Columns

બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસા માટે કોણ જવાબદાર?

ઇ.સ. ૧૯૪૭માં ભારતના ભાગલા પડ્યા ત્યારે પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લા દેશ) માં હિન્દુઓની વસતિ ૨૮ ટકા હતી તો ભારતમાં મુસ્લિમોની વસતિ ૯.૮ ટકા હતી. ૭૪ વર્ષમાં બાંગ્લા દેશમાં હિન્દુઓની વસતિ ઘટીને ૮ ટકા પર પહોંચી ગઈ છે, જ્યારે ભારતમાં મુસ્લિમોની વસતિ વધીને ૧૪.૨ ટકા પર પહોંચી ગઈ છે. બાંગ્લા દેશમાં પણ કાશ્મીર ખીણની જેમ લઘુમતી હિન્દુ પ્રજા સામેની હિંસા વધી ગઈ છે. કાશ્મીરમાં ભાજપ સરકાર જેમ લાચાર બનીને હિન્દુઓની હિજરત જોઈ રહી છે તેમ બાંગ્લા દેશની સરકાર પણ હિન્દુઓ સામેની હિંસાને રોકવામાં નિષ્ફળ ગઈ છે.

ભાજપ જો વિપક્ષમાં હોત તો કાશ્મીરમાં અને બાંગ્લા દેશમાં ચાલી રહેલી હિન્દુઓની કત્લેઆમ સામે તેણે ભારત બંધનું એલાન આપ્યું હોત; પણ તે સત્તામાં હોવાથી મૌન છે. બાંગ્લા દેશમાં તો હિન્દુઓની હિંસા બદલ શેખ હસીના સરકારની ટીકા કરવાને બદલે ભારત સરકારે હિંસાને કાબૂમાં લેવાના તેના પ્રયાસોની સરાહના કરી છે. તેને કારણે ભારતમાં આવીને વસેલા બાંગ્લા દેશી હિન્દુઓ નારાજ થઈ ગયા છે. તેમને લાગે છે કે શેખ હસીનાને ખુશ રાખવા ભારત સરકાર હિન્દુઓની ઉપેક્ષા કરે છે.

બાંગ્લા દેશ ઇસ્લામિક દેશ છે અને બીજા કોઈ પણ ઇસ્લામિક દેશની જેમ ત્યાં હિન્દુઓ પરના અત્યાચારો સતત વધી રહ્યા છે. તાજેતરમાં દુર્ગા પૂજાના મંડપમાં કુરાનનું અપમાન થયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં બાંગ્લા દેશમાં સક્રિય કટ્ટર ઇસ્લામિક તત્ત્વો તોફાને ચડ્યા હતા. તેમણે દુર્ગા પૂજાના સંખ્યાબંધ મંડપોમાં તોડફોડ કરી હતી. આ તોફાનોમાં ઓછામાં ઓછા ૬ હિન્દુઓ માર્યા ગયા છે અને સંખ્યાબંધ ઘાયલ થયા છે. આંકડાઓ કહે છે કે ૨૦૧૩ના જાન્યુઆરી અને ૨૦૨૧ના સપ્ટેમ્બર વચ્ચે બાંગ્લા દેશના હિન્દુઓ પર ૩,૬૭૯ હુમલાઓ થયા છે, જેમાંના ૧,૬૭૮ હુમલાઓ તો હિન્દુ મંદિરો પર થયા હતા. તાજેતરની હિંસામાં નોઆખલી જિલ્લામાં આવેલાં ઇસ્કોન મંદિર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા હવે સોસાયટી બ્રેકિંગ મીડિયા બની ગયું છે. બાંગ્લા દેશમાં હિન્દુઓ સામે ભડકી ઉઠેલી હિંસા માટે સોશિયલ મીડિયા પણ જવાબદાર છે. ઢાકાથી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા ક્યુમિલા નગરમાં દુર્ગા પૂજાના મંડપમાં કોઈએ કથિત રીતે કુરાને શરીફનું અપમાન કર્યું. તેનો વીડિયો મુસ્લિમ ગ્રુપો દ્વારા જ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. તેની પ્રતિક્રિયાના રૂપમાં હજારો મુસ્લિમો સેંકડો દુર્ગા પૂજાના મંડપોમાં પહોંચી ગયા હતા અને તેમાં તોડફોડ કરી હતી. ભારતની સરહદ પર રંગપુર નામે ગામ આવેલું છે. તેની બહુમતી વસતિ હિન્દુઓની છે.

આજુબાજુનાં ગામોમાં રહેતા ઉગ્રવાદી મુસ્લિમો ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે હિન્દુઓનાં ૫૫ ઘરોમાં લૂંટફાટ કરી હતી. તેમાંનાં ૨૦ને આગ ચાંપવામાં આવી હતી. આ ઘરોમાં રહેતાં ગરીબ હિન્દુ પરિવારો પોતાનો જીવ બચાવવા ખેતરોમાં પહોંચી ગયા હતા. ત્યાં તેમણે થરથર કાંપતા આખી રાત ગાળી હતી. રંગપુરના હિન્દુઓ કહે છે કે ૧૯૭૦માં પાકિસ્તાની લશ્કર દ્વારા બંગાળી પ્રજાને હેરાન કરવા ઓપરેશન સર્ચલાઈટ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પાકિસ્તાની સૈનિકો હાથમાં ટોર્ચ લઈને રાતના અંધકારમાં આવતાં અને બંગાળીઓની કતલ કરતા હતા. તાજેતરની હિંસા જોઈને બંગાળી હિન્દુઓને ઓપરેશન સર્ચલાઈટ યાદ આવી ગયું છે.

બાંગ્લા દેશનાં વડાં પ્રધાન શેખ હસીના બાંગ્લા દેશને પાકિસ્તાનની ગુલામીમાંથી મુક્ત કરનારા શેખ મુજિબુર રહેમાનનાં પુત્રી છે. તેમણે સત્તા પર આવ્યા પછી કટ્ટર ઇસ્લામિક આતંકવાદીઓ સામે કડક હાથે કામ લીધું હતું. તેને કારણે ભારત સરકારે તેમની પીઠ પણ થાબડી હતી. ૨૦૧૬માં ઢાકામાં આવેલી બેકરી પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તેની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. તેને પગલે બાંગ્લા દેશ સરકારે આતંકવાદીઓના અડ્ડાઓને ધમરોળી નાખ્યા હતા. તે સમયે સક્રિય જમાત ઉલ મુજાહિદ્દીન નામના સંગઠનને પણ તેણે નબળું પાડી દીધું હતું, પણ બીજી બાજુ સરકાર દ્વારા હિફાઝતે ઇસ્લામ નામના કટ્ટરપંથી સંગઠનને સરકારનો ટેકો મળ્યો હતો. તેના વડે સંચાલિત મદ્રેસાઓમાં કટ્ટરતાના પાઠો ભણાવાતા હોવા છતાં સરકાર વતી તેને આર્થિક સહાય આપવામાં આવતી હતી. શેખ હસીનાની સરકાર જ્યારે ચાહે ત્યારે આતંકવાદીઓ ફરતેની પક્કડ ટાઇટ કરે છે અને જ્યારે ચાહે ત્યારે ઢીલી કરે છે. આતંકવાદીઓનો ઉપયોગ તે કૂતરા તરીકે કરે છે. કૂતરાને તેઓ ઢીલો મૂકે ત્યારે તે દુશ્મનોને કરડે છે. તાજેતરમાં હિન્દુઓ વિરોધી તોફાનો કરનારાઓ માટે શેખ હસીનાની સરકારને સહાનુભૂતિ હોવાનું જણાઈ રહ્યું છે.

બાંગ્લા દેશમાં જો સરકાર સામે કોઈ પણ હિંસક દેખાવો થાય તો સરકાર દ્વારા લોખંડી મુક્કો ઉગામીને તેને કચડી નાખવામાં આવે છે. તાજેતરમાં જે તોફાનો થયા તેના આયોજકો સામે સરકાર હળવા હાથે કામ લઈ રહી છે. દુર્ગા પૂજાના મંડપમાં જે થયું તેના વિરોધમાં ઢાકાની મસ્જિદ બહાર દસ હજાર મુસ્લિમોનું ટોળું એકઠું થયું હતું. તેણે ઢાકામાં આવેલા દુર્ગા પૂજાના મંડપોમાં તોડફોડ શરૂ કરી હતી. ઢાકાથી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા ક્યુમિલાના સંસદસભ્ય બહાઉદ્દીન બહાર શાસક અવામી પક્ષની ટિકિટ પર ચૂંટાઇ આવ્યા છે. તેઓ હજ કરવા સાઉદી અરેબિયા ગયા હતા ત્યારે તેમના મતવિસ્તારમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ તોફાને  ચડ્યા હતા. તેમના છૂપા આશીર્વાદ વગર આ રીતે તોફાનો થઈ શકે નહીં. ક્યુમિલાના હિન્દુઓએ અવામી લિગના ઉમેદવારને જ પોતાના મતો આપ્યા હતા. તેમની રક્ષા કરવામાં શાસક પક્ષના સંસદસભ્ય નિષ્ફળ ગયા હતા. અવામી લિગની જે વિદ્યાર્થી પાંખ છે તેના પર પણ હિન્દુઓ પર હુમલા કરવાના આક્ષેપો થઈ રહ્યા છે.

બાંગ્લા દેશમાં હિન્દુઓ પરના હુમલાને કારણે ભારતમાં સત્તામાં રહેલા ભાજપ પક્ષ માટે ધર્મસંકટ ઊભું થયું છે. ભાજપ પક્ષની સત્તાવાર નીતિ દુનિયાભરમાં જ્યાં પણ હિન્દુઓ પર હુમલા થતા હોય તેની સરકારની નિષ્ક્રિયતાની ટીકા કરવાની છે. બાંગ્લા દેશમાં તે સરકારની ટીકા કરી શકે તેમ નથી; કારણ કે ભારત સરકાર બાંગ્લા દેશ સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવે છે. આ કારણે જ ભારત સરકારે શેખ હસીના સરકારની ટીકા કરવાને બદલે હિંસાને કાબૂમાં લેવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી છે. તેના માટે નારાજગી દર્શાવતા નોઆખલીના ઇસ્કોન મંદિર દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે ભારત સરકાર હિન્દુઓની હિંસા બદલ શેખ હસીનાની પીઠ થાબડી રહી છે?

પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ સુવેન્દુ અધિકારી દ્વારા પણ બાંગ્લા દેશની હિંસા બદલ શેખ હસીના સરકારની ટીકા કરતું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં વસતા બાંગ્લા દેશી હિન્દુ નિરાશ્રીતો ભાજપના મતદારો છે. આસામમાં પણ ભાજપ દ્વારા બાંગ્લા દેશની સરકારની ટીકા કરતું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા જે સીએએનો કાયદો ઘડવામાં આવ્યો તે બાંગ્લા દેશના નિરાશ્રીત હિન્દુઓ માટે જ ઘડવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા મિલિન્દ દેવરાએ તાજેતરની હિંસાનો ભોગ બનેલા હિન્દુઓ માટે તે કાયદામાં સુધારો કરવાની માગણી કરી છે. તેમને લાગે છે કે આ હિંસાને કારણે બાંગ્લા દેશના હિન્દુઓ હિજરત કરીને ભારત આવશે. રાજકીય પક્ષો હિંસાચારની આગમાં પોતાની ખીચડી પકાવવાની તકો શોધી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top