Dakshin Gujarat

મહિલાઓ પાણી ભરતી હતી અને અચાનક જ ટાંકી ફાટી ગઈ

વાંકલ: ઉમરપાડા (Umarpada) તાલુકાના વાડી ગામના વાડી ફળિયામાં થોડા મહિનાઓ (Month) પહેલાં જ મુકવામાં આવેલી પાણીની ટાંકી (Water Tank) અચાનક ફાટી જતા કામ કરનાર કોન્ટ્રાક્ટર (Contractor) અને જવાબદાર સરકારી અધિકારીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે.

15 માં નાણાપંચ સહિત વિવિધ યોજનાઓ હેઠળ ગામમાં પીવાના પાણીની સુવિધા ઉભી કરવા સરકારી તંત્ર દ્વારા થોડા સમય પહેલાં જ વાડીગામના નગીનભાઈ કુમાભાઇ વસાવાના ઘર સામે પાણીની ટાંકી મૂકવામાં આવી હતી પરંતુ જે હલકી કક્ષાના મટીરીયલ વાળી હોવાથી ગણતરીના મહિનાઓમાં જ અચાનક ફાટી ગઈ હતી, આ ઘટના સવારે મહિલાઓ પાણી ભરી રહી હતી ત્યારે બની હતી જેથી મહિલાઓ ગભરાઈ ગઈ હતી. આ બનાવ બનતા જ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવાએ સ્થળ મુલાકાત લીધી હતી તેમણે તાલુકા વિકાસ અધિકારીને આ ઘટનાની જાણ કરી છે. કામ રાખનાર કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માગણી કરી હતી તેમજ ભર ઉનાળામાં સમયે ફળિયાવાસીઓને તાત્કાલિક ધોરણે પીવાનું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

પીઠોર ગ્રામ પંચાયતની ચૂંટણીનો વિવાદ વધુ વકર્યો : યુવાનના માથામાં તલવાર મારી
ભરૂચ: વાલિયા તાલુકાના પીઠોર ગામના મિત્રો લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરતાં હતા ત્યારે રસ્તામાં ગામના એક શખ્સે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમે કેમ જયેશ વસાવાનો પ્રચાર કર્યો કહી યુવક પર તલવારથી હુમલો કર્યો હતો.
વાલિયા તાલુકાના પીઠોર ગામે ૨૫ વર્ષીય કમલેશભાઈ નટવરભાઈ વસાવા ઝઘડિયા GIDCમાં સેન્ટ ગ્લોબીન કંપનીમાં મજુરી કામ કરે છે. તા-૧૦મી મેના રોજ રાત્રે સાડા દસેક વાગ્યે ગામમાં રેવાબેન ગુડ્ડુભાઈ વસાવાની દીકરીના લગ્નમાં તેઓ તેમના બે મિત્રો સાથે ગયા હતા. ત્યાંથી રાત્રે મિત્રો સાથે ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં ગામનો અરવિંદ રૂપસિંગભાઈ વસાવા મળ્યો હતો. તેણે ‘ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમે કેમ જયેશભાઈ રણજીતભાઈ વસાવાનો પ્રચાર કરતા હતા’ એમ કહીને ગોળો બોલી કમલેશભાઈના માથામાં તલવાર મારી દીધી હતી. ત્યાં લગ્નમાંથી આવતા લોકોએ છોડાવ્યા હતા. જતા જતા અરવિંદ વસાવાએ મારી સામે બીજીવાર આવ્યો તો તને જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત કમલેશ વસાવાને ગામના સરપંચ જયેશભાઈ વસાવાએ ૧૦૮ એમ્બુલન્સ વાનમાં વાલિયા સરકારી દવાખાને લઇ જતા સારવાર દરમ્યાન બે ટાંકા લીધા હતા. જે બાબતે કમલેશ વસાવાની ફરિયાદના આધારે પોલીસે અરવિંદ વસાવા વિરૂદ્ધ હિંસક હુમલાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top