India

તમિલનાડુમાં હવે વિજય સરકાર: થલપતિ વિજયે મુખ્યમંત્રી પદની શપથ લીધી

તમિલનાડુની રાજનીતિમાં આજે એક ઐતિહાસિક ફેરફાર જોવા મળ્યો છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અને ટીવીકે (Tamilaga Vettri Kazhagam) પાર્ટીના નેતા થલપતિ વિજયે આજે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી રાજ્યની સત્તા સંભાળી છે. ચેન્નાઈ સ્થિત નેહરુ સ્ટેડિયમમાં યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારંભમાં રાજ્યપાલે તેમને પદ અને ગોપનીયતાની શપથ અપાવી હતી.

તમિલનાડુમાં આજે નવી સરકારની સત્તાવાર શરૂઆત થઈ છે. વી.સી.કે. (VCK) અને આઈ.યુ.એમ.એલ. (IUML)ના સમર્થન બાદ ટીવીકેને સરકાર બનાવવાનો માર્ગ સરળ બન્યો હતો. મુખ્યમંત્રી વિજય સાથે ટીવીકેના 9 ધારાસભ્યોએ પણ મંત્રી પદની શપથ લીધી હતી.

આ ભવ્ય સમારંભમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ દરમિયાન રાહુલ ગાંધી અને થલપતિ વિજય વચ્ચે મંચ પર ચર્ચા કરતા દૃશ્યો પણ જોવા મળ્યા હતા. રાજકીય પ્રોટોકોલ મુજબ, રાજ્યના નિવર્તમાન મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને પણ સમારંભ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.માહિતી મુજબ, શપથ ગ્રહણનો સમય પહેલા બપોરે 3:45 કલાકનો નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં વિજયના જ્યોતિષીએ સવારે 10 વાગ્યાનો શુભ સમય સૂચવતા સમય બદલવામાં આવ્યો હતો.

શપથ ગ્રહણ પહેલા 9 મેના રોજ વિજયે લોક ભવનમાં તમિલનાડુના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ટીવીકે વિધાનમંડળ દળના નેતા તરીકે પોતાની પસંદગી અંગેનું પત્ર રાજ્યપાલને સોંપ્યું હતું. ત્યારબાદ રાજ્યપાલે તેમને સત્તાવાર રીતે મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરી સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું. સાથે જ રાજ્યપાલે વિજયને 13 મે 2026 પહેલા વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે સૂચના આપી છે.

થલપતિ વિજયના મુખ્યમંત્રી બનવાથી તેમના પરિવારજનો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વિજયના પિતા અને જાણીતા ફિલ્મ નિર્દેશક એસ.એ. ચંદ્રશેખરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “હું ખૂબ ખુશ છું. મેં જીવનભર મારા પુત્ર માટે મહેનત કરી છે અને હવે વિજય મારફતે તમિલ લોકોની જીત થઈ છે.”મંત્રિમંડળમાં શપથ લેનાર મહત્વના ચહેરાઓમાં ગોબીચેટ્ટિપાલયમ બેઠક પરથી જીતેલા કે.એ. સેંગોટ્ટૈયનનો સમાવેશ થાય છે. તેઓ નવમી વાર ધારાસભ્ય બન્યા છે અને અગાઉ લાંબા સમય સુધી એઆઈએડીએમકે સાથે જોડાયેલા રહ્યા હતા.

ટીવીકેના મહાસચિવ કે.જી. અરુણ રાજે પણ મંત્રી પદની શપથ લીધી હતી. તેઓ તિરુચેંગોડે બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે અને ભૂતપૂર્વ આઈઆરએસ અધિકારી તરીકે જાણીતા છે. પાર્ટીના મુખ્ય વ્યૂહરચનાકાર આધવ અર્જુને પણ મંત્રી તરીકે શપથ લીધી હતી. તેઓ વિલ્લિવક્કમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને અગાઉ વી.સી.કે.ના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે.આ ઉપરાંત ત્યાગરાજનગર બેઠક પરથી જીતેલા થિરુ એન. આનંદે પણ મંત્રી પદ સંભાળ્યું. તેઓ ટીવીકેના મહાસચિવ અને પ્રવક્તા તરીકે પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

ફિલ્મી દુનિયાથી રાજકારણ સુધીનો થલપતિ વિજયનો સફર હવે રાજ્યના સર્વોચ્ચ પદ સુધી પહોંચી ગયો છે. તમિલનાડુની રાજનીતિમાં આ પરિવર્તનને એક નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top