Trending

સામાન્ય વ્યક્તિઓની અસામાન્ય કથાઓ : સફળ જીવોની અશક્ય જિંદગીઓ

હાલમાં આસામના ગુવાહટીમાં પુસ્તકમેળો યોજાઈ ગયો. કોરોના આવ્યા પછી દેશમાં આયોજિત સૌથી મોટા પુસ્તકમેળા તરીકે આ મેળો ખ્યાતિ પામ્યો છે. આ પુસ્તકમેળાનું આયોજન કરતાં પહેલાં તે અંગે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. તેમ છતાં અંતે આ મેળો થયો અને તેમાં પુસ્તકપ્રેમીઓએ ઉત્સાહથી ભાગ લીધો. બાર દિવસ ચાલેલાં આ પુસ્તકમેળામાં આઠ કરોડથી વધુનાં પુસ્તકો વેચાયાં અને રોજના પચ્ચીસ હજારથી એકાદ લાખ લોકો તેમાં સામેલ થયાં!

અહીંયા અનેક પુસ્તકોનું વેચાણ થયું પણ સૌથી બેસ્ટ સેલિંગ ટાઇટલ ‘લાઇફ ઑફ અ ડ્રાઇવર’ રહ્યું. આ પુસ્તક આસામ સ્થિત ડ્રાઇવર તરીકે કાર્ય કરતા રૂપમ દત્તાએ લખ્યું છે. આ પુસ્તકની 1500 કોપીનું વેચાણ ગુવાહટીના પુસ્તકમેળામાં થયું છે. હવે રૂપમ દત્તા આસામમાં જાણીતું નામ બન્યું છે. રૂપમ અત્યારે સ્વાસ્થ્યના પ્રશ્નોના કારણે ડ્રાઇવિંગ નથી કરી શકતા. રૂપમનું જીવન આશા-આકાંક્ષા સાથે શરૂ થયું હતું. તેને અમેરિકામાં પોતાનાં ભાઈ-બહેન પાસે જઈને સ્થાયી થવાનું સપનું હતું. પરંતુ અભ્યાસ અધૂરો રહેવાથી અને પછી કોઈ ને કોઈ કારણસર અમેરિકા જવાનું પાછળ ઠેલાતું ગયું.

આ દરમિયાન રૂપમે શાકભાજી અને માંસ વેચાણનો બિઝનેસ પણ કરી જોયો. પછીથી લાંબા સમય સુધી ડ્રાઇવર તરીકે કામ કર્યું. અમેરિકા જવાનું સપનું તો પાછળ છૂટી ગયું અને રૂપમ ભારતના જીવનમાં એટલો રંગાઈ ગયો કે ડ્રાઇવર તરીકે કામ કરતાં કરતાં દોઢ દાયકાથી વધુ સમય નીકળી ગયો. આ દરમિયાન અનુભવ્યું તે કાગળ પર લખ્યું અને હવે તે પુસ્તકરૂપે પ્રકાશિત થયું છે. મૂળે વાત એટલી જ છે કે આજે સફળ લોકોની ઝીણામાં ઝીણી વિગત મીડિયામાં છવાઈ જાય છે, પણ જે લોકો સામાન્ય કામમાં જોતરાય છે, તેમના જીવન અંગે ભાગ્યે જ કશુંક નક્કર સામે આવે છે. આ કિસ્સામાં રૂપમ દત્તાનું આ પુસ્તક અદ્વિતીય છે, જેમાં તેણે એક ડ્રાઇવર તરીકેના અનુભવ નોંધ્યા છે.

એ સવાલ સૌને થાય કે, કેમ કોઈ ડ્રાઇવર જીવન વિશે વાંચે? તેનું અગત્યનું કારણ જે જીવન મહદંશે મોટા ભાગનાં લોકો જીવતાં હોય છે તે જ કન્ટેન્ટ લોકોને પોતીકી અનુભૂતિ કરાવે છે. સફળ લોકોનું જીવન પ્રેરણાદાયી હોવા છતાં તેમનાં જીવનનું બધું જ પોતાના જીવનમાં અમલ કરવું અશક્ય હોય છે, જ્યારે અદના વ્યક્તિના જીવનની બાબતો ઝડપથી અમલમાં મૂકી શકાય. રૂપમ દત્તાનું પુસ્તક આ જ કારણે આસામમાં બેસ્ટ સેલિંગ ટાઇટલ બન્યું છે. રૂપમ દત્તા આજે જે ફેમ આસામમાં મેળવી રહ્યા છે, એવી જ ખ્યાતિ દેશભરમાં બેબી હાલ્દરે મેળવી છે.

બેબી હાલ્દર ઘરકામ કરતી એક મહિલા છે. તેઓએ ‘આલો અંધારી’[અંધારું અને પ્રકાશ] નામે પોતાનું જીવન બંગાળી ભાષામાં આલેખિત કર્યું છે. બેબી હાલ્દરની આત્મકથા આજે 21 ભાષામાં અનુવાદિત થઈ ચૂકી છે, જેમાં 13 ભાષા વિદેશી છે. બેબી હાલ્દર અહીંયા પહોંચી છે તેનું એક કારણ તેમનો હાર ન માનવાનો સ્વભાવ છે. બેબી હાલ્દરનો જન્મ કાશ્મીરમાં થયો હતો અને માત્ર ચાર વર્ષની ઉંમરે તેની માતાએ તેને તરછોડી દીધી હતી. દારૂના વ્યસની પિતાએ તેની સાથે બાળપણમાં મારઝૂડ કરીને તેનું જીવન દોજખ જેવું બનાવી દીધું હતું અને જ્યારે બેબી બાર વર્ષની થઈ ત્યારે તેના પિતાએ તેને બેબીથી ચૌદ વર્ષ મોટી વ્યક્તિ સાથે તેને પરણાવી દીધી.

તેર વર્ષની ઉંમરે તો બેબી માતા બની ચૂકી હતી અને પછીનાં થોડાં વર્ષોમાં તે ત્રણ બાળકોની માતા બની. પરંતુ પતિના ત્રાસથી છેવટે તેણે પતિનું ઘર અને શહેર છોડ્યું અને દિલ્હી આવતી રહી. દિલ્હી આવ્યા બાદ જોગાનુજોગ જાણીતા સાહિત્યકાર મુનશી પ્રેમચંદના પ્રપૌત્ર પ્રબોધકુમારના ઘરે તેને ઘરકામ કરવાનું કામ મળ્યું. આ દરમિયાન તે પુસ્તકોના પરિચયમાં આવી. પ્રબોધકુમાર બેબી હાલ્દરની પ્રતિભા ઓળખી ચૂક્યા હતા અને તેમણે તે બાબતે થોડો ઉત્સાહ પૂર્યો. થોડા જ દિવસોમાં બેબી હાલ્દરે સોથી વધુ પાનાં પોતાના જીવન વિશે લખ્યાં.

આમ 2004માં ‘આલો અંધારી’ પ્રકાશિત થઈ. પછી તો એક પછી એક ભાષામાં તે પુસ્તક પ્રગટ થવા માંડ્યું. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ સુધ્ધાંએ બેબી હાલ્દરના પુસ્તકની નોંધ લીધી. પછીથી તેમનું એક અન્ય પુસ્તક બંગાળી ભાષામાં ‘ઇશાંત રૂપાંતર’ આવી ચૂક્યું છે. હાલમાં તેઓ ત્રીજા પુસ્તક પર કામ કરી રહ્યાં છે અને તેમનાં બાળકો સારી રીતે જીવનનિર્વાહ કરી રહ્યાં છે. બેબી હાલ્દરે પોતાના જીવન સાથે કામ કરનારાં બહેનોની વ્યથા પણ આલેખી છે. મૂળે આ પુસ્તક પણ એવું છે, જેમાં સામાન્ય વ્યક્તિના રોજબરોજના સંઘર્ષનો અવાજ સંભળાય.

સામાન્ય જીવનની આ અસામાન્ય કથામાં એક નામ નલિની જમિલાનું પણ છે. મૂળે કેરળનાં નલિની આજે 66 વર્ષનાં છે, અને તેઓનું જીવન સેક્સ-વર્કર તરીકે વ્યતીત થયું છે. યુવાન વયે પતિના અવસાનથી નલિનીને દેહવ્યાપારમાં જોતરાવું પડ્યું અને અહીંયા તેમનાં ક્લાયન્ટ્સમાં સીનિયર પોલીસ અધિકારીઓ, રાજકીય આગેવાનો હતા. સમય વિતતો ગયો અને નલિની આ ખાઈમાં એટલી ઊંડી ઊતરી ગઈ કે તેમાંથી બહાર આવવું લગભગ અશક્ય હતું. આ ગૂંગળામણ દૂર ત્યારે થઈ જ્યારે તેમણે પોતાના અનુભવ શબ્દમાં ઉતાર્યા. 2005માં નલિનીએ ‘ઓટોબાયોગ્રાફી ઓફ સેક્સવર્કર’ લખી.

આ પુસ્તક પહેલાં મલયાલમમાં લખાયું અને પછી અંગ્રેજી, ફ્રેન્ચ ભાષામાં અનુવાદિત થયું. શરૂઆતના સો દિવસમાં આ પુસ્તકની છ આવૃત્તિ થઈ અને 13,000 જેટલી નકલો વેચાઈ. કેરળમાં તેને લઈને ખાસ્સો વિવાદ ઊભો થયો હતો. નલિનીના આ પુસ્તકથી ફેમિનિસ્ટ અને રૂઢિચુસ્ત વર્ગ બંને નારાજ થયા હતા. ફેમિનિસ્ટ વર્ગે એમ કહીને આ પુસ્તકને વખોડ્યું કે નલિનીએ સેક્સ-વર્કરના કામને ગ્લોરીફાય કર્યું છે જ્યારે રૂઢિચુસ્તોએ એમ કહીને નલિનીની આત્મકથા નકારી કે આ બાબત પર પુસ્તક લખવું એ યોગ્ય નથી. નલિનીનું આ પુસ્તક પણ એ રીતે અદ્વિતીય છે, જેમાં આપણને એક સેક્સવર્કરનું જીવન વાંચવા મળે છે.

થર્ડ જેન્ડરના અવાજ બનેલાં લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ પણ પોતાનું જીવન આલેખ્યું છે. તેમની જીવનીનું નામ છે : ‘મૈં હિજરા, મૈં લક્ષ્મી’. મહારાષ્ટ્રના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી લક્ષ્મીએ મીઠીબાઈ કોલેજમાં ભારતનાટ્યમમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ તેણે બાર ડાન્સર તરીકે કામ કર્યું. જો કે બાર ડાન્સર બંધ થયા ત્યારે તેના વિરોધમાં લક્ષ્મીએ અવાજ ઉઠાવ્યો અને પછી તે એક મજબૂત એક્ટિવિસ્ટ તરીકે ઊભરી. વિધિવત રીતે એક સંસ્થા નિર્માણ કરી. આજે લક્ષ્મીની લડતના કારણે જ સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીને ‘થર્ડ જેન્ડર’ તરીકે ઓળખ મળી છે.

રૂપમ દત્તા સિવાય આજે અન્ય ત્રણેય મહિલાઓના નામ જે અહીં ટાંક્યા છે, તેઓ પોતાની લેખન સફરમાં ખૂબ આગળ નીકળી ગયાં છે. આ નામોમાં કન્હૈયા કુમારને પણ ઉમેરી શકાય. તેણે પણ પોતાની જીવની ‘બિહાર ટુ તિહાર : માય પોલિટિકલ જર્ની’ વિદ્યાર્થીકાળ દરમિયાન જ લખી છે. કન્હૈયાનું પુસ્તક વાંચીને એક વિદ્યાર્થી તરીકે કન્હૈયાએ પોતાનું જીવન કેવી રીતે ગાળ્યું તે પુસ્તક રૂપે આપણી પાસે ઉપલબ્ધ છે. આ યાદીમાં અનેક નામો ઉમેરી શકાય, પરંતુ હાલમાં તો અહીંયા તેઓને જ સમાવ્યાં છે જેઓના સામાન્ય જીવનના અનુભવ કિતાબરૂપે પ્રકાશિત કરીને તેઓએ નામદામ કમાવ્યાં છે.

ગુજરાતી ભાષામાં તે ટ્રેન્ડ હજુ વિકસ્યો નથી, જે મરાઠી, બંગાળી ભાષામાં જોવા મળે છે. ઉપરાંત દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ સામાન્ય લોકો પોતાનું જીવન લખતાં થયાં છે. વિદેશમાં પણ આમ આદમી જે લખે છે, તેનું પુસ્તકરૂપે દસ્તાવેજીકરણ થયું છે. સોશ્યલ મીડિયા પર આજે સેલિબ્રટીઝ સિવાયનાં લોકો પણ પોતાની અભિવ્યક્તિ કરે છે, પણ પુસ્તકરૂપે વ્યવસ્થિત રીતે જો તે અભિવ્યક્તિ ગોઠવાય તો તેનાથી એક અલભ્ય સાહિત્યનું સર્જન થાય. રૂપમ, બેબી, નલિની કે લક્ષ્મી જેવાં વ્યક્તિઓનાં લખાયેલાં જીવનને આજે બજાર પણ આવકાર આપવા તૈયાર છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top