Vadodara

ગુજરાતના ૧૭,૦૦૦ રેશનિંગ દુકાનદારોના કમિશનમાં બમ્પર વધારો, હવે મળશે પ્રતિ ક્વિન્ટલ ₹૧૮૫

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંવેદનશીલ નિર્ણય, મોંઘવારીમાં સંચાલકોને મળશે મોટી રાહત, સરકાર કરશે ₹૬૭.૨૦ કરોડનો ખર્ચ

(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૯

વડોદરા :- ગુજરાત રાજ્યમાં જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વાજબી ભાવની દુકાનોના સંચાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરની ૧૭,૦૦૦થી વધુ રેશનિંગની દુકાનોના સંચાલકોને હવેથી અનાજના વિતરણ પર મળતા કમિશનમાં વધારો મળશે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, અંત્યોદય અન્ન યોજના અને પ્રાયોરિટી હાઉસ હોલ્ડ કુટુંબોને વિતરણ કરવામાં આવતા ઘઉં અને ચોખાના જથ્થા પર પ્રતિ ક્વિન્ટલ ચૂકવવામાં આવતા ₹૧૫૦ના કમિશનમાં ₹૩૫નો વધારો કરી હવે ₹૧૮૫ કરવામાં આવ્યું છે. આ નવી કમિશનની રકમનો અમલ ૧ એપ્રિલ ૨૦૨૬થી કરવામાં આવ્યો હતો ,એનો લાભ હવે મળશે.

લાંબા સમયથી વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને વાહન-વ્યવહાર, મજૂરી ખર્ચ, દુકાનની જાળવણી અને અન્ય સંચાલન ખર્ચમાં થયેલા વધારાના સંદર્ભમાં આર્થિક સહયોગની માગણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે સંચાલકોની આ વેદનાને સમજીને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, જેનાથી સંચાલકોને મોટી રાહત થશે. સરકારના આ નિર્ણયને પરિણામે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળના પાત્રતા ધરાવતા પરિવારો સુધી અનાજનું વિતરણ વધુ સરળતા અને સચોટતાથી થઈ શકશે.

આ કમિશન વધારાના અમલીકરણ માટે રાજ્ય સરકારે કુલ ₹૬૭.૨૦ કરોડની જોગવાઈ કરી છે. ઠરાવમાં દર્શાવ્યા મુજબ, આ ફાળવણીમાં ₹૫૨.૬૧ કરોડ સામાન્ય શ્રેણી હેઠળ, ₹૪.૧૧ કરોડ અનુસૂચિત જાતિ પેટાયોજના હેઠળ અને ₹૧૦.૪૮ કરોડ જનજાતિ પેટાયોજના હેઠળ ખર્ચવામાં આવશે. આમ, સરકારે આર્થિક રીતે આ જોગવાઈ કરીને વહીવટી અને સંચાલકીય ખર્ચને પહોંચી વળવા માટે રેશનિંગ દુકાનદારોને મોટું પીઠબળ પૂરું પાડ્યું છે.

Most Popular

To Top