Gujarat Election - 2022

શું ‘આપ’ના લીધે ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક વિજય મળ્યો, વાંચો જીતના 5 કારણો…

નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત (BJP Win) મેળવી છે. કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટીના (AAP) સૂંપડા ભાજપે સાફ કરી દીધા છે. ગુજરાત વિધાનસભામાં બેસવા માટે વિપક્ષ નહીં મળે તેવી સ્થિતિ ઉદ્દભવી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહ્યાં તે દોઢ દાયકામાં પણ આટલી બધી સીટ ભાજપ જીત્યું નથી. ભાજપે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આવો ભવ્ય વિજય ભાજપને કેવી રીતે મળ્યો તેનો જવાબ રાજકીય પંડિતો પણ આપી શકતા નથી. જોકે, એક વાત બધા સ્વીકારે છે કે ગુજરાત મોદીનો ગઢ છે અને અહીં ભાજપને સત્તામાંથી કોઈ હટાવી શકે તેમ નથી. કેટલાંક નિષ્ણાતો એવી પણ ચર્ચા કરી રહ્યાં છે કે આપ પાર્ટીના લીધે કોંગ્રેસના મતોનું વિભાજન થયું અને તેનો લાભ ભાજપને મળ્યો છે.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના યુદ્ધમાં વિપક્ષના વોટ કપાયા
ગુજરાતમાં વર્ષ 2022 પહેલા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો બે પક્ષો વચ્ચે જ રહ્યો છે. વર્ષ 1990 થી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી માત્ર બે મુખ્ય પક્ષો છે અને હરીફાઈ તેમની આસપાસ કેન્દ્રિત રહી છે. આ વખતની ચૂંટણી એ અર્થમાં અલગ હતી કે કોંગ્રેસ અને ભાજપ સિવાય AAP પણ ચૂંટણી જંગમાં સામેલ હતું. પહેલીવાર ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો હતો. આ ત્રિપાંખીયા જંગથી ભાજપને કોઈ નુકસાન થયું નહીં. ભાજપની પરંપરાગત વોટબેંક અકબંધ રહી હતી પરંતુ AAP અમુક અંશે કોંગ્રેસના મતોમાં ખાડો પાડવામાં સફળ રહી હતી. જ્યારે તેનો ફાયદો ભાજપને થયો હતો. ગુજરાતમાં ભાજપની સત્તામાં વાપસી અંગે બહુ ઓછા લોકોને શંકા હતી, પરંતુ કોંગ્રેસ અને AAP વચ્ચેના મતોના વિભાજનથી ભાજપની જીત ‘મોટી’ બની રહી હતી.

ભાજપનું સારું ચૂંટણી મેનેજમેન્ટ
ભાજપનું ચૂંટણી મેનેજમેન્ટ કોર્પોરેટ લેવલનું રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ચૂંટણી મેનેજમેન્ટ જેવું કશું જોવા જ મળ્યું નહીં. ભાજપે બૂથ સ્તરે પણ માઈક્રો મેનેજમેન્ટ કર્યું હતું. સી.આર. પાટીલની પેજ કમિટીની નિમણૂક હુકમનો એક્કો સાબિત થઈ. સોશિયલ મીડિયા દ્વારા ભાજપ મોટા પાયે તેના મુખ્ય મતદારો સુધી પહોંચ્યા હતા. રાજ્યમાં ભાજપનું સંગઠનાત્મક માળખું ખૂબ જ મજબૂત છે. મેનપાવર અને મની પાવરના સંદર્ભમાં કોંગ્રેસ અને AAP તેના ચૂંટણી સંચાલનની નજીક પણ આવી શક્યા નથી.

મોદીનું નામ જ પૂરતું છે
નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાથી સમગ્ર દેશની ગુજરાતના પરિણામો પર ખાસ નજર હતી. પીએમ મોદીએ રાજ્યના પ્રચાર પર જોરદાર ધ્યાન કેન્દ્રિત કરીને રેલીઓ પણ યોજી હતી. આ સાથે, ભાજપે તેના પ્રચારકોની સમગ્ર સેનાને રાજ્યમાં તૈનાત કરી હતી, જેણે પાર્ટીની તરફેણમાં વાતાવરણ બનાવવાનું કામ કર્યું હતું. પીએમ મોદીના પ્રચારે ભાજપ માટે જીતનો માર્ગ આસાન બનાવી દીધો છે. છેલ્લા તબક્કામાં તેમણે ગુજરાતમાં 50 કિલોમીટર લાંબો રોડ-શો કર્યો, જેના કારણે વાતાવરણ સંપૂર્ણપણે ભાજપ તરફી થઈ ગયું. આમ, પણ ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું નામ જ પૂરતું છે. નરેન્દ્ર મોદી ભલે દિલ્હી જતા રહ્યાં હોય પણ હજુ પણ ગુજરાતની પ્રજા નરેન્દ્ર મોદીના નામ પર ભાજપને વોટ આપી રહી છે.

ભાજપે ગણતરીપૂર્વક ચાલાકીથી ઉમેદવારોની પસંદગી કરી
ભાજપે આ વખતે સંપૂર્ણ આયોજન સાથે ટીકીટની વહેંચણી કરી હતી. સત્તા વિરોધી પરિબળને ધ્યાનમાં રાખીને, પાર્ટીએ આ વખતે નવા ચહેરાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પૂર્વ સીએમ વિજય રૂપાણી અને નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપવામાં આવી હતી. આ વ્યૂહરચના દ્વારા, પાર્ટી મતદારોને સંદેશ આપવામાં સફળ રહી છે કે પાર્ટી કાર્યકરોને તક આપે છે.

વિપક્ષ પાસે મોટો ચહેરો નથી, સંગઠન પણ નબળું
ભાજપની સરખામણીમાં વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને AAPમાં કોઈ મોટો ચહેરો નહોતો. જેના કારણે વાતાવરણ સંપૂર્ણપણે ભાજપ તરફી બની ગયું હતું. આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે કેડર અને સંગઠન સ્તરે પણ ભાજપને ટક્કર આપવી મુશ્કેલ હતી.

Most Popular

To Top