India

મેઘરાજાનો મહાપ્રકોપ! IMDનું રેડ એલર્ટ: આગામી 48 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ,વાવાઝોડું અને વીજળીનો ખતરો

પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરાખંડ માટે રેડ એલર્ટ જાહેર; અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની ચેતવણી, નદી-નાળા છલકાવા અને ભૂસ્ખલનની શક્યતા

દેશના અનેક રાજ્યોમાં ચોમાસું હવે વધુ આક્રમક બનવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 48 કલાકને અત્યંત મહત્વપૂર્ણ ગણાવતાં અનેક રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરાખંડમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વ, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ભૂસ્ખલન, માર્ગ વ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી બે દિવસ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત કુલ 16 રાજ્યોમાં ભારે વરસાદની અસર જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ સાથે તેજ પવન, ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના હોવાથી સ્થાનિક પ્રશાસનને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ખુલ્લા મેદાનો, વૃક્ષો નીચે અથવા વીજ થાંભલાઓની નજીક ઉભા ન રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. તેમજ ઉત્તરાખંડ અને સિક્કિમ જેવા પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધવાની શક્યતા છે. ચારધામ યાત્રા સહિત પર્વતીય માર્ગો પર મુસાફરી કરતા લોકોને હવામાનની તાજી માહિતી મેળવીને જ પ્રવાસ કરવાની સલાહ આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવા, વાહનવ્યવહાર પ્રભાવિત થવા અને સામાન્ય જનજીવન પર અસર થવાની શક્યતા છે. સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાઈ શકે છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ ટ્રાફિક અને દૈનિક જીવન પર તેની અસર પડી શકે છે. IMDએ ખેડૂતોને પણ સાવચેતી રાખવાની અપીલ કરી છે. ખેતરમાં પડેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડવો, પાણીની યોગ્ય નિકાસની વ્યવસ્થા કરવી અને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને કૃષિ કામગીરીનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે.

આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને સ્થાનિક પ્રશાસનને સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખવા તેમજ જરૂર પડ્યે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર હવામાન બુલેટિન પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે. આગામી 48 કલાક દરમિયાન પરિસ્થિતિમાં ફેરફાર થઈ શકે છે, તેથી સમયાંતરે જાહેર થતી નવીનતમ આગાહીઓ પર નજર રાખવી જરૂરી રહેશે.

Most Popular

To Top