Comments

બ્રિજભૂષણની ધરપકડ ક્યારે?

દિલ્હીમાં જંતરમંતર પર દેશના ખ્યાતિપ્રાપ્ત કુસ્તીબાજ એક મહિનાથી ધરણાં કરી રહ્યા છે એનું કોઈ મહત્ત્વ જ ના હોય એવું સરકારનું વલણ કમનસીબ છે. આ કુસ્તીબાજો જે તે નથી. એમણે દેશને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશનું ગૌરવ વધાર્યું છે. એમનો આક્ષેપ છે કે, ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ અને સાંસદ બ્રિજભૂષણસિંહ દ્વારા ઘણી બધી મહિલા ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર થયો છે. યૌન શોષણ કરાયું છે.

આ આક્ષેપ સામાન્ય નથી અને આક્ષેપ કરનાર સામાન્ય નથી. આમ છતાં બ્રિજભૂષણ સામે ફરિયાદ ના થાય અને એ માટે કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે એ ય શરમજનક છે.ત્યાં સુધી કુસ્તીબાજો ગયા એ પહેલાં જ ફરિયાદ થવી જોઈતી હતી. કેન્દ્ર સરકારે આ ઘટના અંગે કોઈ નોંધ લીધી નહીં એવું સ્પષ્ટ દેખાય છે. સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પોલીસ ફરિયાદ તો લીધી છે પણ સામાન્ય સંજોગોમાં જે રીતે તપાસ થતી હોય છે એનાથી વિરુધ્ધ ધીમી ગતિએ તપાસ ચાલે છે. બ્રિજભૂષણની પૂછપરછ થઈ છે અને એ જ રીતે કુસ્તીબાજોનાં નિવેદન લેવાય છે. બે એફ.આઈ.આર. કરાઇ છે પણ આવા સંજોગોમાં સામાન્ય રીતે સીધી ધરપકડ થતી હોય છે પણ બ્રિજભૂષણની થઈ નથી કે કસૂતિ સંઘના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પણ કહેવાયું નથી.

રમતગમત મંત્રી અનુરાગ ઠાકરે શરૂઆતમાં ખેલાડીઓને સાંભળી એક કમિટીની રચના કરી અને ત્રણ મહિનામાં અહેવાલ આપશે એવી સમયમર્યાદા હતી, પણ ત્રણ મહિના થયા છતાં કોઈ કાર્યવાહી ના થઈ એટલે કુસ્તીબાજો ફરી ધરણાં પર બેઠા અને બાદમાં જે થયું એ સુવિદિત છે. પણ બ્રિજભૂષણ તરફથી બકવાસ ચાલુ છે. ગુડ બેડ ટચની વાત કરે છે. કુસ્તીબાજોને કેવા કેવા શબ્દોથી નવાજે છે! નાર્કો ટેસ્ટની વાત કરે છે અને ખેલાડીઓ તૈયાર છે. એમણે તો ત્યાં સુધી કહ્યું કે, સાત મહિલા ખેલાડી કે જેમણે ફરિયાદ કરી છે એમના પણ નાર્કો ટેસ્ટ થાય પણ સુપ્રીમ કોર્ટની નિગરાનીમાં થાય.

બ્રિજભૂષણ બાહુબલી સાંસદ છે અને સરકાર જાણે કે એમની ધરપકડથી બચે છે. આવું શા માટે એ પ્રશ્ન તો થાય જ છે કારણ કે, અન્ય નેતાઓ કે જે ભાજપના નથી એમના કિસ્સામાં પોલીસ કે અન્ય એજન્સીઓ ઘણી બધી સ્ફૂર્તિ દાખવે છે. સૌરાષ્ટ્રમાં વેરાવળના ડૉ. ચગના આપઘાત કેસમાં ભાજપના ચૂંટાયેલા નેતા ચુડાસમા સામે આક્ષેપો થયા એ મુદે પણ પોલીસ હાઇકોર્ટમાં ડૉ. ચગના પરિવારો ગયા બાદ ફરિયાદ નોંધી પણ હજુ સુધી એમની ધરપકડ થઈ નથી. આવા કિસ્સાની સંખ્યા વધતી જાય છે એ શું દર્શાવે છે એ કહેવાની જરૂર ખરી?

‘આપ’ને કઈ રીતે સાથ દે કોંગ્રેસ?
દિલ્હીમાં આપ અને કેન્દ્ર સરકાર વચ્ચે વિખવાદ ચાલુ છે. અધિકારીઓની બદલીઓ મુદે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ કેન્દ્ર સરકાર ઝૂકવા તૈયાર નથી અને સુપ્રીમના આદેશ સામે સરકાર અધ્યાદેશ લાવી છે અને સુપ્રીમના ચુકાદા સામે અપીલ પણ કરી છે. આ સ્થિતિમાં અરવિંદ કેજરીવાલ હવે વિપક્ષનો સાથ ચાહે છે. નીતીશકુમાર વિપક્ષી એકતા માટે પરિવર્તન કરી રહ્યા છે અને એમણે અધ્યાદેશ મુદે કેજરીવાલને ટેકો કર્યો છે એ જ રીતે ઉધ્ધવની શિવસેના, ટીએમસી , જેડીયુ , એનસીપી , આરજેડી વિગેરેએ પણ કેજરીવાલનો સાથ આપ્યો છે. કેજરીવાલ આ માટે ભારતના પ્રવાસે છે. પણ કોંગ્રેસ આ મુદે આપ સાથે ના હોય એવું લાગે છે. હોય પણ ક્યાંથી? આપે ઘણાં બધાં રાજ્યોમાં કોંગ્રેસને સારું એવું નુકસાન પહોંચાડ્યું છે. પંજાબમાં આપને ચોખ્ખી બહુમતી મળી પણ એ કોંગ્રેસના ભોગે મળી છે.

કારણ કે, અહીં કોંગ્રેસનો વૉટ શેર ૧૫.૪ ટકાથી માત્ર ૬ ટકા થઈ ગયો છે. ગુજરાતની વાત કરીએ તો અહીં ભલે ભાજપ ઘણાં વર્ષોથી સત્તામાં છે પણ કોંગ્રેસ ક્યારેય ૫૦ બેઠકથી નીચે પહોંચી નથી. પણ અહીં આપે ૧૩ ટકા મત મેળવી કોંગ્રેસના મતોમાં ગાબડું પાડ્યું છે. કોંગ્રેસના વોટ શેરમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં પણ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઈ છે. દેશમાં અન્ય રાજ્યોમાં આપ સારો દેખાવ કરી શકી નથી પણ એ નુકસાન તો કોંગ્રેસને જ પહોંચાડે છે. આ સ્થિતિમાં કોંગ્રેસ આપને ટેકો ના કરે એ સમજી શકાય એવી વાત છે. પણ લોકસભામાં ભાજપને હરાવવા માટે બધા વિપક્ષો વન ટુ વન ફોર્મ્યુલા અપનાવે તો જ ભાજપને હરાવી શકાય અને એ માટે કેજરીવાલને સાથે લેવા એ વિપક્ષી એકતા માટે જરૂરી છે.

રાજસ્થાનમાં ધજાપતાકા અભિયાન
રાજસ્થાનમાં વર્ષાંતે ચૂંટણી છે અને અહીં ગેહલોત અને પાયલટ વચ્ચે બાપે માર્યા વેર જેવી સ્થિતિ છે. કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસ મોવડીમંડળે બંને નેતાઓને સમજાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. તો બીજી બાજુ અશોક ગેહલોતે ભાજપ સામી હિન્દુત્વનું પત્તું મેદાનમાં ઉતાર્યું છે. ગુરુપુષ્ય યોગમાં રાજસ્થાનના દેવસ્થાન નીચે આવતા ૫૯૩ મંદિરોમાં ૫૯૩ લાખના ખર્ચે રંગરોગાન શરૂ કરાવ્યું છે. એટલું જ નહીં, આ મંદિરોમાં ધજાપતાકા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. પીળી ધજામાં ૐ લખાયેલું છે અને મંદિરોમાં આ ધજાપતાકા ચઢે એ એક રાજકીય પગલાંની દૃષ્ટિએ જોવામાં આવે છે. ભાજપના હિન્દુત્વ સામે આ કોંગ્રેસનું હિન્દુત્વ છે. એનો ફાયદો કેટલો મળશે? એ તો ગેહલોત અને પાયલોટ વચ્ચેના મતભેદો દૂર થાય તો જ મળી શકે એમ છે.
કૌશિક મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top