી ન ગમતી ટેવો લખી છે.

સાહિલે ડાયરી તેની સામે મૂકી. ડાયરીના પહેલા પાના પર સૌમ્યાનું નામ લખ્યું હતું અને અંદર બીજા પાને મોટા અક્ષરે લખ્યું હતું કે મારા દિલમાં તું જ તું છે અને મારી પાસે કોઈ યાદી નથી. મને લાગે છે કે તું જેવી છે તેવી જ મારા માટે પરફેક્ટ છે. મારે તારી કોઈ ટેવ બદલાવી નથી. તું ખૂબ જ પ્રેમાળ અને સુંદર છે તો શા માટે હું તને બદલું ?” ડાયરીનું લખાણ વાંચીને સૌમ્યા રડવા લાગી અને તેને પોતે બનાવેલી યાદીના ત્રણ પાનાં ફાડી નાંખ્યાં અને સાહિલને ભેટી પડી. યાદ રાખો, મિત્રો, કોઈ જ પરફેક્ટ નથી હોતું, પણ આપણે તેમને જે રીતે જોવા માગીએ છીએ એ રીતેની પરફેક્ટનેસ તેમનામાં શોધવી પડે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top