Editorial

માસ્ક પહેરવા સહિતની તકેદારી લેવાશે નહીં તો કોરોનાના કેસ વધશે જ

જ્યારથી વિશ્વનું સર્જન થયું. માનવજાતની વસ્તી થઈ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં અનેક મહામારીઓ આવી ગઈ પરંતુ કોરોનાની મહામારી એવી છે કે જે એક વર્ષ થઈ જવા છતાં પણ જવાનું નામ લેતી નથી. વચ્ચે કોરોનાના કેસ ઘટ્યાં ત્યારે એવું મનાયું કે હવે કોરોનાની વેક્સિન આવી ગઈ છે અને કોરોનાના કેસ ઘટી જશે પરંતુ ઘટેલા કેસ ફરી વધવા માંડ્યાં છે.

લોકો બિન્દાસ્ત થઈ ગયા અને કોરોનાએ ફરી ફુંફાડો માર્યો છે. ભારતમાં કેસની રોજની સંખ્યા ઘટીને 20 હજારથી ઘટી ગઈ હતી તે એક અઠવાડિયાથી વધવા માંડી છે. કોરોનાના નવા નવા સ્ટ્રેઈન આવી રહ્યાં છે અને લોકો ફરી લોકડાઉનની સ્થિતિમાં ધકેલાઈ રહ્યાં છે.

આ માટે જેટલા લોકો જવાબદાર છે તેનાથી વધારે સરકારી તંત્ર પણ જવાબદાર છે. સરકારી તંત્ર દ્વારા મોટા મેળાવડાઓ સામે આંખ આડા કાન કરવામાં આવ્યાં અને સાથે સાથે એટલી છૂટ મુકવામાં આવી કે કોરોનાના કેસ વધવા માંડે.

કોરોનાના કેસ નાબુદ થઈ જાય તેવી દૂરદૂર સુધી કોઈ જ પરિસ્થિતિ દેખાતી નથી. આખા વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 11.20 કરોડ પર પહોંચી ગઈ છે. વિશ્વમાં કોરોનાના કેસમાં અમેરિકા પ્રથમ નંબરે છે. તા.24મી ફેબ્રુઆરી, 2021 સુધીમાં અમેરિકામાં કોરોનાના 2.89 કરોડ કેસ નોંધાયા છે.

જ્યારે ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1.10 કરોડ પર પહોંચી ગઈ છે. કોરોનાના કેસની સંખ્યામાં ભારત આખા વિશ્વમાં બીજા ક્રમે છે. ભારતમાં કોરોનાને કારણે 1.50 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજુ પણ કોરોનાને કારણે મોતની સંખ્યા વધી જ રહી છે. કોરોનાને અટકાવવા માટે તકેદારી રાખવી જરૂરી છે.

માસ્ક પહેરવું, સેનિટાઈઝેશન કરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું મુખ્ય છે. પરંતુ લોકો તેના માટે તૈયાર નથી. લોકો માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે તૈયાર નથી અને તેને કારણે કોરોનાના કેસ વધી રહ્યાં છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોનાકાળમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવામાં આવી. ચૂંટણી પ્રચારમાં ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા કોરોનાની ગાઈડલાઈનની એૈસીતૈસી કરવામાં આવી. માસ્ક પહેરવામાં આવ્યા નહીં અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી દેવામાં આવ્યાં. ગુજરાતમાં કોરોના જે ધીરેધીરે કાબુમાં આવી રહ્યો હતો.

તે ફરી વિસ્ફોટક સ્થિતિ પર પહોંચવા માંડ્યો. સુરતમાં કોરોનાના કેસ ઘટીને 22 થઈ ગયા હતાં તે ફરી વધીને 60ની આસપાસ પહોંચવા માંડ્યાં. આખા દેશમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. સરકાર દ્વારા કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વેક્સિનેશન ડ્રાઈવ ચલાવવામાં આવી. જોકે, અનેક દ્વારા વેક્સિન લેવામાં આવી નથી. જે કોરોનાના વધુને વધુ વકરાવી શકે તેમ છે.

આગામી માર્ચ માસથી 50 વર્ષથી વધુની વયના અને કો-મોર્બિડ લોકો માટે સરકાર દ્વારા કોરોનાની વેક્સિન આપવા માટેની ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવશે. સરકાર દ્વારા વેક્સિનેશન કરાય ત્યાં સુધીમં કોરોનાના મામલે ભારતના દરેક નાગરિકે ધ્યાન રાખવું જરૂરી છે. સરકારે પણ જ્યાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતો હોય ત્યાં વધારે કડકાઈ રાખી કોરોનાના કેસ વધી નહીં તેની તકેદારી રાખવાની જરૂરીયાત છે.

જ્યાં સુધી આખા ભારતમાં વેક્સિનેશન ડ્રાઈવ પુરી નહીં થાય ત્યાં સુધી કોરોનાના કેસ સંપૂર્ણપણે કાબુમાં આવે તેવી સંભાવના ઓછી છે. આ સંજોગોમાં લોકો કોરોનાથી બચવા માટેની તકેદારીઓ રાખે તે જરૂરી છે.

આટલું જ નહીં, સરકારી તંત્ર દ્વારા પણ કોરોનાને કાબુમાં લેવા માટે પગલાઓ લેવામાં આવે તે જરૂરી છે. કોરોનાની વેક્સિન લેવાનું ફરજિયાત કરવામાં આવે તે જરૂરી છે. વેક્સિન લેનાર પોતાને તો બચાવે જ છે પરંતુ સાથે સાથે પોતાની સંપર્કમાં આવનારને પણ કોરોનાથી બચાવે છે.

જ્યાં પણ મેળાવડાઓ થાય ત્યાં કોરોનાના કેસના ટેસ્ટિંગ કરવામાં આવે તો પણ કોરોના કાબુમાં આવી શકે તેમ છે. જો સરકાર અને લોકો સહયોગ નહીં કરે તો કોરોના કાબુમાં આવશે જ નહીં તે નક્કી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top