National

તવાંગ મુદ્દે રાજ્યસભામાં હોબાળો, વિપક્ષનું વોકઆઉટ

નવી દિલ્હી: 7 ડિસેમ્બરથી ચાલી રહેલા સંસદના શિયાળુ સત્રનો બુધવારે 7મો કાર્યકારી દિવસ છે. ચીન સાથે અથડામણના મુદ્દે ફરી એકવાર બંને ગૃહોમાં વિપક્ષી દળોએ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષો ભારત-ચીન સરહદની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી હતી. હોબાળા બાદ કોંગ્રેસ અને TMC સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

નેહરુએ 1962માં લોકસભામાં ભારત-ચીન યુદ્ધ પર ચર્ચા કરવાની મંજૂરી આપી હતી: અધીર રંજન ચૌધરી
કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના લોકસભા સાંસદો અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ ભારત-ચીન સરહદ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યો હતો. બુધવારે પ્રશ્નકાળ પૂરો થતાં, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભારત-ચીન સરહદની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી. તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 1962માં લોકસભામાં ભારત-ચીન યુદ્ધ પર ચર્ચા કરવાની મંજૂરી આપી હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે ભારત-ચીન સરહદની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી રહ્યા છીએ. 1962માં જ્યારે ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે જવાહરલાલ નેહરુએ આ ગૃહમાં 165 સાંસદોને બોલવાની તક આપી હતી. આ પછી નક્કી થયું કે આપણે શું કરવાનું છે.

સ્પીકરે કહ્યું…
કોંગ્રેસના નેતાની માંગનો જવાબ આપતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. સ્પીકરે ગૃહની કાર્યવાહી શરૂ કરતાની સાથે જ કોંગ્રેસ અને ટીએમસીએ વિરોધમાં વોકઆઉટ કર્યું અને સરકાર પર ભારત-ચીન સરહદ મુદ્દે ચર્ચા ન થવા દેવાનો આરોપ લગાવ્યો. ટીએમસીના સભ્ય સુદીપ બંદ્યોપાધ્યાયે પણ ગૃહમાં ચર્ચાની માંગ ઉઠાવી અને કહ્યું કે તેમની પાર્ટીના સભ્યો સરકારના વલણના વિરોધમાં વોકઆઉટ કરી રહ્યા છે.

રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ
તવાંગ મુદ્દે ચર્ચાની માગણી સાથે વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું છે. વિપક્ષનું કહેવું છે કે સરકારે અમને અને દેશને સવાલોના જવાબ આપવા જોઈએ.

મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું…
તવાંગ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે અમે ગઈ કાલે પણ નોટિસ આપી હતી અને આજે પણ આપી રહ્યા છીએ. અમે ગૃહમાં ચીનની ઘૂસણખોરી પર ચર્ચા ઈચ્છીએ છીએ. આપણને સંપૂર્ણ માહિતી મળવી જોઈએ તેમજ સમગ્ર દેશને પણ મળવી જોઈએ.

ચીન સાથેના મુકાબલાના મુદ્દે સંસદમાં વિપક્ષનો હોબાળો
ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણના મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં ફરી એકવાર વિપક્ષનો હોબાળો ચાલી રહ્યો છે. તમામ સાંસદો ચર્ચાની માંગ પર અડગ છે.

તમામ બિલો સંસદમાં અગ્રતાના ધોરણે રજૂ કરવામાં આવશેઃ પ્રહલાદ જોશી
કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સંસદમાં તમામ બિલોને પ્રાથમિકતાના આધારે રજૂ કરવામાં આવશે. આ સિવાય તેમણે G-20 મુદ્દે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે G20 એ વડાપ્રધાન, ભાજપ કે સરકારનો કાર્યક્રમ નથી, તે ભારતનો દેશનો કાર્યક્રમ છે. આવનારા તમામ વિદેશી મહેમાનોનું અતિથિ દેવો ભવ અપનાવીને સ્વાગત કરવું જોઈએ. દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે તેઓ તેમાં કેવી રીતે સામેલ થઈ શકે.

Most Popular

To Top