Vadodara

તું અહીંયાનો દાદો થઇ ગયો છે, તેમ જણાવી ચપ્પુ વડે હુમલો

વડોદરા: શહેરના કિશનવાડીમાં આવેલ જાગૃતિ મહોલ્લામાં રહેતા યુવક ઉપર ત્રણ શખ્સોએ અહીંયા રોડ ઉપર કેમ બેઠો છે. તું અહીંયાનો દાદો થઇ ગયો છે. તેમ જણાવી ચપ્પુ વડે હુમલો કરી હવે પછી અહીંયા દેખાયો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ત્રેણય હુમલાખોર વિરુદ્ધ મારામારી, ફકધમકીની કોમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અને માહિતી અનુસાર શહેરના કિશનવાડીમાં આવેલ જાગૃતિ મહોલ્લામાં રહેતા વિનોદભાઈ બાબુરાવ આયરે ઘર પાસે કટિંગની દુકાન ધરાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 28 ઓક્ટોબરના રોજ રાત્રે તેઓ જમી પરવારી ઘરની બહાર બેઠા હતા. ત્યારે 11 વાગ્યે કરણ રોહિત, સન્ની જાદવ અને એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યા હતા.

દરમિયાન કરણ રોહિતે અહીંયા રોડ ઉપર કેમ બેઠો છે. તું અહીંયાનો દાદો થઇ ગયો છે. તેમ જણાવી બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતા કરણે પેન્ટના ખિસ્સ્માંથી ચપ્પુ કાઢી તેમની ઉપર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ આજ પછી અહીંયા રોડ પર દેખાયો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા. ત્યારબાદ તેઓએ બુમાબુમ કરતા સ્થાનિકમાં રહેતા લોકો એકત્રિત થઇ ગયા હતા. તેમજ ઈજાગ્રસ્ત વિનોદભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ બનાવ અંગે તેમણે વારસિયા પોલીસ મથકમ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રેણય હુમલાખોર કરણ રોહિત, સન્ની જાદવ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ મારામારી, ફકધમકીની કોમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top