ઈરાની મિસાઇલ હુમલામાં બે અમેરિકન જવાનોના મોત, એક લાપતા; ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યા, હોર્મુઝ જળમાર્ગને લઈને પણ વધ્યું વૈશ્વિક ટેન્શન
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં હવે વધુ એક મોટું વળાંક આવ્યું છે. જોર્ડનમાં આવેલી અમેરિકન સૈન્ય સુવિધા પર થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં બે અમેરિકન સૈનિકોના મોત તથા એક સૈનિક લાપતા થયા બાદ અમેરિકાએ ઈરાન સામે ફરી એકવાર વ્યાપક હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. તેમજ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર આ હુમલાઓનો હેતુ ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો અને અમેરિકન દળો પર થયેલા હુમલાનો જવાબ આપવાનો છે.
અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથક પર ઈરાન તરફથી બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે સૈનિકોએ જીવ ગુમાવ્યો જ્યારે એક સૈનિક હજુ પણ લાપતા છે. અન્ય કેટલાક જવાનો ઘાયલ થયા હતા, જોકે તેમને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું જણાવાયું છે. આ ઘટનાએ અમેરિકામાં ભારે રાજકીય અને સૈન્ય પ્રતિક્રિયા જગાવી છે. ઘટના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક બોલાવી હતી. બેઠકમાં રક્ષણ વિભાગ, સેન્ટ્રલ કમાન્ડ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ સાથે ચર્ચા બાદ ઈરાન સામે નવા એરસ્ટ્રાઈકને મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ અમેરિકન લડાકુ વિમાનો અને લાંબા અંતરની ક્ષેપણાસ્ત્ર ક્ષમતાનો ઉપયોગ કરીને ઈરાનના દક્ષિણ વિસ્તારોમાં આવેલા અનેક સૈન્ય મથકો, રડાર સિસ્ટમો, સર્વેલન્સ સેન્ટરો અને વ્યૂહાત્મક માળખાઓને નિશાન બનાવવામાં આવ્યા.
અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહીનો હેતુ યુદ્ધને વધુ વિસ્તૃત કરવાનો નથી, પરંતુ અમેરિકન સૈનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ઈરાનને વધુ હુમલાથી રોકવાનો છે. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે હોર્મુઝની ખાડી વિસ્તારમાં વેપારી જહાજોની અવરજવર સુરક્ષિત રાખવી પણ અમેરિકાની પ્રાથમિકતા છે, કારણ કે આ માર્ગ વિશ્વના ઊર્જા વેપાર માટે અત્યંત મહત્વનો છે.બીજી તરફ ઈરાને અમેરિકાના હુમલાને આક્રમક કાર્યવાહી ગણાવી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ મોજતબા ખામેનેઈએ ચેતવણી આપી છે કે અમેરિકા તેના આ પગલાં માટે “ભૂલી ન શકાય એવો જવાબ” મેળવશે. ઈરાને એવો પણ દાવો કર્યો કે અમેરિકી હુમલાથી મોટા પાયે નુકસાન થયું નથી અને તેની સૈન્ય ક્ષમતા યથાવત છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ છેલ્લા કેટલાક મહિનાથી સતત વધી રહ્યો છે. શરૂઆતમાં મર્યાદિત સૈન્ય કાર્યવાહી સુધી સીમિત રહેલો વિવાદ હવે ખુલ્લા હવાઈ હુમલાઓ, મિસાઇલ હુમલાઓ અને ડ્રોન યુદ્ધ સુધી પહોંચી ગયો છે. બંને દેશો એકબીજાના સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધી રહી છે.જોર્ડન પર થયેલો હુમલો આ સંઘર્ષમાં મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહ્યો છે. કારણ કે આ પહેલીવાર છે જ્યારે અમેરિકાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ઈરાની હુમલામાં તેના બે સૈનિકોના મોત થયા છે. અમેરિકી રાજકીય વર્તુળોમાં હવે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાના તાજેતરના એરસ્ટ્રાઈકથી ઈરાનની કેટલીક વ્યૂહાત્મક સુવિધાઓને નુકસાન પહોંચ્યું હોઈ શકે છે, પરંતુ તેના બદલામાં ઈરાન પણ વધુ મોટા પાયે પ્રતિક્રિયા આપી શકે છે. આ સ્થિતિ સમગ્ર મધ્ય પૂર્વને લાંબા ગાળાના યુદ્ધ તરફ ધકેલી શકે છે.આ દરમિયાન હોર્મુઝ જળમાર્ગ ફરી એકવાર વૈશ્વિક ચિંતાનું કેન્દ્ર બન્યો છે. વિશ્વના આશરે પાંચમા ભાગનું ક્રૂડ ઓઈલ આ જળમાર્ગ મારફતે પસાર થાય છે. અહીં કોઈપણ પ્રકારનો સૈન્ય સંઘર્ષ વૈશ્વિક તેલ પુરવઠા અને ભાવ પર સીધી અસર કરી શકે છે. અનેક આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓએ પણ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ગલ્ફ દેશોએ બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોએ યુદ્ધને વધુ વિસ્તરતું અટકાવવા માટે રાજદ્વારી ચર્ચા શરૂ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. જો સંઘર્ષ વધુ વધશે તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ વૈશ્વિક અર્થતંત્ર, ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પણ પડશે. અમેરિકી સૈન્યએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેના દળો પર હુમલાનો ખતરો રહેશે ત્યાં સુધી જરૂરી હોય તેવી કાર્યવાહી ચાલુ રહેશે. બીજી તરફ ઈરાને પણ પોતાના સૈન્યને હાઈ એલર્ટ પર રાખ્યું છે અને વધુ હુમલાની સ્થિતિમાં કડક જવાબ આપવાની ચેતવણી આપી છે.
રક્ષણ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જો વર્તમાન પરિસ્થિતિમાં બંને દેશો વચ્ચે સીધી અથડામણ વધુ વધી તો પશ્ચિમ એશિયામાં મોટા પાયે યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં જોર્ડન, કુવૈત, બહેરિન, સાઉદી અરેબિયા સહિતના દેશોમાં આવેલી અમેરિકન સૈન્ય છાવણીઓ પણ વધુ જોખમમાં આવી શકે છે.વિશ્વભરના શેરબજારો અને ક્રૂડ ઓઈલ માર્કેટ પણ આ ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છે. રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી રહી છે અને આગામી દિવસોમાં તેલના ભાવમાં વધુ તેજી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ સમગ્ર વિશ્વની નજર અમેરિકા અને ઈરાનની આગામી કાર્યવાહી પર ટકેલી છે. જો બંને દેશો વચ્ચે હુમલા અને જવાબી હુમલાનો સિલસિલો ચાલુ રહેશે તો મધ્ય પૂર્વમાં સુરક્ષા સંકટ વધુ ગંભીર બની શકે છે. જો કે બીજી તરફ રાજદ્વારી પ્રયાસો સફળ રહેશે તો પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ માટે અમેરિકાએ પોતાના સૈન્ય મથકોની સુરક્ષા વધારી દીધી છે અને ઈરાને પણ પોતાની રક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પગલાં લીધા છે. સમગ્ર વિશ્વ હવે આગામી કલાકો અને દિવસોમાં થનારા વિકાસ પર નજર રાખી રહ્યું છે.