Dakshin Gujarat

વિલ્સન હિલનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, વરસાદી માહોલમાં સાપુતારા પ્રવાસીઓથી ઉભરાયું

વલસાડ: (Valsad) વરસાદની સિઝન શરૂ થતા જ વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળ તરીકે જાણીતા ધરમપુર તાલુકાના વિલ્સન હિલનું (Wilson Hill) સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જેને નિહાળવા અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ (Tourist) આવી રહ્યા છે. વલસાડ એસ.ટી ડેપો દ્વારા પણ પ્રતિ રવિવારે વિલ્સન હિલ સુધી એસટી સેવા દોડાવવા તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ વિવિધ સ્થળોએ ધોધ અને લીલાછમ ડુંગરો સહિત ધાર્મિક સ્થળો આવ્યા છે. જે માટે પણ સરકારી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉભી કરાય તે જરૂરી છે.

વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખિલી ઉઠતાં સાપુતારા પ્રવાસીઓથી ઉભરાયું
સાપુતારા : ડાંગ જિલ્લામાં વરસાદ ધીમો પડ્યો છે. જિલ્લાનાં ખેડૂતો ખેતરોમાં ડાંગરની રોપણીમાં જોતરાઈ ગયા છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ વિધિવત રીતે સક્રિય બની ચુકી છે. જેના પગલે ડાંગની વનરાજી પણ નવપલ્લવીત બની મહેકી ઉઠી છે. વરસાદી માહોલમાં ડાંગ જિલ્લામાં નદી, નાળા, ઝરણાઓ અને જળધોધ પણ ઓવરફ્લો બની ખીલી ઉઠ્યા છે. શનિવારે હળવા વરસાદી માહોલમાં સાપુતારા ખાતે પ્રકૃતિનો નજારો માણવા માટે પ્રવાસીઓનું કીડીયારૂ ઉમટી પડ્યું હતું.સાથે ધુમ્મસીયા વાતાવરણનાં પગલે પ્રવાસી વાહન ચાલકોને હેડલાઈટ અને સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.

ડાંગ જિલ્લાનાં વઘઇ, આહવા સુબિર સહીતનાં પંથકોમાં શુક્રવારે રાત્રીનાં અરસામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. જ્યારે શનિવારે દિવસ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ક્યાંક ઝરમરીયો તો ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ પડતા સર્વત્ર પંથકોનું વાતાવરણ ખુશનુમામય બની જવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 11 મીમી, આહવા પંથકમાં 29 મીમી અર્થાત 1.16 ઈંચ, સુબિર પંથકમાં 48 મીમી અર્થાત 1.92 ઈંચ જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 68 મીમી અર્થાત 2.72 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top