Comments

માલદીવ તરફ જઈ રહેલા ચાઈનીઝ જહાજ ભારત માટે ચિંતાનો વિષય શા માટે છે?

માલદીવમાં ચીનના સંશોધન જહાજની મુલાકાતે ભારતમાં ચિંતા પેદા કરી છે. ચીન આ જહાજને સંશોધન જહાજ તરીકે વર્ગીકૃત કરે જે હિંદ મહાસાગરના તળિયાના મેપિંગનું કાર્ય કરે છે એવું ચીનનું કહેવું છે પરંતુ ભારતીય અધિકારીઓ તેને એક જાસૂસી જહાજ માને છે. શ્રીલંકાએ ચીનના જહાજને તેના ક્ષેત્રમાં લાંગરવાની પરવાનગી નથી આપી. જો કે, માલદીવે ભારતના વાંધાઓ છતાં જહાજને તેના પાણીમાં ડોક કરવા માટે આવકાર્યું છે. આ ઘટનાને તાજેતરના ભારત-માલદીવ તણાવ સાથે જોડીને જોવામાં આવે છે.

માલદીવની નવી ચૂંટાયેલ સરકાર, સ્પષ્ટ રીતે ભારતવિરોધી પ્રચાર અને ઝુંબેશ સાથે સત્તા પર આવી છે અને ભારતને માલદીવમાંથી તેના સૈનિકો પાછા ખેંચવા માટે કહેવામાં આવ્યું છે. પ્રશ્ન એ છે કે શા માટે ભારત ચીનના જહાજ દ્વારા હિંદ મહાસાગરમાંથી માલદીવ તરફ જવાથી નાખુશ છે. ચાર-પાંચ દિવસ પહેલાં જ સમાચાર આવ્યા કે ચીનનું સંશોધન જહાજ, ઝિયાંગ યાંગ હોંગ-૩, આગામી અઠવાડિયામાં માલદીવની મુલાકાત લેશે. આ જહાજે અગાઉ શ્રીલંકાની મુલાકાત લેવાની પરવાનગી માંગી હતી પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી. ભારત સરકાર જહાજની હિલચાલથી વાકેફ છે અને તેના પર બારીકાઈથી નજર રાખી રહી છે.

મુઇઝુ સરકારે જાહેરાત કરી હતી કે ઉક્ત જહાજ ઓપરેશનલ ટર્ન અરાઉન્ડ (OTR) માટે માલે આવી રહ્યું છે, જે ખોરાક અને તેલનો પુરવઠો ભરવા માટેનો વપરાતો શબ્દ છે. આ અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ચીન સરકાર દ્વારા કર્મચારીઓની અવરજવર અને OTR માટે જરૂરી મંજૂરીઓ માટે રાજદ્વારી વિનંતી કરવામાં આવી હતી. જહાજ માલદીવના પાણીમાં હશે ત્યારે કોઈ સંશોધન કરશે નહીં. જોવાનું એ રહે છે કે ચીની જહાજ માલદીવ સરકારના નિયમનું કડક પાલન કરશે કે પછી આદેશ છતાં દેખરેખ હાથ ધરશે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં, આવા સંખ્યાબંધ ચીની જહાજો હિંદ મહાસાગરની મુલાકાતે આવ્યા છે. ભારત ચિંતિત છે કે અદ્યતન સર્વેલન્સ ક્ષમતાઓથી સજ્જ આ જહાજો, સંવેદનશીલ ભારતીય સૈન્ય પરીક્ષણોની જાણકારી મેળવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ચીની જહાજો દ્વારા સમુદ્રતળ અને મહાસાગરો સંબંધિત ડેટાને એકત્રિત કરવામાં આવે છે જેનો ઉપયોગ ચીન ભવિષ્યમાં જો કોઈ વિવાદ ઊભો થાય તો તે માટેની યોજના બનાવવા અને યુદ્ધ દરમિયાન સબમરીનના સંચાલન માટે ઉપયોગી થઈ શકે છે.

માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહના કાર્યકાળ દરમિયાન, માલદીવનો ચીન સાથેનો લશ્કરી સહયોગ ખૂબ ઓછો હતો. તાજેતરમાં જ માલદીવના નવા ચૂંટાયેલા પ્રમુખ મોહમ્મદ મુઇઝુ સંબંધો સુધારવાના ભાગરૂપે ચીનની મુલાકાતે જઇ આવ્યા છે અને ત્યાર બાદની આ ચીની સંશોધન જહાજની મુલાકાત સૂચક છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ તરીકે તેમની પ્રથમ મુલાકાતનું સ્થળ ચીન હતું અને ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ચીન અને માલદીવના દ્વિપક્ષીય સંબંધોમાં આવેલો સુધારો હિંદ મહાસાગરમાં ચીનની સૈન્ય ગતિવિધિમાં વધારો કરી શકે છે. જો કે, મુઇઝુની સરકારે ચીન સાથેના સંયુક્ત નિરીક્ષણ સુવિધા માટેના પ્રસ્તાવને આગળ ધપાવ્યો નથી.

જે ચીન તરફ વધુ પડતું ઝૂક્યા વિના આ ક્ષેત્રમાં ભારતના પ્રભાવને સંતુલિત કરવાની મુઈઝુની ઈચ્છા તરફ ઈશારો કરે છે. ભારતે હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ ભારતને પસંદ આવે એવી આ વાત નથી. મુઇઝુની સરકારે ભારતીય સૈન્ય સાથેના હાઇડ્રોગ્રાફિક સહકાર અંગેના કરારની મુદત પૂરી થયા પછી ભારતીય સૈન્ય કર્મચારીઓને દેશ છોડવા માટે પણ કહ્યું છે. ચીની સર્વેલન્સ જહાજ હાલમાં દક્ષિણ પશ્ચિમ હિંદ મહાસાગર ક્ષેત્રમાં છે અને પાંચમી ફેબ્રુઆરીએ માલે બંદર પર ડોક થવાની ધારણા છે. માલદીવ અને શ્રીલંકામાં ચીનના જહાજોની અગાઉની મુલાકાતો દરમિયાન પણ ભારતે નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. ચીની જહાજની માલદીવની મુલાકાત બંને પક્ષો વચ્ચેના તણાવમાં વધારો કરશે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top