Columns

જીવવા માટે શું કરો છો?

એક ટ્રેનમાં બે અજાણ્યા મુસાફરો વાતો કરી રહ્યા હતા.ક્યાં ઉતરવાના છો? પ્રશ્નથી થતી શરૂઆત અનેક પ્રશ્નો સુધી લંબાતી.એક ભાઈ એકલા હતા.પાસે લેપટોપ ,મોબાઈલ ફોન હતો પણ તેમાં માત્ર કામની વાતો અને મેઈલ્સ કરી તેમણે એક પુસ્તક કાઢીને વાંચવાનું શરૂ કર્યું.બાજુમાં એક પતિ ,પત્ની અને દીકરો એમ નાનું ફેમીલી હતું અને બીજા બે સીનીયર સીટીઝન્સ કાકા -કાકી હતાં.એકલા ભાઈ પુસ્તક વાંચી રહ્યા હતા. કાકાએ કાકીને કહ્યું ચા કાઢ અને કાકીએ થર્મોસમાંથી ચા કાઢી કાકાને આપી અને પેલા એકલા ભાઈને અને બીજા દંપતીને પણ ખાસ આગ્રહ કરી આપી.કાકીના આગ્રહ સામે પેલા ભાઈ ના ન પાડી શક્યા.ઘરની આદુવાળી ચા ની સુગંધ પણ બહુ સરસ હતી.ચા પીતાં પીતાં કાકાએ પૂછ્યું, ‘જીવન જીવવા માટે શું કરો છો? હું તો રીટાયર ગવર્નમેન્ટ ઓફિસર છું અને પત્ની પણ બેંકમાં ઓફિસર છે. બે વર્ષમાં રીટાયર થશે. પેલા પતિ પત્નીએ કહ્યું, ‘અમારો ગાર્મેન્ટનો બીઝનેસ છે.’પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘હું તો જીવન જીવવા કોમેડી ફિલ્મો જોઉં છું …રોજ સંગીત સાંભળું છું …રોજ ગલીનાં બાળકોને ભણાવું છું.પોતાની બેગમાંથી વાંસળી કાઢી કહ્યું.આ વગાડું છું અને વાંચન કરું છું અને એકલો ફરવા નીકળી પડું છું અને તેના અનુભવો લખું છું.’

આ જવાબ સાંભળીને બધાને થોડી નવાઈ લાગી. કાકાએ પૂછ્યું, ‘ભાઈ ,એટલે કંઈ સમજાયું નહિ.વાંસળી વગાડે છે.લખે છે …બીજું બધું તો બધા જ કરતા હોય પણ તું જીવન જીવવા પૈસા કઈ રીતે કમાય છે તે સમજાયું નહિ મને….’ પેલા ભાઈ હસ્યા અને બોલ્યા, ‘કાકા તમે પૂછ્યું જીવન જીવવા શું કરે છે ?? તો આ બધું હું જીવનની એક એક ક્ષણને જીવવા માટે …આનંદથી ભરી દેવા માટે કરું છું..રહી વાત પૈસા કમાવાની તો તે માટે હું કોલેજમાં પ્રોફેસર છું.પણ કાકા જીવન જીવવા માટે કંઈ માત્ર પૈસા કમાવા જ જીવવું જરૂરી નથી.જીવન જીવવા માટે મનગમતી અને મનને શાંતિ આપતી પ્રવૃત્તિઓ કરવી પણ જરૂરી છે અને હમણાં પૈસા કમાઈ લઈએ પછી જે કરવું હશે તે કરીશું એમ વિચારતા રહી મનગમતી પ્રવૃત્તિઓને પાછળ ઠેલતાં જવા કરતાં આજથી જ જીવનમાં સાથે જ સમય કાઢી કરવાની જરૂર છે.

કાકા બોલ્યા, ‘અરે વાહ દોસ્ત શું વાત કરી તે …એકદમ સાચી વાત છે …મને હજી અફસોસ છે કે હું પેન્ટિંગનો શોખ પૂરો ન કરી શક્યો…’કાકી અને પેલા ભાઈ એક સાથે બોલ્યા, ‘અફ્સોસ શું કામ કરો છો…હજી ક્યાં મોડું થયું છે શરૂ કરી દો.’કાકીએ આગળ કહ્યું, ‘ચાલો , ઘરે જઈને તમે ડ્રોઈંગ પેન્ટિંગ શીખજો અને હું ફરીથી ગાવાનો રીયાઝ શરૂ કરી દઈશ.’અને પછી પેલા ભાઈને કહ્યું, ‘ભાઈ, તેં તો નવી દિશા , નવી રીત સમજાવી થેંકયુ …’આ વાતો સાંભળનાર બધા પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવાનું વિચારવા લાગ્યા.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top