Comments

તમે વજન ઘટાડશો. બોજા ઘટાડી શકશો?

‘વળી થોડાએક દિવસો પછી મેં એક સર્વેયર મિત્રને બોલાવ્યા અને તેમને શાળા માપીને શાળાનો નકશો કરવાનું કહ્યું. હું અને તે શાળાનો પ્લૅન માપતા હતા અને છોકરાઓ સાથે ફરતા હતા.

છોકરાઓની નજરોનજર મકાનનો નકશો કાગળ ઉપર કેમ દોરાય તે અમે કરી બતાવ્યું. બે-પાંચ દિવસ છોકરાઓને મેં સર્વેયરની ઓફિસમાં જ મોકલ્યા અને ત્યાં ડ્રાફટસમૅનો શેરીના, ગામના, સીમના વગેરે નકશાઓ કેમ દોરે છે તે દેખાડ્યું.

એક-બે વાર છોકરાઓને મોજણીદાર સાથે સીમમાં લઈ ગયો અને પ્રત્યક્ષ મોજણીનું કામ બતાવ્યું. નિશાળમાં છોકરાઓ નિશાળને, ઓરડાને, પોતાના ઘરને, શેરીને અને કોઈ કોઈ વખત કોઈ કૂવા કે તળાવને ચીતરવા લાગ્યા. ચિત્રનું કામ વધારવા છોકરાઓને કુદરતમાં ફરવા લઈ જતો.

કોઈ વસ્તુને આંખમાં ખ્યાલ કેમ આવે તેની રમતો રમાડતો – જેવી કે કોક ઝાડ ઉપર નજર નાખતાં વેંત થડ-ડાળી કેવાં છે તે જોઈ લઈને આંખ બંધ કરી તે કાગળ ઉપર ચીતરી લાવે; સૂર્યોદય વખતના રંગોની સામે જોઈ રહી તેનું ધ્યાન કરે, સંધ્યાકાળના ફરતા રંગેની ખૂબીઓ જુએ; દૂરથી ઝાડ કેવું દેખાય છે અને પાસેથી કેવું લાગે છે તેનો જાતઅનુભવ કરે; ઝાડ, પદાર્થ, પર્વત, માણસ અને એના પડછાયા કેવા પડે છે તે ધ્યાન પર લે.

આ રીતે અમારું ચિત્રકામ ચાલતું હતું.’

આ ફકરો ૧૯૪૨ માં પ્રકાશિત એક ચિરંજીવ પુસ્તકમાંથી લીધો છે. પુસ્તકનું નામ ‘દિવાસ્વપ્ન’ અને લેખક ગિજુભાઈ બધેકા. પરંપરાગત અને કેવળ પુસ્તકિયા એવા નીરસ શિક્ષણની સરખામણીએ બાળકોને રસ પડે એવી પદ્ધતિએ શિક્ષણ આપવાના એક શિક્ષકના પ્રયાસની તેમાં વાત છે. આટલાં વરસો પછી પણ આવો અભિગમ લગભગ દિવાસ્વપ્ન જેવો જ રહ્યો છે એમ લાગ્યા વિના રહે નહીં.

કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે એનસીઈઆરટીના વિવિધ સર્વેના આધારે ‘સ્કૂલ બેગ પોલિસી ૨૦૨૦’ ઘડી છે અને વિવિધ રાજ્યોને તે મોકલવામાં આવી છે. આ નીતિના નામ અનુસાર તેમાં સ્કૂલ બેગ કેન્દ્રસ્થાને છે. એટલે કે તેમાં સ્કૂલ બેગના વજનને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.

ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓના શારીરિક વજનના ૧૦ ટકા જેટલું વજન તેમની સ્કૂલબેગનું હોવું જોઈએ અને આ બાબતને સુનિશ્ચિત કરવા માટે દરેક શાળામાં ડિજિટલ વજનકાંટો મૂકવામાં આવશે. પ્રકાશકોએ પાઠ્યપુસ્તકનું વજન છાપવાનું રહેશે.

બાળકે ઓછાં પુસ્તકો લાવવાં પડે એ રીતે શાળાએ એક જ વિષયના એકથી વધુ તાસ ભણાવવાના રહે તે પ્રમાણે ટાઈમટેબલનું આયોજન કરવાનું રહેશે. આવી બીજી અનેક બાબતોને નિર્ધારિત કરવામાં આવી છે અને તેના માટે વિવિધ આંતરરાષ્ટ્રીય માનકો કે અન્ય સમિતિની ભલામણોને ધ્યાનમાં લેવામાં આવી છે.

શિક્ષણ હવે એક સામાજિક અનિવાર્યતાની સાથોસાથ પૂર્ણ સમયનો વ્યવસાય બની ગયું છે. કોઈ ક્ષેત્રમાં વ્યાવસાયિક અભિગમ પ્રવેશે એટલે તેમાં ગુણવત્તાનું ધોરણ ઊંચું આવે એવી અપેક્ષા અને ઉત્તરદાયિત્વની ભાવના હોવાનું ધારી શકાય.

પણ આ ક્ષેત્રમાં વ્યાવસાયિક અભિગમે કેવળ તેની કિંમતમાં જ વૃદ્ધિ કરી હોય એમ લાગ્યા વિના રહે નહીં. ખાનગી શાળાઓ હોવા સામે કોઈ વાંધો હોઈ શકે નહીં, પણ મૂળ મુદ્દો શિક્ષણની ગુણવત્તાનો છે.

ઘણી બધી ખાનગી શાળાઓ હવે તો નાણાં રળવા માટે, વાલીઓના સામાજિક મોભાના અહમને પોષવા માટે અને બદલામાં ઉત્તરદાયિત્વની ભાવનાનો ઉલાળીઓ કરવા માટેનાં કેન્દ્ર બની રહી હોય એમ જણાય. સામાજિક જવાબદારી, કર્તવ્ય અને ઘડતરની ભાવનાનો સદંતર નહીં તો પણ ઘણે અંશે લોપ થયેલો જણાય છે.

પાઠ્યપુસ્તકિયા શિક્ષણની યાંત્રિકતામાંથી બહાર નીકળવા માટે ‘ભાર વિનાના ભણતર’નો વિચાર ચલણી બન્યો હતો, જેમાં ‘ભાર’નો અર્થ પુસ્તકોનું સ્થૂળ વજન નહીં, પણ ભણતરનો માનસિક બોજો થતો હતો. હવે આખી વાત સ્કૂલબેગના વજન પર આવીને ઊભી રહી ગઈ છે.

‘ભાર વગરના ભણતર’ની ચર્ચા થાય ત્યારે પાઠ્યપુસ્તકો અને અન્ય અભ્યાસલક્ષી પુસ્તકો કેટલાં હોવાં જોઈએ, શાળામાં તેને મૂકી શકાય એ માટે લૉકરની સુવિધા હોવી જોઈએ વગેરે ચર્ચાઓ થાય છે, પણ ભણતરનો માનસિક બોજો શી રીતે ઘટાડવો એની વાત કદી ઉખળતી નથી. એક તરફ શૈક્ષણિક પ્રકાશનોનો આખો ઉદ્યોગ ધમધમે છે અને તેનો મુખ્ય આધાર શાળા કે યુનિવર્સિટીના અભ્યાસક્રમો છે.

આ સામગ્રી મોટે ભાગે પરીક્ષાકેન્દ્રી હોય છે. વિદ્યાર્થીને શું આવડ્યું, શું આવડવું જોઈએ અને એ આવડેલાનો શો ઉપયોગ થવો જોઈએ એ મુદ્દો ક્યાંય હોતો જ નથી. વાત એટલી જ છે કે આ સામગ્રી પરીક્ષામાં ઉત્તીર્ણ થવામાં કામ લાગે છે અને આખા ભણતરનો મુખ્ય હેતુ અથવા સમગ્ર કવાયત આટલા પૂરતી જ છે.

આ વિદ્યાર્થીની વાત થઈ. શિક્ષકોની વાત કરવા જેવી જ નથી. શિક્ષણ સિવાયનાં કામોમાં સરકાર તેમને ફરજિયાત જોતરાયેલા રાખે એ બાબત હવે સામાન્ય થઈ ગઈ છે. શીખવાની આવશ્યકતા કેવળ વિદ્યાર્થીઓને જ નથી હોતી, શિક્ષકે પણ સતત શિક્ષિત થતાં રહેવું પડતું હોય છે. શિક્ષક દિને યા ગુરુપૂર્ણિમાએ શિક્ષકોને કંકુચોખા ચડાવી દેવાથી, તેમનો ચરણસ્પર્શ કરી લેવાથી કે ગળ્યાં અને અર્થહીન અવતરણોના સંદેશા ધકેલવાથી કામ ન ચાલે.

પણ આપણું રાષ્ટ્રીય લક્ષણ હંમેશાં રોગના ઈલાજનું નહીં, લક્ષણોને જ ચર્ચવાનું કે છુપાવવાનું રહ્યું છે. તેને લઈને એટલી ધૂળ ઊડે કે એ શમે ત્યારે પાછળ રહેલો મૂળ મુદ્દો સાવ ભૂલાઇ ગયો હોય. પરિણામે રોગનાબૂદીનો તબક્કો કદી આવતો નથી અને લક્ષણોના ઈલાજમાં જ ઈતિશ્રી માની લેવામાં આવે છે.

એકવીસમી સદીના બબ્બે દાયકા પત્યા અને હવે ત્રીજો દાયકો આરંભાયો. શિક્ષણનીતિ, શિક્ષણપ્રણાલી અંગે ફેરવિચારણા કરવાને બદલે જૂના ખખડધજ મકાનને ત્રાપાટેકા મૂકીને જેમ તેમ કરીને પડતું અટકાવવા જેવા જ ઉપાયો ચાલી રહ્યા છે અને એ ઉપાયોને સિદ્ધિ માની લેવામાં આવે છે. આટલું ઓછું હતું તે હવે શિક્ષણમાં પક્ષકારણે ઘુસણખોરી કરી દીધી છે. એનો અંજામ શો આવશે અને એનાં પરિણામ કેવાં હશે એ ખબર પડશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે.

         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top