SURAT

નાના વરાછાના ICICI બેન્કના ATMમાં સરથાણાના વેપારી સાથે બની આવી ઘટના…

સુરત: એટીએમ મશીનમાં ડેબિટ કાર્ડ ફસાઇ જતાં તેને બનાવટી મહિલા સિક્યુરિટીના ભરોસે છોડવાનું ભારે પડી ગયું હતું. ફસાયેલું કાર્ડ બનાવટી સિક્યુરિટી મહિલાના ભરોસે છોડી જતાં મહિલા સિક્યુરિટીએ એક લાખ રૂપિયાની રોકડી કરી નાંખી હતી. આ બનાવ સંદર્ભે કાપોદ્રા પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

  • એટીએમમાં ફસાયેલું કાર્ડ કાઢી આપવાનું કહી નકલી મહિલા સિક્યુરિટીએ એક લાખ કાઢી લીધા
  • ડેબિટ કાર્ડ ફસાઈ જતાં અજાણી મહિલાના ભરોસે કાર્ડ રાખવાનું સરથાણાના યુવાનને ભારે પડી ગયું
  • વતન જતા યુવાનના ખાતામાંથી દસ વખત રૂપિયા કપાઈ ગયા

પ્રાપ્ત માહિતી અનુસાર મેહુલ ભરત પટેલ (ઉં.વ.37) (ધંધો-ટેક્સટાઇલ) (રહે., બ્લ્યુ સિટી સોસાયટી, સીમાડા ગામ, સરથાણા) દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં તેમણે જણાવ્યું કે, મારા પરિવાર સાથે ગત તા.18 માર્ચે વતનમાં જવાનું હોવાને કારણે તેઓ કાપોદ્રા નાના વરાછા ખાતે આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. ત્યાં તેમના દીકરાએ એટીએમમાં કાર્ડ નાંખ્યું હતું. પરંતુ નાણાં બહાર આવ્યાં ન હતાં. આ ઉપરાંત તેમનું કાર્ડ પણ ફસાઇ ગયું હતું.

દરમિયાન એટીએમ કાર્ડ બહાર નહીં નીકળતાં તેમના દીકરા પાસે એક મહિલા આવી હતી. તેણે પોતાની ઓળખાણ સિક્યુરિટી ગાર્ડ તરીકે આપી હતી. આ ઉપરાંત તેણે કાર્ડ ફસાયું છે, તો તે માટે એક મોબાઇલ નંબર આપ્યો હતો. તે નંબર નહીં લાગતાં તેણે 3 વખત પીન જનરેટ કરવા જણાવ્યું હતું. જેથી કાર્ડ બહાર આવી જાય. ત્યારબાદ પણ કાર્ડ બહાર નહીં આવતાં આ મહિલાએ તેમને જણાવ્યું કે, ચાર વાગ્યે ગાડી પૈસા નાંખવા આવશે ત્યારે હું તમારું કાર્ડ નીકળશે તો તે આપી દઇશ. ત્યારબાદ તેઓ ગામ જવા નીકળ્યા હતા. દરમિયાન દસ વખત તેમના ખાતામાંથી દસ હજાર મળી કુલ એક લાખ રૂપિયા ઊંચકાયા હોવાનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ તેમણે કાર્ડ બ્લોક કરાવ્યું હતું. આ મામલે અજાણી મહિલા સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top