Comments

યુક્રેન-રશિયા વિવાદમાં ભારતની ભૂમિકા શું?

ભારતીય સમાચાર માધ્યમોમાં ચૂંટણીનો માહોલ છે. સાથે સાથે ‘યુદ્ધસ્ય કથા રમ્યા’ના મુદ્દે રશિયા- યુક્રેન તણાવનો ઉશ્કેરાટ ચર્ચાયા કરે છે. ગુજરાતમાં તો સ્થાનિક ચેનલો પણ યુદ્ધમય થવા લાગી છે અને યુ. પી. ચૂંટણીના પ્રચારમાં નેતાઓ પણ આ શકય યુદ્ધનો ઉલ્લેખ કરવા લાગ્યા છે. કેટલીક રાષ્ટ્રીય ચેનલોને પણ આ રશિયા યુક્રેનના મુદ્દાને યુ.પી.ની ચૂંટણી સાથે જોડવાનાં કારણો મળવા લાગ્યાં છે. પણ એક સામાન્ય નાગરિક તરીકે આપણે આ તણાવથી શું લેવા દેવા? આ યુદ્ધ જો થાય તો આપણાં રોજિંદા જીવન પર તે અસર કરી શકે. આપણા શાસકોની રાજનૈતિક સમજ આપણને લાભ કે નુકસાન કરાવી શકે!

પ્રથમ તો વાત એ કે યુદ્ધ નામથી જ નુકસાનકારક બાબત છે. એટલે તેના મૂળભૂત ફાયદા તો હોય જ નહીં, સાપેક્ષ લાભની ગેરલાભની ચર્ચા થઇ શકે! બીજી વાત એ છે કે હવે ખાનગીકરણ અને ઉદારીકરણના જમાનામાં દુનિયાના દેશો એકબીજા સાથે વધુ ને વધુ આર્થિક વ્યવહારોથી જોડાવા લાગ્યા છે. માટે હજારો માઈલ રહેલા દેશમાં થતી રાજકીય ઉથલપાથલો પણ આપણાં રોજિંદા આર્થિક જીવનને અસર પહોંચાડી શકે જ! ત્રીજી વાત એ કે રાજ્ય તરીકે ગુજરાત આર્થિક અને અન્ય બાબતોથી બીજા દેશો સાથે ઘણાં રાજ્યો કરતાં વધારે જોડાયેલું છે. માટે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓની ગુજરાત પર વધારે અસર પડી શકે છે.

હવે મૂળ વાત યુક્રેન અને રશિયાના સંદર્ભે વિચારીએ તો એક બાજુ આપણે રશિયાના જૂના મિત્ર છીએ. નહેરુના સમયમાં તો રશિયાના કેન્દ્રિય આયોજનથી આકર્ષાયેલા આપણે મિશ્ર અર્થતંત્રવાળા ભારતમાં સમાજવાદ તરફી ઝોક રાખ્યો એટલે રશિયા સાથે મોટા વિદેશ વેપારથી સંબંધો બંધાયા. ખાનગીકરણ ઉદારીકરણ ન હોવાથી ઘણી બધી બાબતમાં આપણે આયાત આધારિત અર્થતંત્ર ચલાવતા હતા. હવે આપણે રશિયા સાથે મૈત્રી છે, પણ આર્થિક બાબતોમાં આપણે રશિયા પર બહુ આધારિત નથી અને નીતિઓની રીતે જોઇએ તો પણ આપણે ખાનગીકરણ અને ઉદારીકરણ અપનાવતા અમેરિકા અને યુરોપના દેશો સાથે વ્યાપારિક સંબંધો વધ્યા છે. હજુ ગયા વર્ષોમાં તો અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથે આપણા વડા પ્રધાનશ્રીને મૈત્રીપૂર્ણ સંબંધો હતા.

હવે જયારે અમેરિકા અને રશિયા બન્ને સાથે સારા સંબંધ હોય અને અમેરિકા યુક્રેન બાજુએ બોલી રહેતું હોય ત્યારે જો યુદ્ધ થાય તો ભારતની રાજનૈતિક સમજ જ અગત્યની બને! જો યુદ્ધ થશે તો ક્રુડ પેદાશોના ભાવ ઉંચકાશે કારણ પેટ્રોલિયમ પેદાશોના ત્રણ મોટા પુરવઠાદાર છે.અમેરિકા, રશિયા અને અરબ રાષ્ટ્રો વચ્ચે રશિયાને પેટ્રોલિયમ પેદાશો નીચા દરે વેચવી પડે તે માટે અમેરિકાએ પોતાનો પુરવઠો વાપર્યો. અરબ રાષ્ટ્રોના પુરવઠાની ખરીદી ઓછી કરી માટે અરબ દેશોને પેટ્રોલિયમ પેદાશો નીચા ભાવે વેચવી પડી. હવે રશિયા યુદ્ધમાં જાય તો સ્વાભાવિક અરબ દેશો પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારી શકે અને ભારત જેવા આયાતકાર દેશનો ખર્ચ વધી જાય. આપણે યુક્રેન કે રશિયામાં ભણવા ગયેલાં નાગરિકોને તત્કાળ પાછા બોલાવ્યા તે આ તણાવની સીધી અસર છે પણ જો ખરેખર યુદ્ધ થાય તો આ આખા ભૂમિખંડમાં અરે-વ્યવહારને અસર થાય જ અને રશિયા-અરબરાષ્ટ્ર સુધી જમીન સરહદો ધરાવે છે ત્યારે ભારતનાં અન્ય રાષ્ટ્રો સાથેના અરે-વ્યવહારોને પણ અસર પડે!

દુનિયાના, મીડિયામાં બોલબાલા ભલે મૂડીવાદની હોય અને આકર્ષણ ભલે અમેરિકાનું હોય, પણ જો વાસ્તવમાં જોઇએ તો રશિયા ચીન બે જ દેશો ભેગા વિચારો તો સામ્યવાદ મોટો દેખાવા લાગશે! વિચારધારાની રીતે આ દેશો ભેગા થાય  ત્યારે મૂડીવાદી દેશો નાના લાગવા માંડે! યુદ્ધના ઓછાયા અન્ય રાષ્ટ્રો પર પડે તો ચીન, પાકિસ્તાન, અરબ સરહદ આ બધાનો ભારતે વિચાર કરવાનો થાય! ભારતના શાસકો માત્ર રાજ્યોની ચૂંટણી સભામાં આ યુદ્ધનો ઉલ્લેખ કરવાને બદલે વાસ્તવમાં પોતાની ભૂમિકા નક્કી કરે તે સમયની માંગ છે.આપણે યુદ્ધ થાય તો દેશના આર્થિક પ્રશ્નો કેવી રીતે ઉકેલશું? અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો ઉદ્દભવે તો શું કરીશું? આ બન્ને બાબતે સ્પષ્ટ થઇ જવાની જરૂર છે. આપણી સલાહથી અમેરિકા કે રશિયા કશું કરતા નથી. આપણે તેમના મધ્યસ્થી થવા કરતાં આપણા દેશના ટ્રસ્ટી થવાની જરૂર છે.  
         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top