Columns

વધુ ને વધુ શીખવા માટે

એક શિષ્ય ખૂબ જ હોશિયાર હતો.ગુરુજી કંઈ પણ પૂછે તે પ્રશ્ન પૂરો થવા પહેલાં જ જવાબ આપવા કૂદી પડતો. તેનો જવાબ મોટા ભાગે સાચો પણ પડતો.ગુરુજી કોઇ પણ પાઠ સમજાવે કે હજી પાઠ પૂરો પણ ન થાય તે પહેલાં કાં તો તે પ્રશ્નો પૂછવા માંડતો, કાં તો બોલવા લાગતો. મને બધું સમજાઈ ગયું.બીજા શિષ્યો  તેનાથી કયારેક પરેશાન થઇ જતા.ગુરુજીને પણ મનમાં ચિંતા થતી કે આમ તો આ શિષ્ય હોશિયાર છે પણ મને બધું આવડે છે.બધું જલ્દી સમજાય છે તેવું સાબિત કરવામાં બધું બરાબર ન સાંભળવાની તેની ઉતાવળ ક્યારેક નુકસાનકારક સાબિત થશે. ગુરુજીએ એક રસ્તો વિચાર્યો.તેમણે પ્રવચન બાદ કહ્યું, ‘આજે હું તમને તમે વધુ ને વધુ કઈ રીતે શીખી શકો તેવા રસ્તા બતાવવાનો છું.’ હજી ગુરુજી આગળ કંઈ બોલે તે પહેલાં જ પેલો શિષ્ય કૂદી પડ્યો, ‘ગુરુજી, વધુ ને વધુ કઈ રીતે શીખી શકાય તે રીતો મને ખબર છે.

આપ આજ્ઞા આપો તો હું સમજાવું.’ ગુરુજીએ હા પાડી, શિષ્ય જરા ગર્વ સાથે ઊભો થયો અને ગુરુજીની બાજુમાં આવી ઊભો રહી સમજાવવા લાગ્યો, ‘સૌથી વધુ શીખવા માટે આપણે વધુ ને વધુ અધ્યયન કરવું જોઈએ.વધુ ને વધુ શીખવા માટે આપણે બધા પાઠ મોઢે કરી લેવા જોઈએ.વધુ ને વધુ શીખવા માટે આપણે યાદશક્તિ વધારવાના પ્રયત્નો કરવા જોઈએ.વધુ ને વધુ શીખવા માટે દરેક પ્રશ્નના જવાબ આપવા જોઈએ.વાંચન વધારવું જોઈએ, ચર્ચાઓમાં ભાગ લેવો જોઈએ વગેરે વગેરે.’ શિષ્યે ઘણી વાતો કરી. પછી હમણાં ગુરુજી શાબાશી આપી વખાણ કરશે તે રીતે ગુરુજી સામે જોયું અને બોલ્યો, ‘ગુરુજી કોઇ પણ વ્યક્તિ વધુ ને વધુ શીખી શકે તે માટે મેં કહી તે બધી રીત સાચી છે ને?’

ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘ના વત્સ,’ પેલો શિષ્ય જરા ભોંઠો પડ્યો અને બીજા શિષ્યો ધીમું હસ્યા.ગુરુજી બોલ્યા, ‘વત્સ, તું તારા જ્ઞાનનું પ્રદર્શન કરવામાં બહુ ઉતાવળ કરે છે. આજે પણ કરી. મેં કહ્યું હતું હું આજે તમને વધુ ને વધુ કઈ રીતે શીખી શકાય તેવી રીતો સમજાવીશ અને તે જે રીતો કહી તે શીખવાની રીત છે વધુ ને વધુ શીખવાની નહિ.’ શિષ્ય મૂંઝાયો, ધીમે અવાજે બોલ્યો, ‘ ગુરુજી, એવી કઈ રીતો છે જેનાથી વધુ ને વધુ  શીખી શકાય.’ ગુરુજી બોલ્યા, ‘હું તે જ તો સમજાવતો હતો, પણ તેં મારી વાત પૂરી સાંભળી જ નહિ.ચલ, હવે સાંભળ.વધુ ને વધુ મહત્તમ શીખવા માટે ધ્યાન આપીને સાંભળવું જરૂરી છે.કોઇ પણ વાત, પાઠ,પ્રવચન કે પ્રશ્ન પૂરેપૂરો ધ્યાનથી સાંભળવો જરૂરી છે.વધુ ને વધુ શીખવા આજુબાજુ સતત જાગૃત રહી અવલોકન કરવું જરૂરી છે.વધુ ને વધુ શીખવા માટે મૌન રહીને મનન કરવું જરૂરી છે.આમ કરતાં શીખશો તો વધુ સારી રીતે કોઈ પણ વસ્તુ સમજી શકશો અને શીખી શકશો.’ ગુરુજીએ શિષ્યને તેની ભૂલ સમજાવી સાચો રસ્તો દેખાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top