National

ઉત્તરાખંડમાં વરસાદથી તબાહી! 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, કારગિલ-ઉત્તરકાશીમાં આભ ફાટ્યું

નવી દિલ્હી: ઉત્તરાખંડમાં (Uttarakhand) શુક્રવારે મોડી રાતથી સતત વરસાદ (Rain) પડી રહ્યો છે. નદીઓનાં (River) પાણીમાં ઉછાળો આવ્યો છે. અનેક જગ્યાએ વાદળ ફાટવાના બનાવો સામે આવ્યા છે. ભૂસ્ખલનને (Landslide) કારણે અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોના એક ભાગ સહિત અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. તે જ સમયે પિથોરાગઢ જિલ્લાના બાંગપાનીમાં વરસાદને કારણે ગટરનાં પાણી પર રસ્તા ઉપર વહી રહ્યાં છે. હવામાન વિભાગે શુક્રવારે ઉત્તરાખંડના સાત જિલ્લાઓ માટે 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એવો અંદાજ છે કે શનિવાર બપોર સુધી હરિદ્વાર, ઉત્તરકાશી, ટિહરી, પૌડી, દેહરાદૂન, પિથોરાગઢ, બાગેશ્વર, ચંપાવતમાં ભારે વરસાદ થઈ શકે છે.

ભારે વરસાદને કારણે ઉત્તરકાશીમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. બારકોટ નજીક રાજતર ગંગનાની વિસ્તારમાં વરસાદને કારણે ઘણું નુકસાન થયું હોવાની આશંકા છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તેમજ તબાહીના દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે.

ઉત્તરકાશીમાં ભારે વરસાદને કારણે બરકોટમાં કન્યા શાળા પાણીથી ભરાઈ ગઈ હતી. રાજતરમાં ત્રણ ગટર ઉભરાઈ છે. વરસાદના કારણે જગ્યાએ જગ્યાએથી પથ્થરો અને કાટમાળ રસ્તા પર આવી જતાં ક્વિક રિસ્પોન્સ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી શકી નથી. અહીંના બારકોટ તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી આવાસીય કન્યા શાળામાં પણ પાણી ભરાઈ ગયું હતું. SDRFની ટીમે શાળાનું નિરીક્ષણ કર્યું છે.

હવામાન કેન્દ્રના નિર્દેશક ડૉ. વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર 23 જુલાઈએ પિથોરાગઢ, બાગેશ્વર, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, 24 જુલાઈએ દેહરાદૂન, પૌરી ચમોલી, નૈનીતાલ, પિથોરાગઢ અને બાગેશ્વર જિલ્લામાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

પૌરીના થાલીસૈનમાં શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું હતું. જેના કારણે કાટમાળ રસ્તા પર આવી ગયો હતો. રસ્તાઓ બ્લોક થઈ ગયા. આ ઉપરાંત યમુનોત્રી અને બદ્રીનાથ માર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાટમાળના કારણે 85 થી વધુ સંપર્ક માર્ગો બંધ થઈ ગયા છે. આ ઉપરાંત 200થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. બીજી બાજુ ચમોલીમાં પહાડોમાં અવિરત વરસાદને કારણે, ગેરસૈનથી કર્ણપ્રયાગ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 109ને કાલીમાટીમાં ખરાબ રીતે નુકસાન થયું છે જેના પછી અહીંની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. ભારે ભૂસ્ખલનને કારણે હલ્દવાની-નૈનીતાલ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.

સતત વરસાદ અને શ્રીનગર ડેમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે ગંગાનું જળ સ્તર સતત ખતરાના નિશાન સુધી પહોંચી રહ્યું છે. ગંગાના વધતા જળ સ્તરથી લોકો ડરી રહ્યા છે. હરિદ્વારમાં હાલમાં ગંગા ખતરાના નિશાનથી એક મીટર નીચે છે પરંતુ હરિદ્વારના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફેલાઈ ગયા છે. ગંગામાં ઉપનદીઓમાંથી પાણી સતત આવી રહ્યું છે. તેને જોતા NDRF ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે.

બિજનૌરના ઘણા ગામો પૂરથી પ્રભાવિત બિજનૌરના ઘણા ગામો પૂરથી પ્રભાવિત છે. ગંગાનું જળસ્તર વધવાને કારણે લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા હતા. નદીના જોરદાર પ્રવાહ વચ્ચે બસ ફસાઈ ગઈ.બિજનૌરમાં ભગુવાલાની કોતવાલી નદીનું જળસ્તર ઘણું વધી ગયું છે. આ નદી પૂરજોશમાં છે. દરમિયાન રૂફડિયા ડેપો ખાતે નજીબાબાદથી હરિદ્વાર જઈ રહેલી બસ નદીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. બસમાં બે ડઝનથી વધુ મુસાફરો હાજર હતા. બસ નદીમાં ફસાઈ જતાં મુસાફરો રડવા લાગ્યા હતા. પાણીના જોરદાર પ્રવાહને કારણે વહીવટી તંત્રને બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જેસીબી મશીનની મદદથી બ્રિજ ઉપરથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

બીજી તરફ 21મી જુલાઈની મોડી રાત્રે ઉત્તરકાશી અને કારગિલમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. જ્યારે યુપીના બિજનૌરના મંડાવલીમાં કોટાવાલી નદીનો જળસ્તર વધવાને કારણે પાણીના ભારે વહેણમાં બસ ફસાઈ ગઈ હતી. બસમાં 24 મુસાફર સવાર હતા. રેસ્ક્યૂ-એપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રાજ્યના 13 જિલ્લાઓમાં પૂરથી તબાહી
ઉત્તર પ્રદેશમાં 13 જિલ્લા પૂરના વિનાશનો સામનો કરી રહ્યા છે. માહિતી અનુસાર, આગ્રા, અલીગઢ, બિજનૌર, બદાઉન, ફરુખાબાદ, ફિરોઝાબાદ, ગાઝિયાબાદ, મથુરા, મેરઠ, મુઝફ્ફરનગર, સહારનપુર, શાહજહાંપુર અને શામલીના 385 ગામોના 46,830 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ વધુ વિકટ બની શકે છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરી છે.

Most Popular

To Top