Charchapatra

એ મહિલાઓ કયાં ગઇ?

થોડા સમય પહેલાં સમાચાર હતા કે ગુજરાતમાંથી છેલ્લાં પાંચ વર્ષમાં 42000 મહિલા ગુમ થઇ ગઇ છે. જેનો આજે કોઇ અતોપતો ગુજરાત પોલીસ શોધી શકી નથી. હવે કેન્દ્ર સરકારના નેશનલ ક્રાઇમ બ્યુરો (એનસીબી) વિભાગ દ્વારા જે વિગતો બહાર પડાઇ છે તે અત્યંત ચોંકાવનારી બાબત છે. એનસીબી દ્વારા ઓફીશ્યલ આંકડા જાહેર કરાયા છે કે ભારત દેશમાંથી ત્રણ વર્ષમાં 2019 થી 2022 દરમ્યાન કુલ મળીને 1301900 (તેર લાખ એક હજાર નવસો) મહિલાઓ ગાયબ થઇ ગઇ છે. આ ચોંકાવનારો આંકડો મોદીના કહેવાતા સલામત શાસનનો છે, જયાંથી 13 લાખ મહિલા હવામાં ઊડી ગઇ છે!

આ દેશમાં શું ચાલી રહ્યું છે સમજાતું નથી! મોદીને 3 મહિનાથી સળગતા મણિપુરની ચર્ચા કરવાનો સમય નથી મળતો. જે મહિલાઓ ગુમ થઇ છે એ બાબત તો સંસદમાં હજુ પ્રશ્ન જ નથી ઉઠાવાયા. આ મહિલાઓ કયાં ગઇ? કોણે ગુમ કરી? કઇ રીતે ગુમ કરી? દેશની પોલીસ સીઆઇડી ઇન્ટેલીજન્સ વિભાગો સીબીઆઇ જેવી સંસ્થાઓ શું કરે છે? દેશના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીને રાહુલની ફલાઇંગ કીસ દેખાય છે, ગુમ થતી મહિલાઓ કેમ નથી દેખાતી? પ્રજાની સલામતીને નામે નાટકો કરે છે. નથી મહિલા સલામત કે નથી બાળકો સલામત! સરકાર રોજ નવા તાયફાઓ કરવામાં વ્યસ્ત છે. સાહેબ બોલશે ખરા?
સુરત               – જીતેન્દ્ર પાનવાલા    -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શિક્ષકોની કરાર આધારીત ભરતી બદલે કાયમી ધોરણે ભરતી કરો
રાજ્યસરકાર દ્વારા શિક્ષકોની કાયમી ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયક જેવી રૂપાળા નામે કોન્ટ્રાકટ બેઇઝથી ભરતી કરાતી હોવાથી ગુજરાત ભરમાં ઠેર ઠેર આ ભરતી સામે વિરોધ ઉભો થયો છે. રાજ્યસરકારે નવેદનમા જાહેર કરેલ મુજબ હવે 11 માસના કોન્ટ્રાકટ પર ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોને શિક્ષક તરીકે ભરતી કરવામાં આવશે. સરકાર અગાઉ જાહેર કરેલ કે વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવશે. પરંતુ પરિક્ષા લીધા પછી સરકારે વિદ્યાસહાયક યોજના રદ્દ કરી જ્ઞાન સહાયક કરાર આધારીત હંગામી ધોરણ ભરતી કરવાનો નિર્ણય લેતા રાજ્યભરમાં હજારો ટેટ-ટાટના ઉમેદવારોમાં નિરાશા સાથે રોષ જોવા મળેલ છે.

રાજ્યના દરેક બાળકોને ગુણવત્તાયુકત, વિશ્વસ્તરીય શિક્ષણ મેળવે એવો શુભ હેતુથી રાજ્યસરકાર કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરે તે જરૂરી છે. કરાર આધારીત ભરતીની સીધી અસર તાલીમ શિક્ષકો ઉપર અને ભાવી બાળકો ઉપર પડશે.  રાજ્યના ભવિષ્યના પૂર્વ ઘડતર માટે પ્રાથમિક શિક્ષણ મહત્ત્વનું છે ત્યારે નવી શિક્ષણનીતિ અને ભણશે ગુજરાતના નારા સાથે આજે અનેક શાળાઓમાં ઓરડાઓની ઘટ છે. શિક્ષકોની પણ ઘટે છે. ત્યારે સત્વરે ગુજરાત સરકાર તાલીમી શિક્ષકોની કરાર આધારીત ભરતી કરવાના બદલે કાયમી ધોરણે સત્વરે ભરતી કરવામાં આવે તે બહુ જરૂરી છે. રાજ્યભરમાં ઠેર ઠેર જ્ઞાનસહાયક યોજના રદ કરવાની અને શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવાની માંગ ઉઠી છે.
બોટાદ    – મનજીભાઇ ડી. ગોહિલ           -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top