SURAT

સુરતના પાલ કોટનના 27.77 કરોડની ઠગાઈના કેસમાં આરોપી આગોતરા જામીન સાથે હાજર થયા

સુરત: જહાંગીરપુરાની (Jahangirpura) પાલ કોટન મંડળી પાસેથી ટુકડે ટુકડે ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાનું ડાંગર ખરીદી 27.77 કરોડનું પેમેન્ટ (Payment) નહીં ચુકવનાર મંડળીના ભૂતપૂર્વ ચેરમેન અને નવસારી સુપાના પૌઆ મિલના માલિક દંપત્તિ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં (Crime Branch) ગુનો (Crime) નોંધાયો હતો. બંને આરોપી આગોતરા જામીન (Bail) સાથે હાજર થતા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી જામીન મુક્ત કર્યા હતા.

ક્રાઈમ બ્રાંચ પાસેથી મળતી માહિતી મુજબ, પાલ કોટન મંડળીના મેનેજર સુરેશભાઈ ભવનભાઈ પટેલએ નવસારી સુપાની પૌંઆ મિલ શ્રી સાંઈ હસ્તી પ્રોડક્ટ લી ના માલિક દંપત્તિ પ્રજ્ઞેશભાઈ રમેશચંદ્ર નાયક અને મોનાબેન પ્રજ્ઞેશભાઈ નાયક અને મંડળીના ભૂતપૂર્વ ચેરમેન જયેશભાઇ શંકરભાઇ પટેલ વિરુદ્ર ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જહાંગીરપુરાની પાલ કોટન મંડળી પાસેથી ટુકડે ટુકડે ત્રણ વર્ષમાં કરોડો રૃપિયાનું ડાંગર ખરીદયા બાદ બાકી નિકળતી રકમ રૂ.27,76,51,350.28 ચૂકવવા માટે વાયદા પર વાયદાઓ કરી પેમેન્ટ આપ્યું નહોતું. દરમિયાન, ત્રણેયે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા કોર્ટે જયેશ પટેલ અને મોનાબેનના આગોતરા જામીન મંજૂર કરતા બંને ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી બાદમાં જામીન મુક્ત કર્યા હતા.

ઠગાઈના ગુનામાં પોલીસ તપાસમાં હાજર નહિ રહેનાર આરોપીના આગોતરા જામીન નામંજૂર
સુરત : સલાબતપુરા વિસ્તારમાં દુકાનો આપીને રૂા.55 લાખ ઉસેટી લઇને ઠગાઇ કરવાના કેસમાં પોલીસ અરજીના કામે પોલીસ સમક્ષ હાજર નહીં થનાર તેમજ પોલીસને તપાસમાં મદદ નહીં કરનાર વેપારીના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા.

આ કેસની વિગત મુજબ સિટીલાઇટ રોડ ઉપર ક્રિશ એન્કલેવમાં રહેતા અનુપચંદ લાલચંદ લાલાનીએ કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. અનુપચંદ લાલચંદ લાલાની તેમજ અન્ય લોકોએ દુકાનનો પ્રોજેક્ટ કરીને એક યુવકની પાસેથી ચાર દુકાનની અવેજમાં રૂા.55 લાખ લઇને ઠગાઇ કરી હતી. ચાર દુકાનના રૂપિયા લઇને દુકાનનો દસ્તાવેજ કરવામાં આવ્યો ન હતો. આ બાબતે સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ અરજી કરવામાં આવી હતી. આ અરજીના કામે અનુપચંદએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેની સામે સરકારી વકીલ દિગંત તેવારએ દલીલો કરતા કહ્યું કે, આ કેસમાં અનુપચંદને પોલીસ દ્વારા લખાવવા માટે ટેલિફોનીક જાણ કરીને નોટીસ આપવામાં આવી હતી. પરંતુ અનુપચંદએ પોલીસમાં પોતાનું નિવેદન લખાવ્યું ન હતું. ચાર-પાંચ દિવસ બાદ અનુપચંદ જાતે જ પોલીસ મથકમાં આવ્યો અને કહ્યું કે, ઘણો લાંબો સમય થયો છે, મને કશુ જ યાદ નથી. પોલીસે અનુપચંદને પુરાવા રજૂ કરવા માટે થોડો સમય પણ આપ્યો હતો, પરંતુ અનુપચંદ પોલીસમાં પૂરાવા રજૂ કર્યા નથી અને તપાસ દરમિયાન હાજર પણ રહ્યો નથી. સલાબતપુરા પોલીસે અનુપચંદને તેના ઘરે જઇને નિવેદન આપવા માટે જણાવ્યું હતું પરંતુ અનુપચંદ પોતાના ઘરે મળી આવ્યો નથી, અનુપચંદ પહેલાથી જ પોલીસને તપાસમાં મદદ કરતો નથી, જો અનુપચંદને આગોતરા જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે ચેડા કરે તેમ છે. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ અનુપચંદના આગોતરા જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

Most Popular

To Top