SURAT

યુ-ટ્યુબ ચલાવતા કતારગામના યુવકને ધાર્મિક લાગણી દુભાવવા બદલ મારી નાંખવાની ધમકી

સુરત : યુ-ટ્યુબ ચલાવતા (You Tube) કતારગામના યુવકને ધાર્મિક લાગણી દુભાવવા બદલ મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી, તેનો એક વીડિયો(Video) પણ વાઇરલ (Viral) કરવામાં આવતા આ યુવકે સિંગણપોર (Singanpor) પોલીસમાં (Police) બે યુવકોની સામે ફરિયાદ આપી હતી.સિંગણપોર કોઝવે રોડ ઉપર પંચવટી સોસાયટીમાં રહેતો વંદનકુમાર ધીરજભાઇ ભાદાણી યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે. થોડા દિવસ પહેલા બીએપીએસ સંસ્થા દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.માં એક કોર્ષ ચાલુ કરાયો હતો. આ કોર્ષને લઇને વંદને પોતાની યુ-ટ્યુબ ચેનલમાં એક વીડિયો બનાવ્યો હતો અને પોતાના મતંવ્યો રજૂ કર્યા હતા.

  • બીએપીએસ સંસ્થાના બે-ત્રણ યુવકે માફી માંગવાનું કહીને વીડિયો બનાવ્યો
  • કાપી નાંખવાનું કહેતા બે ઇસમોની સામે પોલીસ ફરિયાદ

વંદનને વારંવાર ફોન કરીને ધમકી આપવામાં આવી

આ મંતવ્યોમાં ધાર્મિક લાગણી દુભાઇ હોય વંદનને વારંવાર ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ મિલનગીરી નામના યુવકે ફોન કરીને ધમકી આપી હતી. ત્યારબાદ વરાછાના હિરાબાગથી જીગ્નેશ નામના યુવકે ફોન કરીને ગાળો આપીને કહ્યું કે, તું મારા સમાજનો વિરોધ કેમ કરે છે..? ત્યારબાદ વધુ એક ઋષી ગૌસ્વામી નામના યુવકે ફોન કરીને કહ્યું કે, તારી ઓફિસ 302 સિલ્વર સ્ટોન આર્કેડમાં છે અને મારી ઓફિસ પણ ત્યાં જ છે ત્યાં ઉપર આવી ગોદા મારતા વાર નહીં લાગે, તને જે પણ ફોન આવે છે તે મારા સંગઠનની તાકાત છે.

તું માફી માંગી લે, બધુ અહીંયા જ પતી જશે

આ સાથે જ વંદને ફોન કટ કરી નાંખ્યો હતો. ઋષીએ જે નંબર ઉપરથી ફોન કર્યો હતો. તે જ નંબર ઉપરથી ફરીવાર વંદનને ફોન કરીને જણાવ્યું હતું કે, તું માફી માંગી લે, બધુ અહીંયા જ પતી જશે. ત્યારબાદ વંદનને તેના જ એક મિત્રએ એક વીડિયો બતાવ્યો હતો. જેમાં ઋષી ગૌસ્વામી નામનો યુવક બોલતો હતો કે, સમાજના લાગણી દુભાઇ છે અને હું તથા મારુ સંગઠન તને ગમે ત્યાંથી શોધી કાઢીને હાથ-પગ તોડી નાંખી જાનથી મારી નાંખીશું. બનાવ અંગે વંદને સિંગણપોર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જીગ્નેશ અને ઋષી ગૌસ્વામી નામના યુવકોની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top