Madhya Gujarat

અર્બન બેંકને દોઢ દાયકા બાદ પુનઃજીવીત કરાશે

પેટલાદ: આણંદમાં અર્બન કો. ઓપ. બેંક લી. 2007માં ફડચામાં ગઈ હતી. જેથી 16 વર્ષ દરમ્યાન ફડચા અધિકારીએ વસૂલાત અને ચુકવણાંની કામગીરી કરી હતી. જેથી બેંકની સ્થિતી પુનર્જીવીત થઈ શકે તેમ જણાતી હતી. જેને કારણે ફડચા અધિકારીએ બેંકને શરાફી મંડળી તરીકે ચાલુ કરવા દરખાસ્ત તૈયાર કરી હતી. જેના અનુસંધાનમાં સાધારણ સભા યોજાઈ હતી. જેમાં બેંકને શરાફી મંડળી શરૂ કરવા ઉપસ્થિત તમામ સભાસદોએ સર્વાનુમતે મંજૂર રાખતો ઠરાવ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હવે આગામી સમયમાં સ્ટેટ રજીસ્ટ્રાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી શકે છે.

આણંદ સ્થિત અર્બન કો. ઓપ. બેંક લી. 27મી માર્ચ 2007ના રોજ ફડચામાં ગઈ હતી. જે વખતે બેંકના 31,501 થાપણદારોની રૂ.31.39 કરોડ જેટલી ડિપોઝીટ બેંકમાં હતી. છેલ્લા 16 વર્ષ દરમ્યાન ફડચા અધિકારીએ લગભગ 22,561 થાપણદારોને આશરે રૂ.30 કરોડ જેટલી રકમ ચુકવી દીધી છે. જેથી હવે 8940 જેટલા થાપણદારોની ફક્ત રૂ.72.74 લાખ જેટલી રકમ જ ચુકવવાની બાકી છે. જે અન-કલેઈમ્ડ ડિપોઝીટ છે. આટલી રકમ હાલ બેંક દ્વારા ફિક્સ ડિપોઝીટ કરી દિધેલ છે કે જેથી ભવિષ્યમાં આ પૈકીના કોઈ થાપણદાર પોતાની ડિપોઝીટ ઉપાડવા આવે તો તે આપી શકાય.

બેંક દ્વારા થાપણોની સામે 986 લોન ધારકોને અંદાજીત રૂ.24 કરોડ જેટલું ધિરાણ કર્યું હતું. જેઓ પાસેથી ફડચા અધિકારીએ લગભગ રૂ.18 કરોડની વસૂલાત કરી હતી. જેથી હવે બેંકને 80 જેટલા બાકીદારો પાસેથી આશરે રૂ 5.94 કરોડ જેટલી રકમની વસૂલાત બાકી નીકળે છે. જ્યારે વર્ષ 2007માં બેંક ફડચામાં ગઈ તે સમયે રૂ.10.85 કરોડના રોકાણો કર્યાં હતાં. જે 31મી માર્ચ 2023ના રોજ પાંચ કરોડ જેટલા છે. જેથી બેંકને ચુકવવાની જવાબદારી રૂ.72.74 લાખ સામે બેંક પાસે આશરે રૂપિયા પાંચ કરોડ છે.

જેથી બેંકને શરાફી મંડળી તરીકે શરૂ કરવા ફડચા અધિકારીએ દરખાસ્ત કરી હતી. જેના અનુસંધાનમાં ફડચા અધિકારી અવની વોરાની અધ્યક્ષતામાં સાધારણ સભા મળી હતી. જેમાં આ સઘળી તમામ માહિતીથી સભાસદોને વાકેફ કર્યા હતા. જેથી ઉપસ્થિત આશરે 106 સભાસદોએ ફડચા અધિકારી અવની વોરાની દરખાસ્તને અનુમોદન આપતા ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961 તથા ગુજરાત સહકારી મંડળીના નિયમો 1965ની કલમ 19 મુજબ બેંકને ક્રેડીટ સોસાયટીમાં પુન:રચના કરી કાર્યાન્વિત કરી શકાય તે માટે આ દરખાસ્ત માટે સર્વાનુમતે મંજૂર કરતો ઠરાવ કરાયો હતો.

18 કરોડની વસુલાત કરવામાં આવી છે
અર્બન બેંકના ફડચા અધિકારી અવની વોરાએ જણાવ્યું હતું કે આ બેંકની રિકવરી અને ચુકવણી ખૂબ સારી રીતે થઈ છે. છેલ્લા 16 વર્ષ દરમ્યાન અંદાજીત રૂપિયા ત્રીસ કરોડનું ચુકવણું અને લગભગ રૂપિયા અઢાર કરોડ જેટલી વસૂલાત કરવામાં આવી છે. જેથી જો હવે આ બેંકને શરાફી મંડળી તરીકે શરૂ કરવામાં આવે તો થાપણદારો, લોન ધારકો, સભાસદો વગેરેને ફાયદો જ છે. મંડળીને થાપણો મળે તો વેપાર વેગ પકડશે અને સભાસદોને ડિવીડન્ડ મળી શકે છે.

ચરોતર બેન્ક સહિત અન્ય બેન્ક પણ શરાફી મંડળી બને તેવી શક્યતા
આણંદ જીલ્લાની ચરોતર બેંક, આણંદ અર્બન કો ઓપ, આણંદ પીપલ્સ, પેટલાદ નાગરીક, પેટલાદ કોમર્શિયલ, સુણાવ નાગરીક, કેમ્બે હિન્દુ મર્ચન્ટ, ભાદરણ કો ઓપ, ઉમરેઠ કો ઓપ, ઉમરેઠ પીપલ્સ જેવી બેંકો સમયાંતરે ફડચામાં ગઈ હતી. જે પૈકી સૌપ્રથમ ચરોતર બેંકની દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. જેને વચગાળાનો હુકમ થયેલો હોવાનુ જાણવા મળે છે. હવે જીલ્લામાં આ બીજી અર્બન બેંક દ્વારા શરાફી મંડળી શરૂ કરવા દરખાસ્ત કરવામાં આવી છે.

Most Popular

To Top