Dakshin Gujarat

ભારે વરસાદથી વલસાડના 24 રસ્તા બંધ રહ્યા

વલસાડ : વલસાડમાં (Valsad) છેલ્લા ચાર દિવસથી (Last Four Days) વરસી રહેલા ભારે વરસાદને (Heavy Rain) લઈ ફરીથી જિલ્લો જળબંબાકાર થઈ ગયો હતો. અનેક નદી-નાળાઓના નીર ઉપર આવી ગયા હતા. જેના કારણે સતત ચાર દિવસ સુધી જિલ્લાના 24 માર્ગો બંધ (Road Close) થઈ ગયા હતા. શનિવારે સવારે પણ જિલ્લાના 24 માર્ગો બંધ રહ્યા હતા. જોકે ત્યારબાદ વરસાદ ધીમો પડતા આ માર્ગો ધીરે ધીરે ખુલ્યા હતા. બપોર પછી તડકો પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વલસાડ જિલ્લામાં 24 કલાકમાં વલસાડમાં 6.1 ઈંચ, કપરાડામાં 3.2 ઈંચ, પારડીમાં 3.2 ઈંચ, ધરમપુરમાં 2.8 ઈંચ અને વાપીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

અનેક વિસ્તારોમાં પાણી નહીં ઉતરતા પરિસ્થિતિ કફોડી બની

વલસાડમાં શુક્રવારે સાંજે બે કલાકમાં પડેલા ત્રણ ઇંચ વરસાદના કારણે શહેરભરમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ ગયો હતો. ત્યારબાદ વરસાદ ધીમો તો પડ્યો હતો, પરંતુ ધીમી ગતિએ સતત રાત્રી દરમિયાન પણ ચાલુ રહ્યો હતો. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી નહીં ઉતરતા પરિસ્થિતિ કફોડી બની હતી. વલસાડના તિથલ રોડ નાનક વાડા વિસ્તારના દેવ એવન્યુ અને શાંતિવન સોસાયટીમાં પાણી ભરાયા હતા. જકાતનાકા પાસેની એક બિલ્ડીંગમાં પહેલા માળ સુધી પાણી આવી ગયા હતા. જેને લઇ લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.વલસાડ શહેર સિવાય જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જોકે શુક્રવાર સાંજે વલસાડ સિવાયના અન્ય તાલુકામાં વરસાદ ધીમો પડ્યો હોય ત્યાં લોકોએ રાહત અનુભવી હતી. ત્યારબાદ શનિવારે સમગ્ર જિલ્લામાં વરસાદ ધીમો પડ્યો હતો, બપોર પછી વલસાડમાં તડકો નિકળતાં ભરાયેલા પાણી ઓસરી ગયા હતા.

તાપી જિલ્લામાં મધ્ય રાત્રિએ ૧૨ વાગ્યા સુધી વરસ્યા બાદ વરસાદનો વિરામ
વ્યારા: તાપી જિલ્લામાં ૧૬મી સપ્ટેમ્બરની મધ્યરાત્રીએ ૧૨ વાગ્યા સુધી વરસ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો. આખો દિવસ વરસાદ ન પડતાં તેમજ વરસાદના હવે વિરામનાં અણસાર દેખાતાં ખેડૂતોએ પણ રાહત અનુભવી છે. શુક્રવારે સાંજે ૬ વાગ્યાથી મધ્ય રાત્રિએ ૧૨ વાગ્યા સુધીમાં ડોલવણમાં ૧૬ મીમી, વ્યારામાં ૩૩ મીમી, વાલોડમાં ૩૧ મીમી અને સોનગઢમાં ૫ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે શનિવારે દિવસ દરમિયાન માત્ર ડોલવણમાં ૨ મીમી વરસાદ પડ્યો હતો.

Most Popular

To Top