Business

હવે શું કરવું!

ઘણીવાર એકાએક એવી વિકટ પરિસ્થિતિ સર્જાય છે કે આપણે ગભરાઈને વિચારવા માંડીએ કે ‘હવે શું કરવુ?’  આવી  ‘હવે શું કરવું’  ની પરિસ્થિતિમાં સૌથી સહેલો ઉકેલ છે ‘કશું જ ન કરવુ.’ ઘણીવાર આવી સ્થિતિ સર્જાય ત્યારે ‘કશું જ ન કરવુ’ એ જ કરવા જેવું હોય છે. વિકટ અને જટિલ પરિસ્થિતિમાં કેટલાક કશું જ નથી કરતા. બસ ચૂપચાપ પરિસ્થિતિ જોયા કરે છે. તેઓ ઘણીવાર બચી જાય છે પણ કેટલાક પોતાને હોશિયાર માનતા મહાપુરુષો હવે શું કરવુંની સ્થિતિનો સામી છાતીએ સામનો કરવા માટે કશુંક કરવા માંડે છે અને ઉતાવળમાં તે ન કરવાનું કરી બેસે છે પછી તેને ખ્યાલ આવે છે કે જો આ આ સ્થિતિમાં કશું જ ન કર્યું હોત તો આપોઆપ ઉગરી જાત. પણ તે રાંડ્યા પછીનું ડહાપણ છે. અલબત્ત ‘રાંડ્યા પછીનું ડહાપણ’ જો બીજા લગ્ન કરો તો તેમાં કામ લાગે. પણ ‘હવે શું કરવું’ની સ્થિતિમાં ન કરવાનું કરી બેસો તો પછી તે કશું જ કામ લાગતું નથી.

‘હવે શું કરવું’ નો સામનો કરવા સામી છાતીએ નીકળી પડનારાને ખબર નથી હોતી કે માણસની છાતી ય હાડ ચામની જ હોય છે અંબુજા સિમેન્ટની નહિ. માટે થોડી વાર જાળવી જવાય, તો પરિસ્થિતિ આપો-આપ થાળે પડે પણ જાળવ્યા વગર જે સામી છાતીએ ઝંપલાવે છે તેની પરિસ્થિતિ થાળે પડતી નથી પણ પોતે ઉંધે કાંધ પડે છે. અને એવા પડે છે કે ફરીથી બેઠા થતા દિવસો લાગે છે.

કેટલીક વાર પરિસ્થિતિ જ એવી હોય છે કે એમાં આપણે કશું જ કરી શકતા નથી તો પછી શું કામ કાંઈ કરવુ. છાનામાના બેસો ને! કરશે ઉપરવાળો જે કરવું હશે તે કરશે. આપણે છાનામાના બેસવું, ચૂપ રહેવું. આ પણ કરવા જેવી કેટલીક શ્રેષ્ઠ પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ છે. તે બતાવે છે કે કેટલીક વાર કશું જ કર્યા વગર તમે ઘણું કરી શકો છો. પણ બધાને આ માફક આવતું નથી. જ્યાં સુધી તેઓ શારીરિક માનસિક એમ બંને રીતે મેદાનમાં ઉતરતા નથી ત્યાં લગી તેમને મજા આવતી નથી. આ રીતે મેદાનમાં ઉતર્યા પછી મજા બગડી જાય છે

ઘણા પોતે આવી વિકટ પરિસ્થિતિમાં ફસાયા હોય તેની વાત કરતા હોય ત્યારે બીજા ધડાધડ સલાહ આપતા હોય છે કે અરે એમાં શું! તમે જરાક આમ કર્યું હોત તો વાત પતી જાત. વળી એ સમસ્યાના સોલ્યુશન માટે પાંચ સાત જણ સચોટ ઉકેલ બતાવે. પછી એ આપણા મગજમાં સ્ટોર થઇ જાય અને ફરીવાર ભવિષ્યમાં એવી જ પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે આપણને પેલા પાંચ-સાત ઉપાયમાંથી એક પણ ઉપાય કામે લાગતો નથી.  કારણ કે પરિસ્થિતિ થોડાક ફેરફાર સાથે આપણી સામે આવી હોય એટલે આપણે ફરીથી ચકરાવે ચડી જઈએ કે ,’હવે શું કરવું’ આમ હવે શું કરવું ની સ્થિતિમાં લગભગ કોઈ કાંઈ કરી શક્યા નથી.

ધારો કે એકાએક આપણી પાછળ હડકાયુ કૂતરું પડે ત્યારે અગાઉ હડકાયા કુતરાથી બચવા માટે અગાઉ જે PPT બનાવ્યું હોય તેને (પી પી ટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન) યાદ ન કરાય પણ મુઠ્ઠીઓ વાળીને પલો કપાય. મુઠ્ઠીઓ વાળવાથી દોડવાની ગતિ વધે છે એવું માણસે નહીં પણ એક હડકાયા કૂતરાએ મરતા મરતા માણસને કહ્યું હતું પણ તે જેની પાછળ પડ્યું હતું તે માણસ આ શ્વાનબોધ સાંભળી શક્યો નહોતો. સાંભળ્યું હતું દૂર ઊભેલા દલસુખકાકા એ! આમ હડકાયું કૂતરું પાછળ પડે ત્યારે સૌપ્રથમ મુઠ્ઠીઓ વાળી અને પલો કાપવા માન્ડો એટલે પછી આપોઆપ કઈક યાદ આવે. બાકી આવા વખતે ધીરજના ફળ મીઠા છે એ કહેવતને અનુસરાય નહીં.

જેમ કે કોઈ રીઢા ગુનેગારને અચાનક છાપો મારી પોલીસ પકડી લે છે ત્યારે સૌ પ્રથમ તો તે ગુનેગાર આ સિદ્ધાંત જ અપનાવે છે કે ‘હમણાં ઘડીક વાર કશું જ ન કરવું’  સાહેબ ને જે કરવું હોય તે કરવા દો. ચાની ગરમાગરમ કીટલી પકડીએ તો દાઝી જઈએ. માટે ઠરવા દો.  કેટલીક વાર ‘હવે શુ કરવું’ ની પરિસ્થિતિ એકદમ ઈમરજન્સીની હોય છે. જ્યારે કેટલીક વાર તેમાં સમય મળી રહે છે. જ્યારે સમય મળી રહે તેવી સ્થિતિ હોય ત્યારે મૂંઝાયેલો મનુષ્ય આ સમસ્યાનો ઉકેલ શોધવા બીજા પાસે જાય છે. અને તેની સામે પરિસ્થિતિ રજૂ કરી બીજાને મૂંઝવે છે.

આમ બીજા કે ત્રીજા પાસે જવાથી તેને મૂંઝવણનો ઉકેલ મળતો નથી પણ તેની વાત સાંભળીને સામેવાળો પણ મુંઝાય છે. તેથી તેને રાહત થાય છે કે ચાલો હું એકલો મૂંઝાતો નથી પણ આખું ગામ મુંઝાય છે. કેટલીક વાર આવી પરિસ્થિતિમાં માણસનો ફ્યુઝ ઉડી જાય છે. ધારો કે આપણી પાસે કોઈ દશરથભાઈ દશ હજાર રૂપિયા માગતા હોય અને આપણે એને પૈસાને બદલે મસ્ત મજાના બહાના આપતા હોઈએ.

પછી ઉતાવાળીયા ઉત્સાહમાં આપણે આપણા મિત્ર માધવને ફોન કરીને ઉત્સાહપૂર્વક વાત કરતા હોઈએ અને માધવ પૂછે કે કાંઈ રૂપિયા પડયા છે? એટલે આપણે વગર કસુંબે ખોંખારો ખાઈને કહીએ કે બોલને ભાઈ તારે કેટલા જોઈએ છે. હમણાં કાચી કલાકમાં પહોંચાડી દઉં. એટલે માધવ કહે કે મારે ફક્ત દસ હજાર જોઈએ છે. આપણે કહીએ દસ શું  કામ વીસ હજાર લઈ જાને. તારા માટે માન છે. ત્યારે પેલો કહે કે હું માધવ નહીં દશરથ બોલું છું, ત્યારે આપણને થાય કે ‘માધવ ક્યાંય નથી.  મધુવનમાં’ અને આપણો ફ્યુઝ ઉડી જાય આપણે પૂછીએ કે આતો માધવ નો નંબર છે. 

તમે આ ફોન પર કેવી રીતે? એટલે પેલો કડક સ્વરે એટલું જ કહે કે હું ગમે તે ફોન પર હોઉ પણ મારા પૈસા મને કાચી કલાકમાં પહોંચાડી દો. તમારી પાસે રૂપિયા છે તો ય દેતા નથી. આપણે ઉતાવળમાં માધવને બદલે દશરથને ફોન લગાડી બેઠા હોઈએ. હકીકતમાં આપણી પાસે રૂપિયા હોય નહીં પણ આપણને ભરોસો હોય કે માધવ ક્યારેય નાણા ઉછીના માંગે જ નહીં. એટલે આપણે મોટી મોટી ફેંકતા હોઈએ એને ફોનમાં દશરથ નીકળે એટલે પછી મગજને ગમે તેટલી કસરત કરાવી એ છતાં દશરથને શું  જવાબ આપવો છે તે આપણને ન સૂઝે. બસ, પછી તો આપણી સામે દાંત કચકચાવતો દશરથ જ દેખાય. ત્યારે ફરી એ જ પ્રશ્ન થાય કે ‘હવે શું કરવું’

‘હવે શું કરવું’ ની સ્થિતિ મોટાભાગે અણધાર્યા સંજોગોને કારણે ઊભી થાય છે. તેમાં આપણો કોઈ હાથ કે પગ હોતો નથી. આપણો કોઈ દોષ હોતો નથી એટલે એ પરિસ્થિતિમાં આપણે એટલું આશ્વાસન લઇ શકીએ કે આમાં તો આપણે શું કરીએ. પણ કેટલીક વાર કેટલાક દોઢડાહ્યા પોતે  અઢી ડાહ્યા થઈને એવું ડહાપણ ડોળે કે પોતે જ ભેરવાઈ જાય. પછી ગમે એટલા ભૈરવ જપ કરે તો પણ તેનો નિવેડો આવતો નથી.

ઉપરાંત પોતાને જ મનોમન ખીજાય છે કે સાલા તારે આ ડહાપણ કરવાની શી જરૂર હતી. હવે તને આમાંથી કોણ બહાર કાઢશે? હાથે કરીને કૂવામાં પડવાની જરૂર હતી. પણ આ બધા વિચારો પછી આવે છે એટલે ફરી ફરીને છેલ્લે એક જ વિચાર આવે કે ‘હવે શુ કરવું’ ત્યારે કહેવાનું મન થાય છે તે પહેલા ઘણું કર્યું એટલે હવે કાંઈ કરવાનું નથી બસ હવે છાનોમાનો બેસ.

Most Popular

To Top