Columns

આપણી અંદર જ

એક હોશિયાર ઝવેરીની આ વાર્તા સાંભળી જ હશે.એક બહુ જ સફળ અને બુધ્ધિશાળી ઝવેરી હતો.તેની પાસે હંમેશા કિંમતી રત્નો અને ઝવેરાતો રહેતા.અને તેને વેચવા માટે તેને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જોખમ સાથે રાખીને મુસાફરી કરવી પડતી.પણ તે હંમેશા એકદમ સાવચેત રહેતો. એક વખત ત્રણ નામચીન ચોર જેઓ ચતુર ઠગ હતા તેમને ઝવેરીનું ચ્વેરત ચોરવાની યોજના બનાવી.ત્રણ જન સાથે જાય તો પકડાઈ જવાનો ડર હતો.એક પછી એક ચોર વેશ પલટો કરી ઝવેરી સાથે દોસ્તી કરવાનું નક્કી કર્યું.

પહેલો ચોર મોટો વેપારી બની ઝવેરીને મળ્યો.તેની સાથે મોટા સોદાની વાતો કરી અને પછી તેની સાથે જ મુસાફરીમાં આગળ જોડાઈ ગયો.રાત્રે મોકો મળતા તેને ઝવેરીનું ઝવેરાત ચોરવાની કોશિશ કરી તેનો બધો સામાન જોઈ લીધો પણ ક્યાંય ઝવેરાત મળ્યું નહિ.તે બીજે દિવસે ઝવેરીની રજા લઇ પોતાના ચોર દોસ્તો પાસે ગયો અને કહ્યું, ‘આ ઝવેરી પાસે કઈ નથી તેના સામાનમાંથી  કઈ પણ મળ્યું જ નથી.’

બીજા ચોર બોલ્યા, ‘ખબર ખોટી ન હોય અમે પ્રયત્ન કરીએ.’ બીજા બંને ચોર ગુરુ અને ચેલો બની ઝવેરીને મળ્યા.અને ચેલો પોતાના ગુરુની સિધ્ધિઓની મોટી મોટી વાતો ઝવેરીને કરવા લાગ્યો અને ઝવેરીને વિનંતી કરી કે શું અમે આજે તમારી સાથે રાતવાસો કરી શકીએ આવતીકાલે વહેલી સવારે નીકળી જશું. ઝવેરીએ હા પાડી અને રાત્રે બધા સુઈ ગયા બાદ ગુરુ અને ચેલાના વેશમાં બે ચોર ઝવેરીનું ઝવેરાત શોધવા ઉઠ્યા પણ ક્યાંય ઝવેરાત મળ્યું જ નહિ.થાકીને તેઓ વહેલી સવારે તેઓ ઝવેરીની રજા લઇ નીકળી ગયા.

ત્રણ ચોર મળ્યા, કે ખબર ખોટી હતી ઝવેરી પાસે કઈ જ ન હતું.ત્યાજ ખબર મળ્યા કે નગરના રાજાએ ઝવેરી પાસેથી લાખોના દાગીના ખરીદ્યા.ચોરોને નવાઈ લાગી. તેઓ ઝવેરી પાસે ગયા અને પોતાની સાચી ઓળખ અને ચોરીના ઈરાદા સાથે આવ્યા હતા તે કબુલ કર્યું.અને પછી કહ્યું, ‘અમે ક્યારેય થાપ ખાધી નથી, પરંતુ આપ બહુ હોશિયાર નીકળ્યા અમને જણાવો કે તમે તમારું ઝવેરાત કોની પાસે અને કયા સંતાડયું હતું?’ ઝવેરી હસ્યો અને બોલ્યો, ‘તમારી પાસે તમારા સામાનમાં જ મારું ઝવેરાત હતું.હું કોઈ પર પણ વિશ્વાસ કરતો નથી.

રાત્રે મેં બંને વખત તમારા સામાનમાં ઝવેરાત મૂકી દીધું કારણ કે મને ખાતરી હતી કે તમે મારો બધો સામાન ફેંદી વળશો પણ પોતાના સામાનને નહિ તપાસો.’ આ હોશિયાર ઝવેરીની વાત સમજવા જેવી છે. ઈશ્વર એક હોશિયાર ઝવેરી છે અને તેણે આપણી અંદર ખુશી, આનંદ, શાંતિ, સંતોષ, સુખ જેવા  અનેક મુલ્યવાન ઝવેરાત મુક્યા છે.પણ આપણે ચોરની જેમ બધું બાહર શોધીએ છીએ.આપણી અંદર જ જોવાનું અને શોધવાનું ભૂલી જઈએ છીએ.ચાલો આપણી અંદર જીવનનું અમુલ્ય ઝવેરાત શોધીએ. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top