National

રાહુલ ગાંધીને બે વર્ષની સજા કેમ? સુરતની કોર્ટે કહ્યું…

સુરત: વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મોદી અટક અંગે વિવાદાસ્પદ ટીપ્પણીના મામલે કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ અને લોકસભાના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતની સેશન્સ કોર્ટમાં ચાલી રહેલાં કેસમાં આજે કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો. માનહાનિના આ કેસમાં રાહુલ ગાંધીને કસૂરવાર ઠેરવી સુરતની સેશન્સ કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. સજા સંભળાવતી વખતે કોર્ટે કહ્યું હતું કે.., ઓછી સજાથી ખોટો સંદેશ જશે, ચૂકાદામાં બીજી શું ટીપ્પણી કોર્ટે કરી તે જાણીએ…

ચાર વર્ષ અગાઉ વર્ષ 2019માં સુરત પશ્ચિમ બેઠકના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદીએ દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટમાં આરોપી રાહુલ ગાંધીએ લેખિત માફી માંગી હતી અને ભવિષ્યમાંઆવી બાબતોનું પુનરાવર્તન નહીં કરે તેવી ખાતરી આપી હતી. સુપ્રીમ કોર્ટે પણ ભવિષ્યમાં આવી બાબતોનું પુનરાવર્તન નહીં કરવા ચેતવણી આપી હતી. વકીલે પણ એવી દલીલ કરી હતી કે રાહુલ ગાંધી સાંસદ સભ્ય છે તેમને આ પ્રકારનું વર્તન શોભતું નથી.

સુરતની સેશન્સ કોર્ટે શું ટીપ્પણી કરી?
કોર્ટે કહ્યું, સુપ્રીમ કોર્ટે આરોપીને સાવધાન રહેવાની સલાહ આપી હતી તેમ છતાં તેમના વર્તનમાં કોઈ ફેરફાર થયો નથી. આરોપી પોતે સાંસદ સભ્ય છે અને પ્રજાને સંબોધવાની તેમની રીતે ગંભીર છે. તેનો ખૂબ જ વ્યાપક પ્રભાવ છે અને અપરાધ પણ ખૂબ ગંભીરત છે. જો આરોપીને ઓછી સજા કરવામાં આવે તો પ્રજામાં ખોટો સંદેશ જશે અને માનહાનિનો હેતુ સિદ્ધ થશે નહીં. તેથી દરેક તથ્યો પર વિચાર કર્યા બાદ આરોપીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવવામાં આવે છે. 2 વર્ષની સાદી કેદની સજા આપતા કોર્ટે વધુમાં કહ્યું કે, વળતર અને દંડનો આદેશ આપવો ન્યાયસંગત જણાતો નથી, તેથી ન્યાયના હિતમાં 2 વર્ષની સાદી કેદનો આદેશ આપવામાં આવે છે.

30 દિવસ માટે સજા સ્થગિત કરી રાહુલ ગાંધીને જામીન અપાયા
રાહુલ ગાંધીના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા અને તેમને હાઈકોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપવા માટે 30 દિવસની સજાને સ્થગિત કરી દીધી છે.

ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર હતા
ગુજરાત હાઈકોર્ટે રાહુલની અંગત હાજરીની માંગ કરતી ફરિયાદીની અરજી પરનો સ્ટે ઉઠાવી લીધા બાદ ગયા મહિને આ કેસમાં અંતિમ દલીલો શરૂ થઈ હતી. રાહુલ ગાંધી આ કેસમાં પોતાનું નિવેદન આપવા માટે છેલ્લી વખત ઓક્ટોબર 2021માં સુરત કોર્ટમાં હાજર થયા હતા. અગાઉ, કોંગ્રેસ સાંસદ તેમના પર લાગેલા આરોપો માટે દોષિત ન હોવાની દલીલ કરવા માટે કોર્ટમાં હાજર થયા હતા. આજે જ્યારે આ કેસમાં કોર્ટે સજા સંભળાવી ત્યારે રાહુલ ગાંધી કોર્ટ રૂમમાં હાજર રહ્યાં હતાં.

રાહુલ ગાંધી સાંસદપદ ગુમાવશે? શું છે નિયમ?
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, બે વર્ષ કે તેથી વધુ કેદની સજા પામેલી વ્યક્તિ ‘આવી સજાની તારીખથી’ ગેરલાયક ઠરે છે અને તે સમયગાળા પછી છ વર્ષ સુધી ચૂંટણી માટે અયોગ્ય રહે છે.

શું છે સમગ્ર મામલો?
રાહુલે એક નિવેદનમાં કહ્યું હતું બધા ચોરોની અટક મોદી કેમ છે? તેમના કથિત નિવેદન બાદ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ વાયનાડથી લોકસભા સાંસદ છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકના કોલારમાં એક રેલીને સંબોધિત કરતી વખતે તેમણે આ ટિપ્પણી કરી હતી.

Most Popular

To Top