Comments

આઝાદીના 75મા વર્ષે આપણી આઝાદી ક્યાં છે? કેટલી છે?

15 મી ઓગષ્ટ 2021 ના રોજ આઝાદી 75 મા વર્ષમાં પ્રવેશશે. આ ઘટના કોઈ પણ એક દેશ માટે, દેશનાં નાગરિકો માટે,પ્રજા માટે, અધિકારીઓ માટે,નેતાઓ માટે ગર્વની ક્ષણ છે.કોઈ એક દેશ સંપૂર્ણ લોકશાહી ઢબથી 75 વર્ષે અડીખમ ઊભો હોય તો એનાથી વધારે ગર્વ કરનારી ક્ષણ કઈ હોય? હા, એ વાત અલગ છે કે છેલ્લાં બે વર્ષમાં કોમી ઝગડા,લોકો માટે,લોકો દ્વારા,લોકો વડે ચાલતી સરકારમાં લોકોનો જ અવાજ ગૂંગળાઈ રહ્યો હોય એવો આભાસ થઇ રહ્યો છે.

આઝાદીનો એક બાજુ 75 મા વર્ષનો જશ્ન મનાવાઈ રહ્યો છે ત્યારે એક સામાન્ય માનવીના મનમાં આજે પ્રશ્ન જાગી રહ્યો છે કે તે ખરેખર કેટલો આઝાદ છે? કેમ કે આજે કંઈ પણ લખતાં પહેલાં સરકારનો ડર લાગે છે. કાંઈ પણ બોલતાં પહેલાં સરકારનો ડર લાગે છે. કોઈ પણ મુદ્દે અસહમતિ દર્શાવતાં પહેલાં ડર લાગે છે. આઝાદીના 75 મા વર્ષમાં પ્રવેશીને લોકશાહી દેશમાં ખૂલીને બોલવાનો ડર લાગતો હોય તો આઝાદી ક્યાં છે અને કેવી છે? સહજ પ્રશ્ન થાય.

આજે આઝાદીના 75 મા વર્ષે પ્રશ્ન થાય છે કે કાયદા પર ભીડ તંત્ર કેમ ભારે છે? કદાચ એટલા માટે તો નહિ કે સરકારમાં બેઠેલા લોકો જ આજે ભીડનો ભાગ બની રહ્યા છે એટલે? કે પછી આજે રાજકીય સત્તા દરેક વસ્તુમાં રાજકારણ જોઈ રહી છે એટલે? આખા ઘટનાક્રમની પરિભાષા અને જે આઝાદીની ચર્ચા 75 મા વર્ષે થઇ રહી છે એ ખરેખર ભારતના આઝાદ નાગરિક માટે દુઃસ્વપ્ન સમાન છે.કેમકે આજે કેટલાક લોકોને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો થઇ રહ્યા છે. આજે લોકશાહી ચૂંટણીશાહી બની ગઈ છે.ભારતની જે પ્રજાને આજથી 75 વર્ષ પહેલાં આઝાદી મળી ગઈ હતી એ જ પ્રજા આજે એના એક એક મતોને સહારે દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં પોતાને આઝાદ માનવાના ઉત્સવ સામે જ પ્રશ્નો કરી રહી છે.

15 મી ઓગષ્ટના દિવસે છેલ્લાં 74 વર્ષથી લોકો પ્રધાનમંત્રીએ દેખાડેલા અને સંભળાવેલાં સપનાં જોઈને ગદગદિત થઇ જાય છે,પણ જેવા આ જ લોકો બીજા દિવસે વાસ્તવિકતાની દુનિયામાં પાછા ફરે છે કે તરત એમને અસલી આઝાદી સાથે પરિચય થાય છે કે આપણે જે લાલકિલ્લા પરથી સાંભળ્યું એ માટે એ દિવસ પૂરતું જ હતું,ખરેખર તો આપણને આ ન સુધરતી સિસ્ટમથી આઝાદી જોઈએ છે.આપણને નક્કામાં ભાષણો કરતાં લોકો કરતાં એવી ભીડ કે જે છડેચોક આઝાદી અને કાયદો વ્યવસ્થાની મજાક ઉડાવે છે એ વ્યવસ્થાથી કદાચ આઝાદી જોઈએ છે.

વાત એ નથી કે છેલ્લે 1975 માં કદાચ પહેલી અને છેલ્લી વાર કટોકટી લદાઈને કાયદાની રુહે મળેલા ભારતના બધા જ નાગરિકોના હક્કો છીનવાઈ ગયા.વાત એ પણ નથી કે કાયદાની રુહે ભારતના નાગરિકોને મળેલા અધિકારો ખરા અર્થમાં એમને કેટલા મળ્યા છે કે પછી દરેક દાયકામાં જે અભિવ્યક્તિની આઝાદીના પ્રશ્નો ઊઠે છે એની પણ વાત નથી,વાત કે પ્રશ્ન એ છે કે છેલ્લાં 74 વર્ષમાં ધીરે ધીરે એ પ્રશ્ન ઊભો થઇ રહ્યો છે કે સતાધીશોએ કાયદા કે સંવિધાનને એટલો નબળો કરી નાખ્યો છે કે 74 વર્ષ પછી પ્રશ્નો થવા લાગ્યા છે કે કાયદો ને વ્યવસ્થા છે ક્યાં? આજે જે કાયદો અને વ્યવસ્થાની સોગંદ લઇને નેતાઓ સત્તા પર આવ્યા એ છડેચોક જયારે કાયદાનું પાલન નથી થતું ત્યારે ક્યાં ખોવાઈ જાય છે?નેતાઓ આજે  કેમ પોતાને સર્વસ્વ સમજવા લાગ્યા છે? આજે લોકતંત્ર કે લોકશાહી માત્ર ચૂંટણીના નામે જીવિત હોય એવું લાગે છે પણ સામે ચૂંટણી પંચની સ્વાયત્તતા પ્રશ્નોના કુંડાળામાં ઘેરાયેલી છે અને આ આજકાલનું નથી, વર્ષોથી ચાલ્યું આવે છે.

વર્ષો પહેલાં લોહિયા સંસદમાં નહેરુની અમીરી સામે પ્રશ્નો ઊભા કરતા, દેશમાં અસમાનતાનાં ઉદાહરણો પ્રધાનમંત્રીની અમીરી સાથે સરખામણી કરી સમાજવાદનો નારો બુલંદ કરવામાં આવતો. આઝાદીની લડતમાં જોડાયેલા જેપી એટલે કે જયપ્રકાશ આઝાદીના થોડાક જ સમય બાદ કેમ ઇન્દિરા ગાંધીની હિટલરશાહીના વિરોધમાં એક જનઆંદોલન લઇને નીકળી પડ્યા? કેમ એ સમયે રાજકીય સત્તાના ભ્રષ્ટાચારને યુવકોએ રસ્તા પરનું આંદોલન બનાવી સ્કૂલ કોલેજોનો ત્યાગ કર્યો?

એ સમયે કેમ સેનાના સૈનિકો એ કહેવામાં જરાય ખંચકાટ નહોતા અનુભવતા કે સત્તાના આદેશોને સ્વીકારીશું નહિ.  કેમ પ્રજાના જુસ્સાથી જન્મેલી જનતા પાર્ટીની સરકાર બે જ વર્ષમાં તૂટી ગઈ? કેમ કટોકટી લગાવનાર ઇન્દિરા ગાંધી ફરી સત્તામાં પાછાં ફર્યાં? કેમ ઐતિહાસિક બહુમતીવાળી સરકાર બોર્ફોસ આરોપો હેઠળ પાંચ વર્ષ પૂરાં ન કરી શકી? કેમ આજે બોર્ફોર્સને સત્તા મેળવવાનું હથિયાર માનવામાં આવે છે? કેમ અનામત અને રામમંદિર માત્ર સત્તા મેળવવા માટે જ ઊભા કરાયેલા મુદ્દા લાગે છે?

આ સિવાય આઝાદીના 74 વર્ષ પછી આજે દેશમાં ક્યાંક બેચેની એટલે લાગે છે કેમ કે આજે જે રીતે ગોસિપ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી ઝેર ફેલાવાઈ રહ્યું છે એ જોઈ કેમ કોઈ વિચારતું નથી કે આ દેશમાં કાયદો ને વ્યવસ્થા નામની પણ એક વસ્તુ છે? પોલીસની પણ કોઈ ફરજ છે.કેમ આજે કોઈ ઈચ્છે કે ન ઈચ્છે પણ અણધારી હત્યાઓ રાજકારણનો હિસ્સો બનતી જાય છે. જે પહેલાં ગુનો ગણવામાં આવતો એ આજે સામાન્ય ઘટના કેમ લાગે છે? કદાચ એટલા માટે આવું લાગે છે કે લોકોને આજે એવું થઇ ગયું છે કે જો આવી ગુનાહિત ઘટનાઓમાં સામેલ નહિ થઈએ તો કદાચ સત્તા ન મળે.આજે સ્થિતિ એ છે કે ગુનેગારો એવી રીતે વર્તી રહ્યા છે જાણે પોતે જ ન્યાયાધીશ છે.

આજે જે સ્થિતિ છે એ જોઈએ ને એવું લાગે છે કે જાણે સત્તા જ એવો મેસેજ આપી રહી છે કે આઝાદીના 74 વર્ષોમાં તમને શું મળ્યું? લૂંટ,બળાત્કાર ચોરી,હત્યા આ જ ને? આજે ગુનેગારોને જાણે સજા મળતી જ બંધ થઇ ગઈ છે. ગુનેગારોમાં 70 થી 80 ટકા લોકો પુરાવાના અભાવે છૂટી જ રહ્યાં છે,કન્વિકશન રેટ ઘટી ગયો છે. એટલે આજે સમાજની વચ્ચે ગુનાઈત ઘટનાઓ સામાન્ય લાગે છે.આજે ગુનાની પરિભાષા અને પોલીસ સ્ટેશન જ જાણે બદલાઈ ને ઇડી અને ઇન્કમટેક્ષમાં સમેટાઈ ગયું હોય એવું લાગે છે.

આજે સી.બી.આઈ. તપાસ તો એક સામાન્ય ઘટના લાગે છે.સી.વી.સી. સી.એ.જી. ચૂંટણીપંચ જેવા શબ્દો માત્ર ડીક્ષનેરીની શોભા બની ગયા હોય એવું લાગે છે. એટલે જ પ્રશ્નો થાય છે કે આઝાદી એટલે શું? આજે 75 મા વર્ષની આઝાદીની ઉજવણી એટલે શું? આજે બિચારા બાપડા નાગરિકોને કાયદો અને વ્યવસ્થામાં લખેલા શબ્દો કેમ ભારે લાગે છે? કેમ આજે લોકશાહી એટલે માત્ર ચૂંટણી જ બની ગઈ છે? આજે લોકતંત્ર કેમ એવું લાગે છે કે ચૂંટણી જીતવા અને જીતાડવા પૂરતું મર્યાદિત છે અને આ ચૂંટણી જીત હારમાં જીત જ કેમ મહત્ત્વની છે અને જીતેલો ઉમેદવાર ભલે ને ગુનેગાર હોય તો એનાથી કેમ કોઈ ફર્ક નથી પડતો? આ બધી સ્થિતિ જ દેખાડે છે કે આજે આઝાદીની પરિભાષા જ બદલાઈ ગઈ છે.

આઝાદીના 74 મા વર્ષ પછી એવું લાગી રહયું છે કે જાણે નાગરિકોની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે, સત્તા એ એના દરેક નાગરિકોને પોતાની પર નિર્ભર કરી લીધા છે.જેના કારણે શિક્ષણ-સ્વાસ્થ્યથી માંડી દરેક સેવાનો કોઈ અર્થ લાગતો નથી.આજે સત્તાના અંધારામાં આઝાદીના બધા જ પ્રશ્નો ખોવાઈ ગૂંગળાઈ ગયા છે.આઝાદીનાં આટલાં વર્ષો પછી આઝાદી માટેના પ્રશ્નો આજે દેશના દરેક નાગરિકે વિચારવા જેવા છે.          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top